Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સ્ટેજનો કલાકાર કદી કોઇથી ડરતો નથીઃ વિશ્વજીત

સૂર સંસારની ૨૫ વર્ષની સફરના ચોથા કાર્યક્રમમાં જુની પેઢીના ચોકલેટી અભિનેતા પુત્રી પ્રાઇમા સાથે બન્યા રાજકોટના મહેમાનઃ આજના કાર્યક્રમમાં ૮૩ વર્ષના વિશ્વજીત ગીતો પણ ગાશેઃ તેમના દિકરી વૈજયંતિજીના સુપરહિટ ગીત 'હોઠો પે ઐસી બાત' પર ડાન્સ રજૂ કરશેઃ જુના ફિલ્મી ગીતો રજૂ કરતી સંસ્થાના મોદીકાકાએ ૧૯૬૨ થી ૧૯૮૦માં અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા વિશ્વજીતજીના દિકરી પ્રાઇમાનો ફોન નંબર શોધ્યો અને કાર્યક્રમમાં આવવા નિમંત્રણ આપ્યું: પ્રાઇમાએ પિતાને પુછ્યા વગર જ કહી દીધું-અમે ચોક્કસ આવીશું

૮૩ વર્ષે પણ સદાબહારઃ સાંઇઠના દસકાના ચોકલેટી અભિનેતા વિશ્વજીત ચેટર્જી આજે તેમની દિકરી પ્રાઇમા સાથે રાજકોટના સૂરસંસાર આયોજીત જુના ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં હાજરી આપવા રાજકોટના મહેમાન બન્યા છે. તેમણે પોતાના સમયની ફિલ્મોની અને આજની ફિલ્મો તથા સંગીત સહિતની બાબતો વિશે વિસ્તૃત ગોષ્ઠી કરી હતી. લાક્ષણિક અદામાં વિશ્વજીતજી તથા અન્ય તસ્વીરમાં વિશ્વજીતજી સાથે તેમની દિકરી પ્રાઇમા અને સૂરસંસારના ભગવતીભાઇ મોદી જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૫: 'હું નાટક (સ્ટેજ)નો કલાકાર છું અને નાટકો થકી જ ફિલ્મોમાં આવ્યો છું, સ્ટેજનો કલાકાર હોય તે કદી કોઇથી ડરતો નથી...હું કોઇ દિવસ મહેમુદથી ડર્યો નથી, દિલીપ કુમારથી પણ ડર લાગ્યો નહોતો...અશોક કુમારથી ડર્યો નથી કે ધર્મેન્દ્રથી કે બીજા કોઇ કલાકારોથી મને ડર લાગ્યો નથી...કારણ કે હું નાટકોમાંથી આવેલો છું'...આ વાત કહી હતી ૮૩ વર્ષની વયે પણ સદાબહાર એવા ૬૦ના દાયકાના વિખ્યાત અભિનેતા વિશ્વજીતે. તેઓ પોતાની દિકરી પ્રાઇમા સાથે આજે રાત્રે ૯:૩૦ કલાકે શ્રી હેમુ ગઢવી નાટ્ય ગૃહ (સરગમ કલબ સંચાલિત) ખાતે યોજાયેલા સૂર સંસારના કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા રાજકોટના મહેમાન બન્યા છે. સૂર સંસાર સંસ્થા પોતાનો સળંગ ૧૪૮મો અને સંસ્થાના ૨૫મા વર્ષની ઉજવણીનો આ ચોથો કાર્યક્રમ આપી રહી છે. આ શોમાં વિશ્વજીત પોતે ગીતો ગાશે અને તેમના દિકરી પ્રાઇમા વૈજયંતિમાલાના ગીત હોઠો પે ઐસી બાત...પર ડાન્સ રજૂ કરશે.

