Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ફારૂકી સોસાયટીના ઇકબાલ માજોઠીની હત્યાઃ લાશ કાગદડીની સીમમાં ફેંકી દેવાઇઃ નામચીન 'રૂડી' સહિતની શોધખોળ

પડખામાં છરીનો ઘા ઝીંકી દેવાયોઃ ભાવનગર રોડ પર રાજમોતી મીલ નજીક રિક્ષામાં જ ઘા ઝીંકાયા બાદ દવાખાને પણ લઇ જવાયો'તોઃ પણ મોત થયાની ખબર પડતાં લાશ ફેંકી આવ્યાઃ હત્યાનો ભોગ બનનારની રિક્ષા પણ ગાયબ : ઘટના થોરાળા પોલીસની હદમાં બન્યાનું ખુલ્યું

ઘટના સ્થળ, ઇકબાલભાઇને પડખામાં ઝીંકાયેલો ઉંડો ઘા, તેનો નિષ્પ્રાણ દેહ અને  વિગતો જણાવતાં તેના ભાઇ અસલમભાઇ સીહતના પરિવારજનો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૫: હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. દૂધ સાગર રોડ પર દૂધની ડેરી નજીક ફારૂકી સોસાયટીમાં રહેતાં અને અગાઉ દારૂ-જૂગાર-લૂંટ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ઇકબાલભાઇ બાબુભાઇ કંડીયા (ઉ.૪૫) નામના આધેડની પડખામાં છરીના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ કાગદડીની સીમમાં રાજકોટ-ટંકારા રોડ પર ખોડિયાર માતાજીના મંદિરની સામેના ભાગે કાચા રસ્તા પરથી મળી આવતાં કુવાડવા પોલીસે ભેદ ઉકેલવા દોડધામ આદરી હતી. જો કે હત્યા થોરાળા પોલીસની હદમાં રાજમોતી મીલ પાસે રિક્ષામાં જ થયાનું સામે આવી રહ્યું છે. હત્યામાં નામચીન રૂડી નામના શખ્સ સહિતના નામ પણ સામે આવી રહ્યા હોઇ તેને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચની ટીમે દોડધામ શરૂ કરી છે. અંદરો-અંદરની નજીવી માથાકુટમાં હત્યા થયાનું કહેવાય છે.

જાણવા મળ્યા મુજબ કાગદડીની સીમમાં એક યુવાનની લાશ પડી હોવાની જાણ કોઇ રાહદારી મારફત કુવાડવા રોડ પોલીસને થતાં ઇન્ચાર્જ પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ એમ. કે. ઝાલા, પીએસઆઇ ખટાણા, હિતેષભાઇ ગઢવી, બુટાભાઇ ભરવાડ, હરેશભાઇ સારડીયા, મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકની ઓળખ મેળવવા ફોટા પાડી જુદા-જુદા ગ્રુપમાં વહેતા કરાયા હતાં. દરમિયાન દૂધ સાગર રોડ પર રહેતાં એક યુવાનના ગ્રુપમાં ફોટા ફરતાં થતાં તેણે આ લાશ દૂધ સાગર રોડ ફારૂકી સોસાયટી-૧માં રહેતાં ઇકબાલભાઇ બાબુભાઇ કંડીયા (માજોઠી) (ઉ.૪૫)ની હોવાનું ઓળખી લેતાં તેના ભાઇ અસલમભાઇ તથા કુટુંબીજનોને જાણ કરતાં બધા કાગદડી ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને લાશ ઓળખી બતાવી હતી. કુવાડવા પોલીસે પંચનામુ કરી મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

હત્યાનો ભોગ બનનાર ઇકબાલભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં સોંથી મોટો હતો. તેના બહેનોના નામ ફરિદાબેન, રોશનબેન, શહેનાઝબેન તથા નાના ભાઇનું નામ અસલમભાઇ છે. માતાનું નામ રહેમતબેન છે. ઇકબાલભાઇને સંતાનમાં એક પુત્રી રૂકસાર (ઉ.૧૮) અને એક પુત્ર અયાન (ઉ.૯) છે. બંનેએ પિતાની છત્રછાંયા ગુમાવતાં માતમ છવાઇ ગયો છે.

હત્યાનો ભોગ બનનાર ઇકબાલભાઇ રિક્ષા હંકારતો હોઇ તે વર્ષોથી રાજમોતી મિલ પાસેના સ્ટેન્ડ પર જ ઉભો રહેતો હતો. તેના વિરૂધ્ધ પણ અગાઉ મારામારી, દારૂ, લૂંટ સહિતના ગુના નોંધાઇ ચુકયાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું. ગઇકાલે સવારે પાંચ વાગ્યે તે રિક્ષા લઇને નીયતક્રમ મુજબ ઘરેથી નીકળ્યા હતાં. દરરોજ બપોરે એક વાગ્યે જમવા આવતાં હતાં પણ ગઇકાલે ન આવતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઇ ગઇ હતી. તે મોબાઇલ ફોન પણ રાખતાં ન હોઇ પરિવારજનોએ તેની રિક્ષાના સ્ટેન્ડ પર જઇ તપાસ કરી હતી. પરંતુ રિક્ષાનો કે તેમનો પત્તો મળ્યો નહોતો. દરમિયાન સાંજે વ્હોટ્સએપ ગ્રુપમાં ઇકબાલભાઇની લાશના ફોટા વાયરલ થતાં પરિવારજનોને તેની હત્યા થયાની અને લાશ કાગદડી પાસે ફેંકી દેવાયાની ખબર પડી હતી.

હત્યામાં નામનચીન રૂડી નામના કોળી શખ્સનું નામ ચર્ચાતુ હોઇ તેને દબોચી લેવા ક્રાઇમ બ્રાંચની ટીમે દોડધામ કરી છે. જો કે હત્યામાં તેની સંડોવણી છે કે કેમ? તે અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી. હત્યાનો ભોગ બનનારના પરિવારજનોના કહેવા મુજબ રાજમોતી મિલ પાસે જ ઇકબાલભાઇને છરીના ઘા ઝીંકાયા હતાં. એ પછી હુમલાખોરો જ તેને નજીકના એક દવાખાને લઇ ગયા હતાં. પણ તબિબે પોલીસ કેસ હોઇ સિવિલ હોસ્પિટલમાં લઇ જવા કહ્યું હતું. દરમિયાન ઇકબાલભાઇએ દમ તોડી દેતાં તેની જ રિક્ષામાં નાંખી તેને કાગદડી પાસે ફેંકી દીધાની શકયતા છે. જો કે આરોપીઓ ઝડપાયા બાદ ઘટના કયાં બની તે અને કારણ સ્પષ્ટ થશે.

(11:50 am IST)