Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

પૂ. રણછોડદાસજીબાપુએ ૧૯૫૦માં ચિત્રકુટમાં નેત્રયજ્ઞ સેવાનો સ્તંભ નાખ્યો'તો

શ્રી કનકબા શ્રી મનોહરસિંહજી જાડેજા (દાદા)ના બહેન થાય, મુરબ્બી શ્રી મનોહરસિંહજી જાડેજા પ.પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુ પાસે કંઠી બંધાવેલ હતી અને મુ.શ્રી દાદાનો પરિવાર પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુશ્રીની બહુ જ નજીક હતો અને હાલમાં પૂ.દાદાના બહેન અને દાદાની સુપુત્રી શ્રી બેબીરાજા હાલમાં પુષ્કરમાં જ પ.પૂ. શ્રી રણછોડદાસબાપુ આશ્રમ (રામધામ)ની બાજુમાં જ બંગલો છે અને વર્ષોથી ત્યાં વસવાટ કરે છે. પૂ.દાદાના માતુશ્રી અને પિતાશ્રી પણ ખૂબ જ પૂ. ગુરૂદેવની નજીક હતા અને તેમની કૃપાદૃષ્ટિ સમગ્ર પરિવાર ઉપર હતી અને હાલમાં પણ છે જ.

હાલમાં ચિત્રકુટમાં કારતક સુદ - ૪થી ૧૦૨મો શ્રી તારા નેત્રયજ્ઞ શરૂ થશે.

સંત પુરૂષો સ્વને ભૂલી પોતાની ર્સ્વથા ઈશ્વર ઉપર છોડી દે છે એટલે જ સંતોના પ્રત્યેક સંકલ્પ પાછળ ઈશ્વરીય શકિતનો સંચાર રહેતો જોવા મળે છે. આવા જ સંતોના આપણા દેશમાં, વિરલ, કલ્યાણમય જીવન ગાળનાર વ્યકિત હતી, પૂજય રણછોડદાસજી મહારાજ જેમણે દેશમાં પ્રથમ વખત ૧૯૫૦માં ચિત્રકુટ ખાતે નેત્રયજ્ઞ સેવાનો સ્તંભ નાખી, સંતરૂપી સેવાના અલૌકિક દર્શન કરાવ્યા હતા. પૂ.રણછોડદાસજી બાપુએ સ્થાપેલ આ સેવાનો સ્તંભ પાછળ પણ અનેક સંજોગો કારણભૂત છે. જે બાબતો ઈતિહાસના પાને અંકિત થઈ છે. તેમ છતાં આજે પણ તે પ્રત્યક્ષ છે તેવી અનુભૂતિ થાય છે.

પૂ.રણછોડદાસજી બાપુ એક વાર ભ્રમણ કરતા હતા ત્યારે એક સુરદાસ દિવાલ સાથે એકદમ અથડાઈ પડતા તેમણે આ અંધાપાની લાચારી અને દુઃખ પ્રત્યક્ષ જોઈને, તેમણે એ જ ક્ષણે સંકલ્પ કર્યો કે અંધજનો માટે ત્વરીત એવી સેવા કરવી જોઈએ જેથી તેમની દૃષ્ટિ પાછી આપી શકાય.

સૂરદાસ સાથેની આ ઘટના બાદ રાજકુંવરી કનકકુંવરબાનું અકાળે અવસાન થવાથી વ્યાકુળ બનેલા રાજકોટ દરબાર સાહેબ તથા રાણી સાહેબ સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી, જેઓને પૂ.રણછોડદાસજી મહારાજે સંસારની અસારતા સમજાવી આશ્વાસન આપી શાંત કર્યા પણ ઉઠતી વેળાએ દરબાર સાહેબે પૂ.રણછોડદાસજીબાપુના ચરણોમાં રૂ.૧૦ હજાર ધરી, કનકકુંવરબાના નામે અલગ મૂકેલ આ મુડીનો ઉપયોગ ધર્માદામાં વાપરવા માટે વિનંતી કરી હતી.