જુના ફિલ્મી ગીતોની અગ્રગણ્ય સંસ્થા આજે રપમું વર્ષ પૂર્ણ કરવામાં પ્રવૃત છે અને પ્રગતિ કરી રહી છે.  પચ્ચીસમા વર્ષનો ચોથો કાર્યક્રમ આજે શ્રી હેમુ ગઢવી  નાટયગૃહ (સરગમ કલબ સંચાલિત)માં યોજાઈ રહયો છે.  ૨૫મું વર્ષ 'સીલ્વર જયુબીલી વર્ષ-રૌપ્ય જયંતિ વર્ષ' સૂર-સંસાર માટે એક હરખનું વર્ષ અને ગૌરવનું વર્ષ છે, તે ઉજવવું જોઈએ તેવી બધા સહભાગીઓ અપેક્ષા રાખે એ વાત લક્ષ્યમાં રાખી સૂર-સંસારે ચોથા કાર્યક્રમ માટે ૧૯૬ર થી ૧૯૮૦ની સાલ સુધીના લોકપ્રિય અને અનેક સફળ ફિલ્મોના હીરો શ્રી વિશ્વજીતજીને નિમંત્રણ આપતાં તેઓ આ ખાસ ઉપસ્થિત રહ્યા છે. તેઓની સાથે તેમના યુવા પુત્રી કુ. પ્રાઈમા કે જેઓ ઉભરતા અને આશાસ્પદ અભિનેત્રી છે અને ફિલ્મો તેમજે સીરીયલોમાં નાની-મોટી ભુમિકાઓ ભજવે છે તે પણ સૂરસંસારના મહેમાન બન્યા છે. પ્રાઇમા સારી નૃત્યાંગના પણ છે. આજના શોમાં તે ખાસ ડાન્સ રજૂ કરશે અને તેના પિતા વિશ્વજીતજી પોતાના કંઠેથી ગીતો સંભળાવશે.

વિશ્વજીત અને પ્રાઇમા સાથે સૂરસંસારે પત્રકાર ગોષ્ઠી યોજી હતી. જેમાં ૮૩ વર્ષના જુવાન એવા અભિનેતા વિશ્વજીતજીએ દિલ ખોલીને વાતો કરી હતી. તેમણે જુની ફિલ્મો અને આજની ફિલ્મોની પણ વાતો કરી હતી. વિશ્વજીતજીએ કહ્યું હતું કે હું ભલે અભિનેતા હોઉ પણ બાળપણથી જ મને સંગીત પ્રત્યે લગાવ હતો. મને ગીતો સાંભળવા અને ગાવા પણ ગમે છે. સંગીત પાછળ હું એવો ઘેલો છું કે રાતભર ગીતો સાંભળતો રહુ છું.  જે લોકો સંગીતને પસંદ કરે છે એને હું પસંદ કરુ છું. કોઇ મને સંગીત માટે બોલાવે તો હું ત્યાં જાવ છું. ફિલ્મના સેટ પર મારા દ્રશ્યોના શુટીંગમાંથી મને સમય મળતાં જ હું સંગીતકારના રૂમમાં જતો રહેતો હતો અને સંગીતકાર સાથે જોડાઇ જતો હતો. રેકોર્ડિંગ રૂમમાં પણ હું પહોંચી જતો હતો અને સંગીત સાંભળતો હતો.

વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે અમારા સમયમાં ફિલ્મોનો ગોલ્ડન પિરિયડ હતો, તો સાથોસાથ સંગીતનો પણ ગોલ્ડન પિરિયડ હતો. અગાઉ જેવા ગીતો આજે કોઇપણ સંજોગોમાં બની ન શકે. જુન સંગીત કદી ભુલી શકાય નહિ. આજના ગીતો થિયેટરમાંથી ફિલ્મ ઉતરે એટલે ભુલાય જાય છે. જો કે અમુક ગીતો ખુબ જ હિટ થઇ રહ્યા છે. આવા ગીતોના વ્યુવર્સ પણ અસંખ્ય હોય છે. પરંતુ જુન એ સોનુ એમ હું કહીશ. એ. આર. રહેમાનને તેમણે આજના યુગના સુપરસ્ટાર સંગીતકાર ગણાવ્યા હતાં. વિશ્વજીતજીએ આગળ કહ્યું હતું કે સંગીત બંગાળના લોહીમાં વસેલુ છે. આથી ત્યાંથી વધુને વધુ સંગીતકારો, ગાયકો આવતા રહે છે.

