Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના અધિકારીઓ વિરૂધ્ધ ૧૦૦ કરોડની જંગી નુકશાની વળતરનો કોર્ટમાં દાવો

ગેલેકસી કોટન એન્ડ ટેક્ષટાઇલ પ્રા.લી.ના ડાયરેકટર મારફત

રાજકોટ, તા., ૧૫: ગેલેકસી કોટન એન્ડ ટેક્ષટાઇલ પ્રા.લી.ના ડાયરેકટર મારફત સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના અધિકારીઓ વિરૂધ્ધ કંપનીનો માલ ગેરકાયદેસર રીતે ઓળવી જતા નુકશાનીના વળતર રૂ. ૧૦૦ કરોડનો દાવો કોર્ટમાં કરતા કોર્ટે બેંક ઉપર નોટીસ કાઢવાનો હુકમ કરેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ગેલેકસી કોટન એન્ડ ટેક્ષટાઇલ પ્રા.લી. કંપની દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની કાલાવડ રોડ ઉપર આવેલ કોમર્શીયલ શાખામાંથી રૂપીયા સોળ કરોડ દસ લાખની લોન/સીસી સવલત મેળવેલ. સદરહું સવલત મેળવતી વખતે વાદી કંપનીએ પ્રતિવાદી બેંકમાં પોતાની મશીનરી, મિલ્કત તથા રૂની ગાસડીઓ મોર્ગેજમાં મુકેલ. પરંતુ સમગ્ર ભારતમાં જે વૈશ્વિક મંદી કોટનમાં આવેલ જેથી વાદી કંપની પ્રતિવાદી બેંકના નિયમીત હપ્તા ભરપાઇ કરી શકેલ નહી જેથી વાદી કંપનીનું ખાતુ એનપીએ કરવામાં આવેલ અને વાદી કંપનીએ પ્રતિવાદી બેંકમાં જે રૂની ગાસડીઓ મુકેલ હતી તે રૂની ગાસડીઓનું પ્રતિવાદી બેંકે વેચાણ કરેલ અને આ વેચાણમાંથી પ્રતિવાદી બેંકને રૂપીયા ચૌદ કરોડ તિયાસી લાખ વીસ હજાર ઉપજેલ.

આ રકમ પ્રતિવાદી બેંકે વાદી કંપનીને તેના ખાતામાં જમા આપવાના બદલે પોતાની રીતે ચાઉ કરી ગયેલ, સગે-વગે કરી નાખેલ અને આ રકમ વાદી કંપનીને જમા આપેલ નહી. જે સંબંધેની હકીકત પક્ષકારો વચ્ચે ચાલતા ડી.આર.ટી.લીટીગેશનમાં જણાવેલ હોવા છતાં ખોટી પુરશીષો રજુ કરી ડી.આર.ટી.ને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલ. આમ પ્રતિવાદી બેંકને રૂપીયા ચૌદ કરોડ તિયાસી લાખ વીસ હજાર ઉપજેલ હોવા છતાં વાદી કંપનીની ૧૮પ૧ રૂની ગાસડી પ્રતિવાદી બેંક પાસે બાકી રહેલ જેથી વાદી કંપનીએ પ્રતિવાદી બેંકને વિનંતી કરેલ કે બાકી રહેતી રકમ રૂપીયા આશરે બે કરોડ આડત્રીસ લાખ વાદી કંપની ભરપાઇ કરવા તૈયાર છે. પરંતુ જે રૂની ગાંસડી બેંક પાસે હજુ બાકી છે તેવાદી કંપનીને વેચાણ કરવાની પરવાનગી આપે તો પ્રતિવાદી બેંકની તમામ લેણી રકમ ભરપાઇ કરવા તૈયાર અનેખુશી છે.

પરંતુ પ્રતિવાદી બેંક દ્વારા આવી કોઇ પરવાનગી આપેલ નહિ. ઓન ધ કોન્ટરરી ખોટા લીટીગેશનમાં વાદી કંપનીને ઢસડી જઇને વાદી કંપની, ડીરેકટરો અને તેમના પરીવારજનોનેરસ્તે રજળે તેવું કૃત્ય કરેલ અને સમાજમાં માન, મર્યાદા, મોભો અને પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવો પ્રયત્ન કરેલ અને વાદી કંપનીની સ્થાવર મિલ્કત પણ વેચાણ કરેલ અને તેના પૈસા વાદી કંપનીને તેના ખાતામાં જમા આપેલ નહી. આમ પ્રતિવાદી બેંકે કિન્નાખોરી રાખી આર.બી.આઇની જોગવાઇઓનું ગેરકાયદેસર ઉલ્લંઘન કરીને તથા સીકયુરાઇઝેશન એકટનું ગેરકાયદેસર મનઘડતઅર્થઘટન કરી કરાવી વાદી કંપનીને પાયમાલ કરવાનું દુષકૃત્ય કરેલ હોય જેથી જ વાદી કંપનીએ પ્રતિવાદી બેંક વિરૂધ્ધ રૂપીયા સો કરોડનો વળતર મેળવવાનો દાવો દાખલ કરેલ જેમાં અદાલતે પ્રતિવાદી બેંકને નોટીસ કરેલ છે. આ કામમાં કોટન કંપની વતી એડવોકેટ જતીનભાઇ ઠક્કર રોકાયા છે.

(4:03 pm IST)