ત્યારબાદ પૂ. મહારાજ મુંબઈ આવ્યા અને નેણસી અદાના ઘરે આવ્યા પરંતુ નેણસી અદાના પત્નિ અંધાપાથી પીડાતા હોય, ઘરના સભ્યો બહુ જ દુઃખી હતા, નેણસી અદાના પત્નિની આંખોમાં તે જ આવે તે માટે હજારો રૂપિયા ખર્ચી નાખ્યા અને એ જ અવસ્થામાં નેણસી અદાના પત્નિએ કાયમ માટે આંખો મીચી દેતા પરિવારના સભ્યો વસવસો કરવા લાગ્યા હતા. ખાસ તો નેણસી અદા અને તેના ભાઈ ઘટનાથી દુઃખી થઇ ગયા હતા. પૂજય રણછોડદાસજી મહારાજ આ બાબતથી સંપૂર્ણ વાકેફ હતા.

આથી તેમણે એક દિવસ ચાંદીવલીના ગુરૂ મંદિરમાં તન્ના કુટુંબને ઉદ્દેશીને જણાવ્યું કે, આપ લોગ જો માની ગોદમાં સેવા કરવા ઈચ્છતા હોય તો દેશમાં એવી અસંખ્ય માતાઓ છે કે જેમણે તમે દૃષ્ટિ આપી શકો તેમ છો પણ તે માટે ચિત્રકુટમાં નેત્ર કેમ્પ કરવાનો રહેશે.

પૂ. રણછોડદાસ બાપુની આ ઉત્તમ ભાવના તન્ના કુટુંબને સ્પર્શી ગઈ અને તેમણે કનકબાના રૂપિયા ઉપરાંતનો વધારાનો ખર્ચ ઉપાડી લેવાની તૈયારી બતાવી આમ, અંધજનોને નવી દૃષ્ટિ આપવાનો પૂ.શ્રીનો સંકલ્પ કનકબાના નેત્રયજ્ઞના નામે મૂર્તિરૂપ બન્યો.

બાપુ નેત્રયજ્ઞ કરવાના છે તેવા સમાચારો વહેતા થતાની સાથે તેમના ભકતજનો ચિત્રકુટ ખાતે દોડી આવ્યા અને નેત્રયજ્ઞ વિશે સંપૂર્ણ માહિતી ન હોવા છતાં પણ તેની તૈયારીમાં જોડાઈ ગયા હતા.

અંતે ચિત્રકુટ ખાતે ૧૯૫૦ની આખરમાં કારતક સુદ એકમના દિવસે સવારે પ્રાર્થના અને મંત્રોચ્ચાર વચ્ચે પૂ.રણછોડદાસજીની હાજરીમાં રાજકોટના ડો. રતીલાલ શાહે આંખનું પ્રથમ ઓપરેશન કર્યુ.

નેત્રયજ્ઞમાં સ્વયંસેવકો અને દર્દીઓની વ્યવસ્થા જાનકીકુંડથી એક માઈલ દૂર આવેલ પ્રમોદ વનમાં કરવામાં આવી હતી. પ્રમોદવનમાં બેરેકમાં દર્દીઓને સુવાડવા માટે જમીન પર સુકુ ખડ વાપરવામાં આવ્યુ હતું ત્યારે ગાદલા કે ખાટલા ન હતા એટલે સમીયાણો ઉભો કરી તેનું એમાં ઓપરેશન થિયેટર બનાવવામાં આવેલ, તે ઓપરેશન ટેબલના સ્થાન પર રસ્સીવાળા ખાટલા મૂકવામાં આવ્યા હતા, ઓપરેશન પતે એટલે ખાટલો ઉંચકી લેવામાં આવે, તેની જગ્યાએ બીજો ખાટલો આવી જાય, સ્ટ્રેચર પણ એ અને ઓપરેશન ટેબલ પણ એ.