વિશ્વજીતજીએ કહ્યું હતું કે સારી ફિલ્મો અને સારા ગીતો બનાવવામાં નથી આવતાં એ આપોઆપ બની જાય છે. ઉદાહરણ આપતાં કહ્યું હતું કે શોલે ફિલ્મ બની હતી, પછી શાન બની હતી...ફિલ્મ એવી બનવી જોઇએ જેમાં સમગ્ર જનતાને મનોરંજન મળવું જોઇએ. કોઇ એમ કહે કે અમે આર્ટ ફિલ્મ બનાવી છે એટલે બધાને ન ગમી. પણ મારા મત્તે એ સ્પષ્ટ છે કે સારી ફિલ્મ એટલે સોૈને મનોંરજન મળે એ જ ગણાય. તમે મનોરંજનની સાથે સાથે કોઇપણ સારો મેસેજ પણ ફિલ્મ થકી આપી શકો છો. સમગ્ર  ફિલ્મી ચાહકોને ગમે એ જ સારી ફિલ્મ ગણી શકાય.

૮૩ વર્ષની વયે પણ અત્યંત સ્વસ્થ દેખાતા અભિનેતા વિશ્વજીતજીને ડાયાબીટીશ  સહિતની બિમારીઓ પણ છે. પરંતુ આમ છતાં તે મજબુત અને મક્કમ મનોબળથી મોજથી જીવે છે અને બધુ જ જમે છે. આ જ પોતાની તંદુરસ્તીનું રહસ્ય હોવાનું તેમણે કહ્યું હતું. ગુજરાતના ખાખરા તેમને ખુબ ભાવે છે. તેઓ મોટે ભાગે સફરમાં ખાખરા પોતાની સાથે રાખે છે.

અંતમાં સૂર સંસાર સંસ્થા વિશે થોડુ જાણીએ તો આ સંસ્થાનું સંચાલન પાંચ સભ્યો મળીને કરી રહ્યા છે. જેમાં સિનિયર સિટીઝન શ્રી ભગવતીભાઇ મોદી તથા તેમના સાથીદારો મનિષભાઇ શાહ, પંકજભાઇ ઘેલાણી, પિયુષભાઇ મહેતા અને મુકશભાઇ છાયા છે. આ સંસ્થાના આજે ૧૦૪૦ સભ્યો છે અને તમામ પેઇડ મેમ્બર્સ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ આ સંસ્થાના સભ્ય છે. પચાસથી વધુ ડોકટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, ઉદ્યોગપતિઓ એમ અસંખ્ય નામી વ્યકિતઓ આ સંસ્થાના સભ્ય છે. આ કારણે જ આ સંસ્થા સતત આગળ વધી રહી છે. તેમ ભગવતીભાઇ મોદીએ જણાવ્યું હતું.

પ્રાઇમા જે ડાન્સ રજૂ કરશે તે માટે ભગવતીભાઇએ જ તેને સુચન આપ્યું

સાત દિવસ પહેલા સૂર સંસાર પરિવારના શ્રી ભગવતીભાઇ મોદીએ કયાંકથી વિશ્વજીતજીના દિકરી પ્રાઇમાનો ફોન નંબર શોધી તેની સાથે વાત કરી હતી કે અમે રાજકોટમાં ૨૫ વર્ષથી જુના ગીતો રજૂ કરતી સંસ્થા ચલાવીએ છીએ. હાલમાં સિલ્વર જ્યુબીલી વર્ષની ઉજવણીમાં અમે  વિશ્વજીતજીને આમંત્રણ આપવા ઇચ્છીએ છીએ તો એ આવશે?...આ વાત સાંભળતા જ પ્રાઇમાએ પિતાજીને પુછ્યા વગર જ હા કહી દીધી હતી. એ પછી તેણે ઘરે જઇ પિતાને વાત કરતાં તેમણે પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાનું નક્કી કરી લીધું હતું.

