Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

બાળાને રૈયામાં જ્યાં લઇ ગયો એ જગ્યાએ હવસખોર બાબલો પહેલા બકરા ચારતો એટલે પરિચીત હતો

બપોર બાદ ઓળખ પરેડ અને રિમાન્ડની માંગણીઃ સાંજે ઘટના સ્થળે વિશેષ તપાસ : અગાઉ છુટાછેડા થઇ જતાં સળગવાનો પ્રયાસ કર્યો'તોઃ છરી કબ્જે લેવા તજવીજઃ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની દેખરેખમાં પી.આઇ. એસ.આર. પટેલ અને ટીમ દ્વારા આરોપી ભરવાડ શખ્સની ઉંડાણપૂર્વક પુછપરછ : આખા રસ્તે સતત આઇસ્ક્રીમની લાલચ આપી હોઇ બાળાને અપહરણ થયાની શંકા ઉપજી નહોતી

રાજકોટ તા. ૧૫: શરદ પૂનમે ગરબીમાંથી લ્હાણી લઇ દાદીમા અને નાના ભાઇ સાથે ઘર તરફ આવી રહેલી ૮ વર્ષની બાળાનું એરપોર્ટ નજીકથી બાઇકમાં તેના દાદીમાની નજર સામે અપહરણ કરી હનુમાન મઢી થઇ રૈયા ગામના સ્મશાન પાસે અવાવરૂ વોંકળા પાસે લઇ જઇ બળાત્કારનો પ્રયાસ કરવાના ગુનામાં ઝડપાયેલા બાબુ ઉર્ફ બાબલો દેવાભાઇ બાંભવા (ભરવાડ) (ઉ.૩૦-રહે. રૈયાધાર રાણીમા રૂડીમા ચોક તથા રખડતો ભટકતો)ની ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં મહિલા પોલીસ મથકના પી.આઇ. એસ.આર. પટેલ અને ટીમે વિસ્તૃત પુછતાછ કરી છે. બાળાને આ બાબલો જ્યાં લઇ ગયો એ જગ્યાએ પહેલા તે બકરા ચારતો હોઇ તેનાથી પરિચીત હતો. તેના કહેવા મુજબ દિવસે પણ આ જગ્યાએ કોઇની અવર-જવર હોતી નથી આથી તે બાળાને ત્યાં લઇ ગયો હતો.

બાબુ બાંભવાએ બાળાને લાફા મારવા ઉપરાંત છરી બતાવી હતી અને ઉંધી છરીથી પણ પ્રહાર કર્યો હતો. આ છરી કબ્જે લેવાની બાકી છે. તેમજ તે દૂષ્કર્મના પ્રયાસ બાદ કયાં-કયાં ગયો? ભાગવામાં કોઇની મદદ લીધી હતી કે કેમ? અન્ય કોઇ આવા ગુના આચર્યા છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ કરવાની બાકી હોઇ રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાબુએ બાળાને બાઇકમાં બેસાડી અને તેણીનું ઘર આવી ગયું છતાં ન ઉતારી પહેલા આઇસ્ક્રીમ ખાઇ આવીએ એવી વાત કરી હોન્ડા હંકારી મુકયું હતું. આખા રસ્તે બાબલાએ બાળાને સતત આઇસ્ક્રીમની લાલચ આપી હોઇ બાળા પોતાનું અપહરણ થયાનું સમજી શકી નહોતી અને શાંતિથી બેસી રહી હતી.

બાબુ હાલ રખડતું જીવન જીવે છે અને અગાઉ દારૂ-ચોરીઓ સહિતના ગુનામાં સંડોવાઇ ચુકયો છે. તેના લગ્ન થયા હતાં. પરંતુ પત્નિ સાથે મનમેળ ન થતાં તેને છોડીને જતી રહી હતી. તે વખતે તેણે સળગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો. બપોર બાદ આ હવસખોરની મામલતદાર સમક્ષ હાજર કરી ઓળખ પરેડ કરાવવામાં આવશે. તેમજ સાંજે ઘટના સ્થળે લઇ જઇ વિશેષ તપાસ કરવામાં આવશે. ડીસીપી મનોહરસિંહ જાડેજાની સીધી દેખરેખમાં પી.આઇ. મેડમ એસ.આર. પટેલ, સુધાબેન, હાજીભાઇ સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

(3:34 pm IST)