Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

શહેર પોલીસ હેડકવાર્ટરમાં અનેક આયુર્વેદિક વનસ્પતિઓનો ઉછેર

સ્નાયુ-હાડકાના દુઃખાવા, પેટના રોગો, કેન્સરની બિમારીમાં ઉપયોગી વનસ્પતીઓનું કોન્સ. બિપીન પટેલ દ્વારા સતત જતન

રાજકોટ તા. ૧૫: માનવી અને વૃક્ષોનો નાતો અનેરો રહ્યો છે. વૃક્ષો માનવીને અનેક રીતે ઉપયોગી છે. આ કારણે જ ઠેર-ઠેર સમયાંતરે વૃક્ષારોપણ થતાં રહે છે અને તેના જતન માટેની જવાબદારીઓ ઉઠાવવામાં આવે છે. તાજેતરમાં શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ મવડી હેડકવાર્ટર ખાતે પણ વૃક્ષો રોપવામાં આવ્યા છે. શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે અન્ય વૃક્ષોની સાથે આયુર્વેદિક વૃક્ષોનો પણ ઉછેર-જતન થઇ રહ્યા છે. જે લોકોને જુદી-જુદી બિમારીઓમાં અનેક રીતે ઉપયોગી છે.હેડકવાર્ટરમાં મોટા પાનવાળી વેલ વરધારો છે જે સ્નાયુઓના દુઃખાવામાં અને હાડકાના દુઃખાવામાં ઉપયોગી છે. આ ઉપરાંત ગળો નામની વેલ તમામ આયુર્વેદિક દવાઓમાં વપરાય છે. આ વૃક્ષો પોલીસ હેડકવાર્ટરના એસીપીશ્રીની કચેરીના કમ્પાઉન્ડમાં છે. કોન્સ્ટેબલ બિપીન પટેલ સતત આ વૃક્ષોનું જતન કરે છે. અન્ય આયુર્વેદિક વનસ્પતિમાં મામેજો છે જે ખુબ કડવી હોય છે. પેટના તમામ રોગોમાં તે ઉપયોગી છે. ઉંદરકણી નામની વનસ્પતિ બાળકોની યાદશકિત વધારવામાં ઉપયોગી બને છે.

આ ઉપરાંત સીસમડી નામનું ઝાડ પણ છે, જેના પાંદડા કેન્સરની બિમારી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ આવી અનેક વનસ્પતિનો અહિ ઉછેર થઇ રહ્યો છે. જેનો પોલીસ પરિવારના લોકો લાભ લઇ રહ્યા છે. અન્ય લોકો પણ આ વનસ્પતિની જરૂરિયાત હોય તો હેડકવાર્ટર એસીપીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકે છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સતત વૃક્ષોનું વાવેતર અને જતન થાય એ માટે સુચનો કરતાં રહે છે.

(3:37 pm IST)