Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સોની મહામંડળની ચૂંટણીનું મનદુઃખ હવે વકર્યુઃ બોલાવ તારા ભાયાને, દિનુમામાને અને અરવિંદને, બજારમાં આવી જોવો...બધાને પતાવી દેવા છે!: દિલીપભાઇએ દીધી ધમકી!

બેંક વેલ્યુઅર અને મહામંડળની ચૂંટણીના અપક્ષ ઉમેદવાર (મંત્રી) જગદીશભાઇ રાણપરા (ઉ.૬૯)એ સામેની પેનલના (પ્રમુખ) દિલીપભાઇ રાણપરા (ઉ. ૬૯) પોતાના સગા હોવા છતાં ટેકો ન આપતાં મનદુઃખઃ પેલેસ રોડ પર જગદીશભાઇ બીજા મિત્રો સાથે બેઠા'તા ત્યારે દિલીપભાઇએ ગાળો ભાંડી ધમકી દીધાની ફરિયાદ : સામા પક્ષે દિલીપભાઇ રાણપરાને પાટડીયા પેનલના ટેકેદાર તેજસ આડેસરાએ સોની બજારમાં આંતરી ખૂનની ધમકી દઇ ફોન કરીને હેરાન કર્યાઃ પુનિતાબેન પારેખને પણ તેજસ આડેસરાએ ધમકાવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

રાજકોટ તા. ૧૫: સોની બજાર વારંવાર ચર્ચાના ચકડોળે ચડતી રહે છે. આ વખતે સોની મહામંડળના સભ્યોની ચૂંટણી ટાણે એક બીજી પેનલને ટેકો આપવા-નહિ આપવા મામલે સર્જાયેલા મનદુઃખને કારણે હારેલા-જીતેલાની પેનલના સભ્યો વેપારીઓ સામ સામે આવી જતાં એકે બીજાને ગાળો ભાંડી ભરી પીવાની ધમકીઓ ઉચ્ચારતાં મામલો પોલીસ સુધી પહોંચતા સામ-સામા ગુના દાખલ થતાં સોની વેપારીઓમાં ચકચાર મચી ગઇ છે. બેંક વેલ્યુઅર સોની વૃધ્ધ જગદીશભાઇ રાણપરા કે જેમણે સોની મહામંડળની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું અને પોતાના સગા જગદીશભાઇ રાણપરાને ટેકો આપવાને બદલે પાટડીયાની પેનલને ટેકો આપતાં મનદુઃખના બીજ રોપાયા હતા. જેમાં ઝાલાવાડી સોની સમાજના પ્રમુખ દિલીપભાઇ રાણપરાએ 'બોલાવ તારા ભાયાને, દિનુમામાને, અરવિંદને...બધા આવી જોવો બજારમાં, જોઇ લવ છું કેમ આવો છો?...બધાને પતાવી દેવા છે' કહી ગાળો દઇ ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. સામે જગદીશભાઇએ પણ પાટડીયાના ટેકેદાર તેજસ આડેસરા સામે વળતી ફરિયાદ કરી છે.

પોલીસ આ મામલે બે ગુના દાખલ કર્યા છે. જેમાં લક્ષ્મીવાડી-૧૮માં બોલબાલા ટ્રસ્ટ   પાસે રહેતાં તેમજ બેંકમાં ન્યુ ગોલ્ડ વેલ્યુઅર તરીકે કામ કરતાં જગદીશભાઇ હરિલાલ રાણપરા (ઉ.વ.૬૯)ની ફરિયાદ પરથી જવાહર સોસાયટીમાં રહેતાં  ઝાલાવાડી સોની સમાજના પ્રમુખ દિલીપભાઇ મણીભાઇ રાણપરા સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધાયો છે.

જગદીશભાઇ રાણપરાએ પોલીસને જણાવ્યું છે કે તા. ૧૧/૧૦ના રાતે પેલેસ રોડ પર આવેલા વી. કે. જ્વેલર્સ પાસે ફૂટપાથ પર બેસવા ગયો હતો. અમારા સોની સમાજના રાજેશભાઇ મણીભાઇ પારેખ, દિનેશભાઇ રાણપરા, રાજેશભાઇ તલસાણીયા, મારા સગા સુરેશભાઇ રાણપરા, પ્રવિણભાઇ ફીચડીયા એમ અમે બધા ખુરશીઓ પર બેઠા હતાં. ત્યારે રાત્રીના સાડા બારેક વાગ્યે દિવાળીના તહેવારમાં સોની જ્ઞાતિના જરૂરિયાતમંદ લોકોને મિઠાઇ વિતરણ કરવાની ચર્ચા કરતાં હતાં તે વખતે જ્ઞાતિના ઝાલાવાડી સોની સમાજના પ્રમુખ દિલીપભાઇ રાણાપરા આવ્યા હતાં અને અમારી સામે ખુરશી પર બેસી ગયા હતાં અને ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા માંડ્યા હતાં અને મને પણ ગાળો ભાંડી હતી.

