Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જિલ્લા પંચાયતમાં તા.૨૪મી આસપાસ બળાબળના પારખા

કોના રાજકીય ફટાકડા 'ધડાકાવાળા' અને કોના 'સૂરસૂરિયા' તે નક્કી કરવા તંત્રએ 'બાકસ' હાથમાં લીધી : અવિશ્વાસ દરખાસ્તને આજે ૧૫ દિ' પૂરા, વિકાસ કમિશનર સામાન્ય સભાની તારીખ આપશેઃ જરૂરી સંખ્યા બળ ન રહે તો પ્રમુખ-ઉપપ્રમુખ પાસે રાજીનામુ આપવાનો વિકલ્પ ખૂલ્લો

રાજકોટ, તા. ૧૫ :. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયા અને ઉપપ્રમુખ સુભાષ માંકડિયા સામે કોંગ્રેસના બાગીઓ અને ભાજપે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી છે. દરખાસ્ત રજૂ કર્યાના ૧૫ દિવસ આજે સાંજે પુરા થાય છે. ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા આ અંગે વિકાસ કમિશનરને અહેવાલ રજૂ કરનાર છે. તેના આધારે દિવાળી પહેલા પંચાયતમાં બળાબળના પારખા માટે સામાન્ય સભા મળે તેવા સ્પષ્ટ એંધાણ છે. તા. ૨૪મી ગુરૂવારે અથવા તેની આસપાસ સામાન્ય સભા બોલાવવા માટે તંત્રની તૈયારી દેખાય છે. વિકાસ કમિશનર તારીખ નક્કી કરે પછી જિલ્લા પંચાયત તંત્ર ચોખ્ખા ૬ દિવસનો સમયગાળો રાખી સભા માટે એજન્ડા પ્રસિદ્ધ કરશે.

આજે ૧૫ દિવસ પુરા થયા બાદ આવતીકાલે વિકાસ કમિશનર ડી.ડી.ઓ.ને સામાન્ય સભા યોજવા માટે તારીખ આપે તો ચોખ્ખા ૬ દિવસનો સમયગાળો જોતા સામાન્ય સભા વહેલામાં વહેલી તા.૨૩મીએ મળી શકે છે. જો એજન્ડા ૧૭મીએ બહાર પડે તો સામાન્ય સભા ૨૪મીએ મળે. સામાન્ય સભા તા. ૨૪મીએ અથવા તેની આગળ પાછળના દિવસમાં જ મળે તેવા આધારભૂત વર્તુળોના સંકેતો છે. વહીવટી તંત્ર સમગ્ર મામલો દિવાળી પહેલા જ નિપટાવી લેવા માંગે છે. તા. ૨૬થી ૨૯ જાહેર રજા છે.

સામાન્ય સભા મળે તે પૂર્વે જરૂરી સંખ્યા બળ ન રહ્યાનું સ્પષ્ટ થઈ જાય તો રાજીનામુ આપવા માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પાસે વિકલ્પ ખુલ્લો રહે છે. પદભ્રષ્ટ ગણાતા બચવા માટે રાજીનામુ વિકલ્પ છે. અવિશ્વાસ દરખાસ્તની સામાન્ય સભા અધિકારીની અધ્યક્ષતામાં બોલાવવાની થાય તો કલેકટરને તે જવાબદારી સોેંપાશે. પંચાયતના અમુક વર્તુળો સામાન્ય સભા વર્તમાન પ્રમુખની અધ્યક્ષતામાં પણ મળી શકે તેવો મત વ્યકત કરી રહ્યા છે. પ્રમુખ રાજીનામુ આપે કે ન આપે એજન્ડા બહાર પડયા પછી સામાન્ય સભા બોલાવવી ફરજીયાત છે. પ્રમુખ-ઉપપ્રમુખ બન્નેએ હોદ્દો છોડવો પડે તો નવા સુકાનીઓની વરણી ન થાય ત્યાં સુધી ડી.ડી.ઓ.એ વધારાની વહીવટી દેખરેખ રાખવાની થશે. 

અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવા માટે ઓછામાં ઓછા ૨૪ સભ્યોના સમર્થનની જરૂર છે. આજની તારીખે બન્ને પક્ષ પોતાની પાસે પુરતુ સંખ્યા બળ હોવાનો દાવો કરે છે. કોના દાવામાં કેટલો દમ છે ? તે સામાન્ય સભાના દિવસે સ્પષ્ટ થઈ જશે. કોઈ અણધાર્યુ કારણ ઉભુ ન થાય તો તા. ૨૩ થી ૨૫ ઓકટોબર પંચાયતના રાજકીય ભાવિ માટે નિર્ણાયક બનશે.

(4:12 pm IST)