પ્રાઇમાએ કહ્યું હતું કે મને આ શોમાં હોઠો પે ઐસી બાત ગીત પર ડાન્સ કરવાનું સુચન મોદીકાકાએ જ કર્યુ હતું. મને અનુભવ નહોતો પણ શ્રી ભગવતીભાઇએ પ્રોત્સાહન આપતાં મેં ત્રણ દિવસ પહેલા જ આ ગીતનો ડાન્સ કોરીયોગ્રાફર પાસે શીખ્યો હતો. આજે રાતે હું સ્ટેજ પર આ ડાન્સ રજૂ કરીશ. મને આ તક આપવા માટે હું ભગવતીભાઇની હમેંશા આભારીશ રહીશ.

કેટલીક ફિલ્મો સમયને અભાવે છોડવી પડી'તી તેનું આજે પણ દુઃખ

બાહુબલી જેવી અદ્દભુત ફિલ્મ આપણે બનાવી શકીએ એ ખુબ મોટી વાત

વિશ્વજીતે કહ્યું હતું કે મારે એ વખતે અમુક ફિલ્મો સમયના અભાવે છોડવી પડી હતી. જે પાછળથી સુપરહિટ નિવડી હતી. સચિન ભોૈમિકે આરાધના મને ઓફર કરી હતી. પણ હું મુંબઇ અને બંગાળી ફિલ્મોમાં સતત વ્યસ્ત હોવાથી ઓફર સ્વીકારી શકયો નહોતો. એ પછી સચિને શકિત સામંતને સ્ક્રિપ્ટ આપી હતી. તેણે રાજેશ ખન્ના અને શર્મિલાને લઇને એ ફિલ્મ બનાવી હતી. એ જ રીતે વકત ફિલ્મનો શશી કપૂરનો રોલ મને ઓફર થયો હતો. પણ હું સમયના અભાવે તેમાં કામ કરી શકયો નહોતો. તેનું દુઃખ આજે પણ છે. વિશ્વજીતે બાહુબલી ફિલ્મના વખાણ કરતાં કહ્યું હતું કે આવી ફિલ્મ આપણે ભારતમાં બનાવી શકીએ એ હોલીવૂડને પડકારસમાન છે. આવી અદ્દભુત ફિલ્મ બની એ ખુબ મોટી વાત છે. આપણા સોૈ માટે એ ગોૈરવની વાત છે.

કજરા મહોબ્બત વાલા ગીતમાં છોકરી બની ડાન્સ કર્યો એ મોટો પડકાર હતોઃએ વખતે ફિલ્મોમાં પહોંચવું ખુબ મુશ્કેલ હતું... આજે અનેક પ્લેટફોર્મ મળે છે

વિશ્વજીતે ૧૯૬૮માં આવેલી ફિલ્મ 'કિસ્મત'માં એક ગીતમાં છોકરીનો વેશ ધારણ કરી 'કજરા મહોબ્બત વાલા' ગીત પર ડાન્સ કર્યો હતો. આશા ભોંસલે અને શમસાદ બેગમે ગાયેલા ગીતમાં બબીતા કપૂર સાથે વિશ્વજીતે આ ડાન્સ કર્યો હતો. આ ગીત આજે પણ રિમિકસ સહિતના વર્ઝનમાં સુપરહિટ છે. વિશ્વજીતે કહ્યું હતું કે એ જમાનામાં કોઇ હીરો છોકરીનો રોલ નિભાવવા તૈયાર નહોતો થતો. આવો રોલ નિભાવવો એ ખુબ ડરામણું કામ હતું. પણ અભિનેતા તરીકે મેં એ પડકાર જીલ્યો હતો. આજે પણ ચાહકોને મારું આ ગીત પસંદ છે. અભિનેતાએ આગળ કહ્યું હતું કે અમારા વખતમાં ફિલ્મોમાં કામ મેળવવું એ ખુબ મુશ્કેલી જનક હતું. ત્યારે પહેલા નાટકોમાં કામ કરવું પડતું હતું. નાટકો થકી જ તમે સંપુર્ણ કલાકાર બની શકો છો. એ વખતે ફિલ્મો સુધી પહોંચવાનું અન્ય કોઇ પ્લેટફોર્મ નહોતું. આજે અસંખ્ય એવા પ્લેટફોર્મ છે જેના થકી તમે કોઇપણ ગલીમાંથી સારામાં સારો કલાકાર શોધી શકો છો.

