Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

નહેરૂ યુવા કેન્‍દ્રના ઉપાધ્‍યક્ષપદે પ્રદિપસિંહ વાઘેલાની નિમણુંક કરતી કેન્‍દ્ર સરકાર

ભારતના ૮૦ લાખ યુવાનો સાથે જોડાયેલ સર્વોચ્‍ચ સંગઠન

રાજકોટ, તા. ૧૫ : વિદ્યાર્થી કાળથી જ વિદ્યાર્થી પરિષદમાં સક્રિય રહી જવાબદારીનું સુપેરે વહન કરનાર ભાજપના પ્રદેશ મંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલાની કેન્‍દ્ર સરકાર દ્વારા નહેર યુવા સંગઠનના ઉપાધ્‍યક્ષ તરીકે નિમણુંક કરી છે.

ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પૂર્વ અધ્‍યક્ષ અને વર્તમાન ભાજપ પ્રદેશ મંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલાની કેન્‍દ્ર સરકારના નેહરૂ રમત ગમત યુવા સાંસ્‍કૃતિક મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન કે જેમાં દેશના ૮૦ લાખ કરતાં વધુ યુવાનો અને ૩ લાખ કરતા વધુ યુવા કલબ જોડાયેલ છે. તેવા નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠનના ઉપાધ્‍યક્ષપદે આજે ૩ વર્ષ માટે નિયુકિત થયેલ છે.

બાલ્‍યકાળથી જ સબળ નેતૃત્‍વના ગુણ ધરાવતા પ્રદિપસિંહ નરેન્‍દ્રસિંહ વાઘેલા ૧૯૯૮થી ૨૦૦૬ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય રસ લઈ આગવી ઓળખ ઉભી કરેલ. ૨૦૦૩ થી ૨૦૦૪ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્‍બર તરીકે કાર્યરત હતા બાદમાં ૨૦૦૪થી ૨૦૦૬ દરમિયાન પૂર્ણ સમય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કચ્‍છ, સુરેન્‍દ્રનગરના સેક્રેટરી તરીકે ફરજ બજાવેલ.

વિદ્યાર્થી પરિષદમાં કરેલી સફળ કામગીરી બાદ રાજકીય ક્ષેત્રે પણ પ્રદિપસિંહ વાઘેલાએ ૨૦૦૬-૦૭ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્‍ય ૨૦૦૭ થી ૨૦૧૦ દરમિયાન ભાજપના યુવા મોરચાના ઉપાધ્‍યક્ષ ૨૦૧૦ થી ૨૦૧૩ દરમિયાન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવેલ. જેની મવડી મંડળે નોંધ લઈ વધુ ત્રણ વર્ષ માટે ગુજરાત પ્રદેશ યુવા ભાજપનું સુકાન સોંપ્‍યુ હતું. ૨૦૧૬થી ગુજરાત ભાજપના પ્રદેશમંત્રી તરીકે ફરજ બજાવે છે.

પ્રદિપસિંહ વાઘેલાની કેન્‍દ્ર સરકારે કરેલી નિમણુંક બદલ યુવા ભાજપના પ્રદેશ મહામંત્રી ડો. નેહલ શુકલ સહિતના આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવ્‍યા છે.

(3:54 pm IST)