Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

હડાળા પાસે 'હિટ એન્ડ રન': અર્પિત કોલેજમાં ધોબીકામ કરતાં પ્રોૈઢનું મોત

મુળ અરવલ્લી બાયડ ગામના બચુભાઇ પંડિત કોલેજમાં બે વર્ષથી રહી મજૂરી કામ કરતા'તાઃ રોડ ઓળંગતી વખતે કાળ ભેટ્યો

રાજકોટ તા. ૧૫: મોરબી રોડ પર હડાળાના પાટીયા પાસે આવેલી અર્પિત કોલેજમાં રહી ધોબી કામની મજૂરી કરતાં મુળ અરવલ્લી જીલ્લાના બાયડ તાબેના ટાટંબા ગામના બચુભાઇ સુરજલાલ પંડિત (ઉ.૫૦) નામના પ્રોૈઢ ગઇકાલે સાંજે કોલેજ નજીક આવેલી લલીતાબેનની દૂકાનેથી રસ્તો ઓળંગી કોલેજ તરફ જઇ રહ્યા હતાં ત્યારે એક કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર બચુભાઇના લગ્ન થયા હતાં પણ યુવાનીમાં જ છુટાછેડા થઇ ગયા હતાં. તેઓ ચાર ભાઇમાં મોટા હતાં. છેલ્લા બે વર્ષથી અર્પિત કોલેજમાં રહીને ધોબીકામની મજૂરી કરતાં હતાં. અવાર-નવાર તે કોલેજ નજીક આવેલી દૂકાને બેસવા જતા હતાં. ગઇકાલે પણ ત્યાંથી પરત કોલેજ તરફ જઇ રહ્યા હતાં ત્યારે કાળ ભેટી ગયો હતો. મૃતદેહને તેમના વતન લઇ જવામાં આવ્યો હતો.

(12:06 pm IST)