Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રાજકોટ યાર્ડમાં મગફળી હરરાજીની બંધની ચિમકી બાદ અંતે મામલો થાળે પડયો...

ખેડુતો દલાલોની વાતોમાં આવી જઇ મગફળી લાવતા નુકશાન સહન કરવું પડયું, ખેડુતોને માલ લઇને આવવાનું કોણે કીધુ'તું?: યાર્ડના ડીરેકટર પરસોતમ સાવલીયાના વિવાદીત નિવેદનના ઉગ્ર પડઘા : ડીરેકટર પરસોતમભાઇએ હું આવુ કાંઇ બોલ્યો જ નથી તેમ કહેતા અંતે ઘીના ઠામમાં ઘી : આજ સાંજથી યાર્ડમાં મગફળીની આવકો ચાલુ કરાશે

રાજકોટ, તા., ૧પઃ રાજકોટ માર્કેટ યાર્ડના ડીરેકટર પરસોતમભાઇ સાવલીયાના વિવાદીત નિવેદનના વિરોધમાં રાજકોટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી બંધ કરવાની જાહેરાત બાદ અંતે મામલો થાળે પડયો હતો અને આજ સાંજથી મગફળીની આવકો ચાલુ કરાશે તેવી જાહેરાત કરાઇ છે.

આજે સવારે રાજકોટ યાર્ડમાં મગફળીની હરરાજી શરૂ થતા જ યાર્ડના ખેડુત ડીરેકટર  પરસોતમભાઇ સાવલીયાએ ગઇકાલે આપેલ  વિવાદીત નિવેદનનો દલાલો અને ખેડુતોએ રોષ વ્યકત કરી મગફળીની હરરાજી બંધ કરી દીધી હતી. જો કે યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા અને વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાની સમજાવટથી ખેડુતોનો માલ વધુ બગડે નહી એટલા માટે મગફળીનો જથ્થો જે પડતર હતો તેની હરરાજી  કરવા દેવામાં આવી હતી. આવતીકાલથી મગફળીની આવક  બંધ કરવાની ચિમકી અપાઇ હતી.

કમીશન એજન્ટ એસોસીઅએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે યાર્ડના ડીરેકટર પરસોતમભાઇ સાવલીયાએ ગઇકાલે એવુ નિવેદન આપ્યું હતું કે ખેડુતોને અગાઉથી જ લેખીતમાં તેમજ યાર્ડમાં લાઉડ સ્પીકર મારફતે જાહેરાત કરવામાં આવી હતી કે કોઇએ મગફળી અને કપાસ લઇને આવવું નહી તેમ છતા જો ખેડુતો સુચના અવગણીને તેમજ દલાલોની વાતોમાં આવી જઇને મગફળી લાવે અને વરસાદમાં પલળી જાય તો તેમાં યાર્ડ શું કરે? ખેડુતોને માલ લઇને આવવાનું કોણે કીધું'તું? દલાલોની વાતોમાં ભોળવાઇ જતા ખેડુતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

દરમિયાન આ નિવેદનના વિરોધમાં આજે યાર્ડના દલાલો અને વેપારીઓએ વિરોધ વ્યકત કરી હરરાજી ઠપ્પ કરી દીધી હતી. કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે યાર્ડના ડીરેકટર પરસોતમભાઇ સાવલીયા વિવાદીત નિવેદન અંગે માફી નહિ માંગે ત્યાં સુધી રાજકોટ યાર્ડમાં મગફળીની હરરાજી કરવા દેવામાં આવશે નહી તેવી ચિમકી આપી હતી.

હડતાલની ચિમકીના પગલે યાર્ડના ડીરેકટર પરસોતમભાઇ સાવલીયા બેડી યાર્ડ ખાતે દોડી ગયા હતા અને દલાલો તથા વેપારી મંડળના આગેવાનો સમક્ષ પોતે આવું કઇ ન બોલ્યાનું કહેતા મામલો થાળે પડયો હતો અને કમીશન એજન્ટ એસોસીએશને મગફળી હરરાજી બંધની ચિમકી પાછી ખેંચી હતી. આજ સાંજથી મગફળીની આવકો ચાલુ કરાશે.

(3:55 pm IST)