Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

દારૂની બાતમી આપ્યાની શંકાથી ગોતમ પાર્કના પ્રોઢને આંતરી ધોલધપાટઃ રિક્ષા અને રોકડ પડાવી લેવાયા

રિક્ષા રેઢી મળી આવીઃ જીવરાજ પાર્ક નજીક સાંજે બનાવઃ દારૂના ધંધાર્થી દેવીપૂજક શખ્સ અને દરબાર શખ્સ સહિતનાએ પાઇપ-ધોકાથી ફટકાર્યાનો મગનભાઇ જાદવનો આક્ષેપ

રાજકોટ તા. ૧૫: નાના મવા રોડ પર ગોતમ પાર્કમાં રહેતાં રિક્ષાચાલક મગનભાઇ ચતુરભાઇ જાદવ (ઉ.૪૫) નામના વણકર પ્રોઢને સાંજે આઠેક વાગ્યે પોતાની રિક્ષા નં. જીજે૩એડબલ્યુ-૮૫૭૨ હંકારીને જીવરાજ પાર્ક તરફથી પંચરત્ન પાર્કમાં પોતાના બીજા મકાને આટો મારવા જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં શ્યામલ હોલ પાસે દેવીપૂજક અને દરબાર શખ્સ તથા બીજા શખ્સોએ અટકાવી મારકુટ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં મગનભાઇએ પોતાને ધોકા-પાઇપ-પથ્થરથી મારકુટ કરી રિક્ષા અને બે હજારની રોકડ પણ પડાવી જવામાં આવ્યાનો આક્ષેપ કરતાં આ મુજબ તાલુકા પોલીસને એન્ટ્રી નોંધાવાઇ હતી. મગનભાઇએ વધુમાં કહ્યું હતું કે દેવીપૂજક અને દરબાર શખ્સ દારૂ વેંચે છે. પોતે રિક્ષા લઇને નીકળતાં આ બંનેની ટોળકીએ 'તું કેમ અમારા દારૂના ધંધાથી પોલીસને બાતમી આપે છે?' તેમ કહી માર માર્યો હતો અને પોતાની રિક્ષા તથા બે હજારની રોકડ પડાવી ગયા હતાં.

જો કે બાદમાં પોલીસે તપાસ કરતાં રિક્ષા ઘટના સ્થળ નજીકથી જ રેઢી મળી આવી હતી. પોલીસે ખરેખર ઘટના શું બની? તે અંગે તપાસ શરૂ કરી છે.

(2:32 pm IST)