Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ભગવતીપરામાં ઇમિટેશનના કારખાનામાં બાળ મજૂરીએ રખાયેલા ત્રણ ટેણીયાને મુકત કરાવાયા

મહિને માત્ર ૩ હજાર અપાતાં હતાં: બ્યુટી હાઉસના સંચાલક મુબારક શેખ સામે શ્રમ અધિકારીની ફરિયાદ

રાજકોટ તા. ૧૫: ભગવતીપરા મેઇન રોડ પર બદ્રી પાર્કની સામે બ્યુટી હાઉસ નામના મકાનમાં જીલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની ટીમે દરોડો પાડી અને ઇમિટેશન વેકસીંગ સેટીંગના કામમાં મજૂરીએ રખાયેલા ત્રણ પરપ્રાંતિય બાળકોને મુકત કરાવાયા છે. મુળ બંગાળ તરફના આ બાળકોની ઉમર ૧૩-૧૩ અને ૧૦ વર્ષની છે.

આ અંગે બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નાયબ શ્રમ આયુકતની કચેરીમાં સરકારી શ્રમ અધિકારી તરીકે ફરજ બજાવતાં મેહુલભાઇ મગનભાઇ હિરાણીની ફરિયાદ પરથી બ્યુટી હાઉસમાં કામ કરતાં મુબારક કરીમભાઇ શેખ (ઉ.૩૧) સામે બાળ મજૂર પ્રતિબંધ અને નિયમ અધિનિયમ ૧૯૮૬ની કલમ ૩, ૧૪ મજુબ બાળકોને કામે રાખી મજૂરી કરાવવા સબબ ગુનો નોંધાયો છે. 

અધિકારી મેહુલભાઇ હિરાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી ટીમ કચેરીએ હતી ત્યારે માહિતી મળતાં જીલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સને સાથે રાખી ભગવતીપરા મેઇન રોડ પર બ્યુટી હાઉસ નામની જગ્યામાં તપાસ કરતાં ત્યાં ત્રણ બાળકો કે જેની ઉમર ૧૩-૧૩ અને ૧૦ વર્ષ છે તેને મજૂરી કામે રખાયા હોવાનું માલુમ પડતાં બાળ મજૂર ધારા હેઠળ બ્યુટી હાઉસના સંચાલક સામે ગુનો નોંધાવાયો છે.  

આ ત્રણેય બાળકો ૧૪ વર્ષથી ઓછી ઉમરના અને મુળ બંગાળ તરફના છે. જેને ઇમિટેશન વેકસીનના કામ માટે મહિને માત્ર ત્રણ હજાર રૂપિયા અપાતા હતાં. બાળકોને મુકત કરાવી જીલ્લા બાળ સુરક્ષા અધિકારીના પ્રતિનિધીને સોંપાયા હતાં. આ કામગીરીમાં મેહુલભાઇ સાથે શ્રમ અધિકારી કચેરીના એ. બી. ચંદારાણા, એમ. પી. જોષી, એએસઆઇ બકુલભાઇ વાઘેલા, હરપાલસિંહ ઝાલા, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીના રોહીત આર. પીપરીયા, અજીતભાઇ રાવલ, કારખાના નિરીક્ષક પી. એમ. કાલરીયા સહિતના જોડાયા હતાં.

જેને મુકત કરાવાયા તે ત્રણ પૈકીનો એક બાળ નવ મહિનાથી, બીજો એક મહિનાથી અને ત્રીજો એક વર્ષથી કારખાનામાં મજૂરી કરતો હોવાનું ખુલ્યું હતું. પીએસઆઇ પી. બી. ત્રાજીયા વધુ તપાસ કરે છે.

(3:12 pm IST)