Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

દિલ્હીમાં રાજકોટ ગુરૂકુળની નૂતન શાખાનો રવિવારે શિલાન્યાસ

રાજકોટ સાથે સંલગ્ન કુલ ૩૩ ગુરૂકુળ, ૩૦ હજાર વિદ્યાર્થીઓ

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા નવી દિલ્હીમાં ગુડગાવ વિસ્તારમાં નિર્માણ પામનાર ગુરૂકુળની તસ્વીરી ઝલક.

દિલ્હી, તા. ૧પ :  શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટની નૂતન શાખાનો તા. ૧૮ નવેમ્બરને રવિવારે સુપ્રભાતે શિલાન્યસ વિધિ થશે. આ શિલાન્યાસ વિધિમાં ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય મહેમાન તરીકે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર રહેશે. અતિથિ વિશેષ તરીકે ભારત સરકારના રાજયમંત્રી મનસુખભાઇ માંડવિયા, તેજપાલસિંહ તંવર (વિદ્યાયક, સોહના- હરિયાણા), બ્રહ્મસિંહજી તંવર (માજી વિદ્યાયક દિલ્હી), મહંતશ્રી સીપાય્યારી શરણ (ચીફ ટ્રસ્ટી, છતરપુર ટેમ્પલ ટ્રસ્ટ), ડો. રાજીવ રંજન (જનરલ સેક્રેટરી આરડીએ-એજેએમએસ ન્યુ દિલ્હી) ડો. હરજીતસિંહ ભરી (પ્રેસીડન્ટ આરડીએ-એઆઇએમએસ-ન્યુ દિલ્હી), ડો. જગન્નાથ પટ્ટનાયક (વાઇસ ચાન્સેલર-સિક્કીમ યુનિવર્સિટી), ધીરજલાલ કાકડિયા (આઇએએસ તેમજ ગુરૂકુલ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થી), ધીરજલાલ બાબરિયા (ઉદ્યોગપતિ-અમેરિકા તથા ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી), લાલજીભાઇ પટેલ (ઉદ્યોગપતિ-ધર્મનંદન ડાયમંડ અને ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી) તથા હૈદ્રાબાદથી પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામી તથા સંતો પધારશે. દિલ્હી ખાતે સવારે નવ કલાકે વેદોકત વિધિથી કરવામાં આવશે. આ પ્રસંગે ઋષિકેશમાં પધારેલ સંતો તથા શિબિરાર્થી ભાઇ-બહેનો ૧૧૦૦ જેટલી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવશે.

પ્રભુ સ્વામીની યાદીમાંૈ જણાવાયું છે કે તે દિવસે સવારે ૯ કલાકે ભૂમિપ્રવેશ, ૯.૪પ કલાકે સમારોહ પ્રારંભ ૧૦ કલાકે દીપ પ્રાકટય, ૧૦-૧પ કલાકે શિલાન્યાસ વિધિ, ૧૧ કલાકે સંતોના આશિર્વાદ તથા મહેમાનોના પ્રવચન થશે. ૧ર કલાકે ભોજનપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ નૂતન ગુરુકુલનું નિર્માણ ગુરૂગ્રામ, દિલ્હી એન.સી.આર.ના પ્રાઇમ લોકેશનમાં ૧પ વિદ્યાના વિશાળ કેમ્પસમાં સાડાત્રણ લાખ સ્કેવરફૂટ બાંધકામમાં ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે ઉચ્ચતમ કક્ષાનુ઼ શિક્ષણ સીબીએસઇ, આઇસીએસઇ, આઇજીસીએસઇ તથા આઇબી બોર્ડ હેઠળ લઇ શકશે.

રાજકોટ ગુરૂકુલના સ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ભારત દેશની આઝાદીની શરૂઆતમાં ભારતની ભાવિ પ્રજામાં, વિદ્યાર્થીઓમાં શુભસંસ્કાર આપવાના હેતુથી ૧૯૪૮માં રાજકોટ-ગુરૂકુળની સ્થાપના કરી. શાસ્ત્રીજી મહારાજે અભ્યાસની સાથે સદ્વિદ્યા મળે એ હેતુથી પોતાની હૈયાતિમાં રાજકોટ-જુનાગઢ અને અમદાવાદમાં ગુરૂકુલોની સ્થાપના કરી. સ્વામીના અક્ષરધામ પછી મહંત સ્વામી સદ્ગુરૂ દેવકૃષ્ણદાસજી સ્વામીની રાહબરી નીચે તેત્રીસ જેટલા ગુરૂકુલો દેશ-વિદેશમાં સ્થપાયા. દર વર્ષે ગુરૂકુળની શાખામાં વધારો થતો રહ્યો છે. આ ગુરૂકુલોની સારસંભાળ માટે રપ૦ જેટલા સ્ત્રી ધનના ત્યાગી સંતો રાત દિવસ કાર્ય કરી રહ્યાં છે. ગુરૂકુલની વિવિધ શાખામાં હાલ ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાની સાથે સદ્વિદ્યાર્થી પ્રાપ્તિ કરી રહ્યાં છે. દેશ-વિદેશમાં ગુરૂકુલના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા લાખોની સંખ્યામાં હરિભકતો પધરાયેલા છોે. દુનિયામાં કોઇ એવો દેશ નથી જયાં ગુરૂકુલનો વિદ્યાર્થી ન હોય.

ગુરૂકુલની નૂતન શાખા દિલ્હીમાં શરૂ થઇ રહી છે ત્યારે ગુરૂકુલ કલગીમાં ઉમેરો થઇ રહ્યો છે. શિલાન્યાસમાં પધારવા સૌને હાર્દિક નિમંત્રણ છે એમ પ્રભુચરણ સ્વામીની યાદીમાં જણાવાયું છે.

(2:40 pm IST)