Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મોચી બજારમાં જૂના મનદુઃખના કારણે સમીર બુકેરાને ઉમરે છરી ઝીંકી દીધી

માલીયાસણના ઉમર જુણેજા સામે ગુનો

રાજકોટ તા. ૧પઃ મોચી બજારમાં જુના મનદુઃખના કારણે ફ્રુટના ધંધાર્થીને માલીયાસણના શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કરતાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દુધ સાગર રોડ પર ફારૂકી મસ્જીદની બાજુમાં રહેતા ફ્રુટના ધંધાર્થી સમીરભાઇ બાબુભાઇ બુકેરા (ઉ.વ. ૪૦) એ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે પરા બજારની અંદર ફ્રુટની રેંકડી રાખી વેપાર કરે છે.

રાત્રે પોતે પરા બજારમાં ફ્રુટનો ધંધો પૂરો કરીને પોતાની રેંકડી મોચી બજાર એસ. મીરા કોલ્ડ્રીંકસની દુકાનની બાજુમાં રાખવા માટે ગયા હતા ત્યારે માલીયાસણ ગામમાં રહેતો ઉમર સિકંદર જુણેજા આવી પોતાને ગાળો દેવા લાગતા તેણે ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ તેણે પેન્ટના નેફામાંથી છરી કાઢી પેટના ભાગે ઝીંકી દીધી હતી. મારામારી થતા પોતાના મિત્ર ઇકબાલભાઇ સૈયદભાઇ કાદરી સહિતના લોકો આવી જતા ઉમર જુણેજા ભાગી ગયો હતો. આ બનાવમાં પોતાને અગાઉ ઉમર જુણેજા સાથે માથાકુટ થઇ હોઇ, જેનું મનદુઃખ રાખી હુમલો કર્યો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ વી. એમ. ડોડીયા એ તપાસ આદરી છે.

(3:40 pm IST)