પીએસઆઇ ડી. પી. ઉનડકટ, પીએસઆઇ મહાવીરસિંહ જાડેજા, પીએસઆઇ રબારી તથા ટીમ અને બાજુમાં પકડાયેલો અશોકસિંગ બિહારી જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૫: અગાઉ શહેરમાં જુદા-જુદા પોલીસ મથકોમાં ગેરકાયદે હથીયારો, કાર્ટીસ સાથે જે શખ્સો પકડાયા તેણે આ હથીયાર સપ્લાય કરવામાં મુળ બિહારના શખ્સ અશોકસિંગનું નામ ખુલ્યું હતું. છેક ૨૦૧૧થી આ શખ્સ ફરાર હતો. તેને અંતે આજે ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે. જુદા-જુદા ૧૭ પિસ્તોલ-તમંચા તથા કાર્ટીસ, મેગ્ઝીનનો જથ્થો સપ્લાય કરવામાં આ શખ્સનું નામ ખુલ્યું હતું.
પોલીસ કમિશ્નરમનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હોઇ પો.ઇન્સ. એચ.એમ.ગઢવી તથા પીએસઆઇ ડી.પી.ઉનડકટ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મહાવીરસિંહ.બી.જાડેજા, તથા પીએસઆઇ એસ.કે.રબારી તથા હેડકોન્સ. પ્રતાપસિંહ દૈવતસિંહ ઝાલા, હરદેવસિંહ રમુભા, ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ, યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા તથા પો. કોન્સ. રવીરાજસિંહ, સોકતભાઇ, યુવરાજસિંહ ઝાલા, અમીતભાઇ ટુંડીયાની ટીમ પેટ્રોલીંગમા હતી ત્યારે પીએસઆઇ એસ.કે.રબારી, હેડકોન્સ. ફીરોઝભાઇ શેખ તથા કોન્સ. સોકતખાન અને અમીતભાઇને સયુંકત હકિકત મળતાં અશોકસિંહગ જગદીશસિંગ બૈસ (રજપૂત) (રહે. મુળ ખજુહટી બૈંકુંટપુરા જી. ગોપાલગંજ બિહાર, હાલ ભારતનગર-૨, આઇટીઆઇ પાછળ)ને દુઘસાગર રોડ માજોઠીનગરના છેડેથી પકડી લીધો છે.
ભકિતનગર પોલીસ મથકમાં તા.૧૫/૧૧/૧૮ ના રોજ આઇપીસી ૩૦૭, ૪૫૨, ૧૨૦(બી), ૧૮૮, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(એ), (૧-બી-એ) મુજબનો ગુનો નોંધાયો હતો. તેમાં પણ અશોકસિંગ ફરાર હોઇ તેની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.
વધુ માહિતી મુજબ તા.૩/૮/૧૧ના રોજ દીપકભાઇ પ્રતાપભાઇ ડોડીયા ઉપર જુની અદાવતમાં આદીલ ઉર્ફે ફીરોઝ હુસેનભાઇ જુણેજા સહીત કુલ પાંચ શખ્સોએ ફાયરીંગ કર્યા હતાં. જેમાં પાંચ અગાઉ પકડાઇ ગયા હતાં. અશોકસીંગ બીહારી તથા મોન્ટુસીંગના નામ ખુલ્યા હતાં. અશોકસિંગ ત્યારથી ફરાર હતો.
આ ઉપરાંત ૨૦૧૨માં પ્ર. ન.ગર પોલીસે આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)(એ) મુજબઙ્ગગુનો નોંધ્યો હતો. ફિરોઝ ઉર્ફ આદીલ જુણેજા સહિત બે જણાને ચાર પિસ્તોલ, એક તમંચો અને ૧૬ કાર્ટીસ સાથે પકડ્યા હતાં. તેમાં પણ અશોકસિંગનું નામ ખુલ્યું હતું. ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ મથકમાં તા.૭/૬/૨૦૧૨ ના રોજ ફિરોઝ સહિતના પાસેથી વધુ એક હથીયાર કબ્જે થયેલું તેમાં પણ અશોકસિંગનું નામ ખુલ્યું હતું.
ગાંધીગ્રામના જ આવા બીજા ચાર ગુનામાં અશોકસિંગ ફરાર હતો. તેને અંતે ઝડપી લેવાયો છે. તે આ હથીયારો, કાર્ટીસ બિહારથી લાવીને સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પણ તેને આ હથીયારો કોણ આપે છે? તે બાબતે તપાસ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.
અશોકસીંગ જગદીશસીંગ બૈસ વિરૂધ્ધ રાજકોટમાં અલગ અલગ આર્મ્સ એકટના કુલ ૭ ગુના જુદા-જુદા પોલીસ મથકમાં નોંધાયા હતાં. જેમાં દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧૫, દેશી બનાવટના કટા નંગ-૨, કાર્ટીઝ નંગ-૩૪ તથા મેગઝીન નંગ-૫ નો જથ્થો કબ્જે થયેલ હતો. પો. સબ ઇન્સ. મહાવીરસિંહ બી. જાડેજા અને ટીમ વિશેષ તપાસ કરે છે.