Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મિસાઈલમેન ડો.કલામ સાહેબના જીવનની તલસ્પર્શી માહિતી આપતી પુસ્તિકાનું ડો.દર્શિતાબેન શાહના હસ્તે લોકાર્પણ

લોકવિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો.રમેશભાઈ ભાયાણી સંકલીત પુસ્તિકા રાજયની તમામ લાઈબ્રેરી અને શાળાઓમાં વિનામૂલ્યે અપાશે

રાજકોટઃ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, રેસકોર્સ, રાજકોટ દ્વારા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડો. એ. પી. જે.  અબ્દુલ કલામના જન્મદિવસ નિમિત્તે તેમના જીવન અને કાર્ય વિશે સરળ શૈલીમાં તલસ્પર્શી માહિતી આપતી પુસ્તિકાનું ડેપ્યુટી મેયર શ્રી ડો. દર્શિતાબેન શાહના વરદ હસ્તે વિમોચન અને લોકાર્પણ કરવામાં આવ્યું.

લોક વિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો. રમેશભાઈ ભાયાણી દ્વારા સંકલિત આ પુસ્તિકામાં લોક લાડીલા રાષ્ટ્રપતિ રહી ચૂકેલા અને બાળકોના પ્યારા એવા મિસાઈલ મેનના જીવન, સંશોધન કાર્ય, સાદગી અને બાળકો સાથેના વાર્તાલાપ અંગેની તલસ્પર્શી માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે.

આ પુસ્તિકા રાજ્યની તમામ લાઇબ્રેરી અને રસ ધરાવતી શાળાઓને નિઃશુલ્ક આપવામાં આવશે. આ પુસ્તિકાનું ઇલેકટ્રોનિક વર્ઝન મેળવવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર - રાજકોટ મો. ૯૯૭૮૮૨૫૮૨૯ ઉપર વોટસએપ મેસેજથી મોકલવા જણાવવામાં આવ્યું છે.

આ તકે કેન્દ્ર ના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ હેમાણી, ડો. જે. જે. રાવલ તથા કેન્દ્ર ના વરિષ્ઠ માર્ગદર્શકો ડૉ. શકુંતલા બેન નેને, અંજનાબેન દવે, નીલાબેન ત્રિવેદી, ડૉ. મિહિર ભાઈ જોષી, શ્રી જનાર્દન ભાઈ પંડ્યા. શ્રી સી. કે. ધમસાણિયા અને સમગ્ર સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવિડ પ્રોટોકોલ - ગાઈડલાઈન નું પાલન કરવામાં આવેલ.

(3:39 pm IST)