Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કાશ્મીર સમસ્યાનું મુળ કોંગ્રેસની અંગ્રેજ માનસિતા અને નહેરૂનો અબ્દુલ્લા પ્રેમ : પ્રશાંત વાળા

એક દેશ મેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહિં ચલેગા... : સરદાર પટેલનું સપનુ નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ પૂર્ણ કર્યુ : વાંકાનેરમાં કાર્યક્રમ

રાજકોટ : ભાજપા પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને મોરબી જીલ્લાના પ્રદેશ સંરચના અધિકારી શ્રી પ્રશાંત વાળાનું વાંકાનેર ખાતે કાશ્મીર અને કલમ ૩૭૦ વિષય પર પ્રવચન યોજાયું હતું.ભાજપાના 'રાષ્ટ્રીય એકતા અભિયાન' અંતર્ગત વાંકાનેર શહેર ભાજપા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં યુવાનો,મહિલાઓ તથા શહેરનાં પ્રબુદ્ઘ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રી પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે,આઝાદીના ૭૨ વર્ષ બાદ કાશ્મીરના લોકોને સાચી આઝાદી હવે પ્રાપ્ત થઇ છે.કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એ હટાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે સરદાર વલ્લભભાઈ પટેલ,ડો.બાબાસાહેબ આંબેડકર અને ડો.શ્યામાપ્રસાદ મુખરજીનું સપનું પૂર્ણ કર્યું છે.અંગ્રેજોની ભાગલા પાડો ને રાજ કરોની નીતિનું વિષફળ એટલે પાકિસ્તાન અને કોંગ્રેસની અંગ્રેજ માનસિકતા આધારિત નીતિનું વિષફળ એટલે કાશ્મીરનો વિવાદ.

કાશ્મીર પ્રશ્ન એ નેહરુની અંગ્રેજ માનસિકતા અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના રહસ્યમય પ્રેમનું દુષ્પરિણામ છે.સરદાર વલ્લભભાઈ પટેલ,ડો.બાબાસાહેબ આંબેડકર અને ડો.શ્યામાપ્રસાદ મુખરજી કાશ્મીરને ખાસ દરજ્જો મળે તેના સખ્ત વિરોધી હતાં.ડો.આંબેડકરે બંધારણસભાની ડ્રાફ્ટ કમિટીનો રીપોર્ટ જયારે ૨૧ ફેબ્રુઆરી,૧૯૪૮ના દિવસે બંધારણસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર પ્રસાદને સોંપ્યો ત્યારે તેમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપવાની કે શેખ અબ્દુલ્લાને કાશ્મીરના વડાપ્રધાન બનાવવાનો કોઈ ઉલ્લેખ નહોતો.કાશ્મીરને ખાસ દરજ્જો આપવા માટે નેહરુ અને શેખ અબ્દુલ્લા વચ્ચે ચર્ચા થઇ,નેહરુ તૈયાર હતા પરંતુ તેમણે અબ્દુલ્લાને કહ્યું કે તમે ડો.આંબેડકરને અને સરદારને મનાવી લો.

શેખ અબ્દુલ્લાએ જયારે આ પ્રસ્તાવ ડો.આંબેડકર સમક્ષ મુકયો ત્યારે ડો.આંબેડકરે મક્કમતાથી જવાબ આપતા કહ્યું હતું કે, 'મી.અબ્દુલ્લા,તમે ઈચ્છો છો કે ભારત કાશ્મીરનું રક્ષણ કરે,કાશ્મીરની સીમાઓની સુરક્ષા કરે,કાશ્મીરમાં રોડ-રસ્તા બનાવે.અનાજ પૂરું પાડે અને કાશ્મીરને ભારત સમકક્ષ દરજ્જો મળે પરંતુ તમે નથી ઈચ્છતા કે ભારત અને ભારતના કોઈપણ નાગરિકને કાશ્મીરમાં કોઈ અધિકાર મળે. તમે ઈચ્છો છો કે ભારત સરકારને કાશ્મીરમાં મર્યાદિત સતા મળે.તમારા આ પ્રસ્તાવને માન્ય રાખવો તે દેશ સાથે દગાબાજી ગણાશે અને દેશના લોકોનો વિશ્વાસઘાત થયો ગણાશે.હું ભારતના કાયદામંત્રી તરીકે દેશહિત વિરૂદ્ઘનું કોઈ પણ કાર્ય કરીશ નહી.'

એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા તો બીજી તરફ અંગ્રેજી રંગે રંગાયેલા નેહરુ.બધાનાં વિરોધ છતાં તુષ્ટિકરણની રાજનીતિ અને શેખ અબ્દુલ્લાને ખુશ રાખવા કાશ્મીરને ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો.આઝાદી બાદ ૧૭ વર્ષ સુધી જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન રહ્યા ત્યાર બાદ તેમના વંશજો.પરંતુ કોઈએ આ અસ્થાયી કલમ હટાવવાની પહેલ ન કરી અને સરદાર પટેલે વી.શંકરને કરેલી વાત સાચી સાબીત થઇ કે, જે સરકારમાં પ્રબળ રાષ્ટ્રભાવના હશે અને દેશની એકતા અને અખંડીતતા માટેની કટીબધ્ધતા હશે તે સરકાર આ અસ્થાયી કલમ હટાવી દેશનાં એકીકરણનું અધૂરૃં કાર્ય પૂર્ણ કરશે,પરંતુ એ થશે જરૂર તેવી મને શ્રદ્ધા છે.

આ કાર્યક્રમમાં વાંકાનેર ભાજપા અગ્રણીશ્રી જીતુભાઈ સોમાણી,શહેર ભાજપા પ્રમુખશ્રી દિનુભાઈ વ્યાસ,જીલ્લા મંત્રી શ્રીમતી સંગીતાબેન વોરા,સંગઠન સહ-સંરચના અધિકારી શ્રીમતી જશુબેન પટેલ,પૂર્વ શહેર પ્રમુખશ્રી વિનુભાઈ કટારીયા, શહેર મહામંત્રીશ્રીઓ, નગર પાલિકાના પદાધિકારીશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

(11:49 am IST)