કેમ્પમાં કાર્યકરો ઓછા હતા એટલે જે કોઈ હાજર હતા તે કાર્યકરો ખાટલો ઉપાડી, પથારી સુધી દર્દીને પહોંચાડતા આથી કાર્યકરોને સતત રાત્રીના ૨ થી ૪ કલાક જ આરામ મળતો.

ખપ્ટિહાના લાલજીને તો નેત્રયજ્ઞમાં 'નાઈટ ડ્યુટી' સોંપવામાં આવતી હતી. હાલના રામજી મંદિર ગોંડલના મહંત શ્રી હરિચરણદાસજી મહારાજ તે સમયે પૂ. ગુરૂદેવ સાથે રહેતા તેમના કહેવા પ્રમાણે સતત ૨૮ દિવસ સુધી આ નેત્ર કેમ્પ ચાલુ રહ્યો પણ આશ્ચર્યજનક બાબત એ કહી કે આ દરમિયાન બાપુએ કયારેય પણ આરામ કર્યો ન હતો.

આ કેમ્પમાં કુલ ૯૦૦૦ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જયારે ૧૦૦૦થી વધુ ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.

જોગાનુજોગ બાબત એ હતી કે કેમ્પની પૂર્ણાહૂતિ તા.૧૩ ડિસેમ્બરના રોજ થઈ હતી તે જ દિવસે જયારે દેવકરણભાઈના માતાની પૂણ્યતિથિ હતી.

પૂર્ણાહૂતિ પ્રસંગે પંચકોશી ભંડારો કરવામાં આવ્યો હતો, જયારે કેમ્પની સફળતાના અંતે બીજો નેત્રયજ્ઞ મધ્યપ્રદેશના ગુના ગામમાં કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

પૂ.રણછોડદાસજી મહારાજના આર્શીવાદથી શરૂ કરવામાં આવેલ નેત્રયજ્ઞનો સિલસીલો આજે પણ તેમના ભકતોએ ચાલુ રાખ્યો છે. ભકતો દ્વારા તથા શ્રી સદ્દગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા આ વર્ષે ૧૦૨મો નેત્રયજ્ઞ છે. પૂ.ગુરૂદેવના આર્શીવાદથી શરૂ કરવામાં આવેલ નેત્રયજ્ઞનો સિલસીલો આજે પણ તેમના ભકતોએ ચાલુ રાખ્યો છે. ભકતો દ્વારા તથા શ્રી સદ્દગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા આ વર્ષે ૧૦૨મો નેત્રયજ્ઞ છે. પૂ.ગુરૂદેવના આર્શીવાદથી આજે પણ આ યજ્ઞ ચાલુ જ છે.

આ નેત્રયજ્ઞ કેમ્પમાં છેલ્લા ૩૫ વર્ષથી મફતલાલ મીલ્સના શ્રી અરવિંદભાઈ તથા તેમના ધર્મપત્નિ નિયમીત હાજરી આપતા હતા અને સેવામાં રત રહેતા હતા. સમગ્ર નેત્રયજ્ઞમાં ડોકટરોની તથા મેડીકલને લગતી તમામ જવાબદારી ચીફ મેડીકલ ઓફીસર ડો. બી. કે. જૈન સંભાળે છે તથા નેત્રયજ્ઞની બીજી અગત્યની જવાબદારી સદ્દગુરૂ સેવા સંઘ ટ્રસ્ટના એકઝીકયુટીવ ટ્રસ્ટી રામભાઈ ગોકાણી સંભાળતા હતા, સાથોસાથ એક દંતયજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં સડેલા દાંત, દાંતના પેઢાના દુઃખાવા વગેરે તમામ પ્રકારની દાંતની સારવાર નિષ્ણાંત ડોકટરો દ્વારા અદા કરવામાં આવે છે. ખરેખર નેત્રયજ્ઞમાં જઈને જીવનમાં એકવાર સેવા કરવાનો મોકો મેળવવો એ ખરેખર જીવનને ધન્ય ગણવા બરાબર છે.

જયદેવ ઓઝા (મો. ૯૮૭૯૨ ૭૦૧૦૧)

(2:38 pm IST)