સુપરહિટ'બીસ સાલ બાદ'ની રિમેક બનાવવાની વિશ્વજીતને ઇચ્છા

હું હાઉસફુલ નાટકના શો કરતો હતો ત્યારે હેમંતદાએ નાટક છોડાવી મને બીસ સાલ બાદ સાથે જોડાઇ જવા મુંબઇ બોલાવી લીધો'તો

વિશ્વજીતજીએ કહ્યું હતું કે બીસ સાલ બાદ ફિલ્મ મારા માટે એવી ફિલ્મ છે જે કાયમ મારી સાથે જોડાયેલી છે. એ ફિલ્મ બની એ પાછળની કહાની જણાવતાં તેમણે કહ્યું હતું કે જ્યારે નિર્દેશક હેમંતદાએ બીસ સાલ બાદ માટે વહિદા રહેમાનને સાઇન કરી લીધા હતાં. એ પછી તેઓ કોલકત્તા મારી પાસે આવ્યા હતાં. ત્યારે હું ભૂતનાથ નામના નાટકમાં કામ કરી રહ્યો હતો. એ ફિલ્મના તમામ શો હાઉસફુલ ચાલી રહ્યા હતાં. ત્યારે હેમંતદાએ મને સ્ટેજ છોડી મુંબઇ આવી બીસ સાલ બાદ ફિલ્મના શુટીંગમાં જોડાઇ જવા કહ્યું હતું. આ ફિલ્મનું હોન્ટેડ સોંગ...કહીં દિપ જલે કહીં દિલ...પહેલા બંગાળી વર્ઝનમાં બનાવાયું હતું. એ મને સંભળાવાયું હતું...આ ગીતની શરૂઆત જ ગજબની છે. એ પછી હિન્દીમાં લત્તાજી પાસે આ ગીત ગવડાવાયું હતું. આ ફિલ્મ સાથે હું કાયમ માટે જોડાયેલો છું. જો આજના સમયમાં મારે કોઇ ફિલ્મ બનાવવી હશે તો હું ચોક્કસપણે બીસ સાલ બાદની રિમેક બનાવીશ. આ માટે મારું આયોજન પણ છે, અને બધુ ઠીક-ઠાક ચાલ્યું તો આ ફિલ્મ ચોક્કસ બનશે. અમે ફિલ્મનું નામ પણ વિચારી રાખ્યું છે અને એ હશે-'બીસ સાલ બાદ-રિટર્ન્સ'. આ ફિલ્મમાં હું મારી દિકરી પ્રાઇમાને મુખ્ય રોલ આપીશ. વિશ્વજીતજીએ સાતેક બંગાળી ફિલ્મો અને એક હિન્દી ફિલ્મ પણ બનાવી છે. તેમણે કહ્યું હતું કે હિન્દી ફિલ્મ ભલે ખાસ ચાલી ન હોય પણ અનુભવ ખુબ મળ્યો છે. ખુબ શીખવા મળ્યું છે.

હિન્દી ફિલ્મ 'ડાર્ક શેડો'માં વિશ્વજીત અને દિકરી પ્રાઇમા એક સાથે

જુના જમાનાના સુવિખ્યાત અભિનેતા વિશ્વજીત ચેટર્જીએ ૧૯૬૨થી ૧૯૮૦ સુધી અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. જેમાં બીસ સાલ બાદ, શહેનાઇ, બિન બાદલ બરસાત, કોહરા, એપ્રિલ ફૂલ, મેરે સનમ, યે રાત ફિર ન આયેગી, નાઇટ ઇન લંડન, હરે કાંચ કી ચુડીયા, કિસ્તમ, દો કલીયા સહિતની અનેક ફિલ્મો કરી છે. હવે તેઓ પોતાની દિકરી પ્રાઇમા સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ હોરર ટાઇપની છે. જેમાં તેનો અલગ જ લૂક અને અભિનય જોવા મળશે.  'ડાર્ક શેડો' નામની આ ફિલ્મ આગામી સમયમાં રિલીઝ થવાની છે.

(11:46 am IST)