દિલીપભાઇ મને કહેવા લાગ્યા હતાં કે-તું તારા ભાયાને ફોન કરી અને તારા દિનુ મામાને, અરવિંદને બોલાવ...તેમ કહી એ લોકોને પણ ગાળો આપતાં ત્યાંથી જતાં જતાં ઉભા થઇને મને કહેલું કે તારો ભાયો, દિનુમામો, અરવિંદ બધા આવી જાવો બજારમાં, હું જોઇ લવ છું તમે કેમ સોની બજારમાં આવો છો... તમને પતાવી દેવા છે. તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી બીજા લોકોએ તેમનેસમજાવી ત્યાંથી જતાં રહેવા કહ્યું હતું. ત્યાં અનિલભાઇ વાગડીયા, કાર્તિકભાઇ બારભાયા આવ્યા હતાં અને દિલીપભાઇને સમજાવી કારમાં બેસાડી લઇ ગયા હતાં. બીજા દિવસે સોની સમાજના આગેવાનોને મેં વાત કરી હતી અને પોલીસ કમિશનરને મળી અરજી આપી હતી.

બનાવનું કારણ એવું છે કે એક મહિના પહેલા અમારી જ્ઞાતિના શ્રીમાળી સોની મહામંડળના સભ્યોની ચૂંટણી યોજાઇ હતી. તેમાં મેં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું. મેં અરવિંદભાઇ પાટડીયાની પેનલને ટેકો આપ્યો હતો અને દિલીપભાઇ મારા સગામાં થતાં હોઇ તેઓને ટેકો આપ્યો નહોતો. આ બાબતનો ખાર રાખી મને જેમતેમ ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી. દિલીપભાઇ ગાળો દઇ ધમકી આપતાં હોઇ મેં થોડુઘણું  રેકોર્ડિંગ મારા ફોનમાં કર્યુ હતું.

સામા પક્ષે નિર્મલા રોડ પર બાલમુકુંદ મેઇન રોડ જલારામ-૧માં રહેતાં અને સોની બજાર ગિરીરાજ ચેમ્બર દુકાન નં. ૧૪માં સોનાનો વેપાર કરતાં દિલીપભાઇ મણીભાઇ રાણપરા (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી તેજસ વિનુભાઇ આડેસરા સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિલીપભાઇએ પોલીસને જણાવ્યું છે કે ૧૩મીએ બપોરે સાડા ત્રણેક વાગ્યે હું મારા મિત્ર  સુભાષભાઇ ડોડીયાના ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે શેરી નં. ૬/૧૦માં આવેલા કારખાને હતો. ત્યાંથી અમે રિક્ષા બાંધી સોની બજારમાં કામ સબબ ગયા હતાં. ગઢની રાંગ ગિરીરાજ ચેમ્બ્રની બાજુમાં જયદિપ પાનમાં પાન લેવા માટે જતાં હતાં ત્યારે ચારેક વાગ્યાના અરસામાં તેજસ વિનુભાઇ આડેસરા બાઇક લઇને આવ્યો હતો અને મને કહેવા લાગ્યો હતો કે તું શું કામ મારા વિરૂધ્ધમાં પોલીસ ફરિયાદ કરે છે? તને કંઇ હવા આવી ગઇ છે?...જેથી મેં તેને કહેલ કે મારે તારી સાથે કંઇ લાગે વળગે નહિ. જેથી તેજસે ઉશ્કેરાઇ જઇ વધુ ગાળો દીધી હતી અને મને 'તું ઉભો રહે તને મારી જ નાંખવો છે, શું કામ ભાગે છે?' તેમ કહેતાં મેં તેને મારે ઝઘડો કરવો નથી તેમ જણાવતાં તે વધુ ગાળો બોલવા માંડ્યો હતો અને હાથમાં પથ્થર ઉપાડ્યો હતો. હું ત્યાંથી નવાનાકા તરફ જતો રહેતાં તે મારી રિક્ષા પાછળ પ્રહલાદ ટોકીઝ સુધી બાઇક લઇને આવ્યો હતો.

રસ્તામાં પણ મને ગાળો ભાંડતો હતો. એ પછી હું ઘરે જતો રહ્યો હતો. સાંજના સાતેક વાગ્યે તેજસે ફરીથી ફોન કર્યો હતો. તેણે અનેક ફોન કર્યા હતાં પણ તેના નંબરની ખબર હોઇ મેં ફોન ઉપાડ્યા નહોતાં. એ પછી તેજસે અમારી જ્ઞાતિના આગેવાન પુનિતાબેન પારેખને પણ અવાર-નવાર ગાળો આપી હતી અને તું શું કામ દિલીપભાઇને સપોર્ટ કરે છે? તેમ કહ્યું હતું. પુનિતાબેને મને આ વાત કરતાં મેં તેજસ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. તેજસ પાટડીયાનો ટેકેદાર હતો.

બંને બનાવમાં એ-ડિવીઝનના પીએસઆઇ વી. એમ. ડોડીયા અને હેડકોન્સ. આર. એલ. વાઘેલાએ ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે સોની મહામંડળની ચૂંટણી કે જે એક મહિના પહેલા યોજાઇ હતી  તેમાં ઝાલાવાડી સોની સમાજના પ્રમુખ દિલીપભાઇ રાણપરા અને તેમની પેનલનો વિજય થયો હતો. જ્યારે સામે અરવિંદભાઇ પાટડીયાની પેનલનો પરાજય થયો હતો. એ પણ નોંધનીય છે કે પ્રમુખ દિલીપભાઇ રાણપરા સામે તેમના જ સમાજના મંત્રી જગદીશભાઇ રાણપરાએ પોતે ઉમેદવાર હતાં છતાં પાટડીયાની પેનલને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. આ કારણે પણ દિલીપભાઇ સાથે મનદુઃખ થયાનું કહેવાય છે. હવે આ ડખ્ખો પોલીસ સુધી પહોંચતા સોની મહાજનો, વેપારીઓમાં ચકચાર જાગી છે.

(12:16 pm IST)