Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સ્ટ્રેચરના ધાંધીયા

નવા ૧૦૦ જેટલા સ્ટ્રેચર પડ્યા છેઃ જુના રિપેર કરાવવાની અનેક રજૂઆતો પર ધ્યાન નહિ અપાયાનો આક્રોશઃ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાનું ધ્યાન દોરવામાં આવતાં તાકીદે સ્ટ્રેચર મોકલવા વ્યવસ્થા કરાવી

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધા મળી રહે તે માટે તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા સતત કાર્યરત છે. આમ છતાં કોઇને કોઇ પ્રશ્ને દર્દીઓ કે તેના સ્વજનોને  અમુક કર્મચારીઓની ભુલોને કારણે હેરાન થવું પડતું હોય છે. આજે સવારે ટ્રોમા સેન્ટર સામેની ઓપીડીમાં સ્ટ્રેચર ખુટી પડ્યાની વાતે હોબાળો મચી ગયો હતો. બહારથી જુદા-જુદા વાહનોમાં આવતાં અને ચાલી પણ ન શકતાં હોય તેવા દર્દીઓને ફરજીયાતપણે સ્ટ્રેચરમાં લઇ જવા પડતાં હોય છે. પરંતુ સવારે જવાબદાર કર્મચારીઓ તરફથી સ્ટ્રેચર જ નથી...તેવું કહી દેવામાં આવતાં દર્દીઓના સગાઓ સ્ટ્રેચર આવે તેની લાંબા સમય સુધી રાહ જોઇને ઉભા રહ્યા હતાં. વૃધ્ધ દર્દીને પણ તડકામાં છકડો રિક્ષામાં બેસી રહેવું પડ્યું હતું. જે સ્ટ્રેચર હતાં તે જુદા-જુદા દર્દીઓને મુકવા ગયા હતાં. અન્ય સ્ટ્રેચર તૂટેલા હતાં. જાણકારોએ કહ્યું હતું કે સ્ટ્રેચર ખુટતા હોવાની અનેક વખત રજૂઆતો થઇ છે પરંતુ ધ્યાન અપાયું નથી. જો કે આ બારામાં તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ઓપીડીમાં સ્ટ્રેચર ખુટતા હોવાની વાતની મને જાણ જ નથી. તાજેતરમાં જ નવા ઘણા સ્ટ્રેચર આવ્યા છે. જે વોર્ડ, વિભાગને જેટલા જોઇએ એટલા અપાયા છે. પોતે તાકીદે ઓપીડીમાં સ્ટ્રેચર ખુટતા હોય તો વ્યવસ્થા કરાવશે તેમ કહ્યું હતું. સ્ટ્રેચર વગર હેરાન થઇ રહેલા દર્દીઓ તસ્વીરમાં જોઇ શકાય છે.

(3:52 pm IST)