Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

૫ લાખ લ્યો ને દારૂ ભરેલી ટ્રક જવા દો,..નહિ તો કયો તે અધિકારી સાથે વાત કરાવું ! પોલીસને જ ખુલ્લેઆમ બુટલેગરના 'પાગીયા'ની ઓફર

રાજકોટ, તા. ૧૫ :. કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હેઠળના જામગઢના પાટીયા પાસેથી શનિવારે રાત્રે ગેરકાયદે દારૂની ૩૦૦થી વધુ પેટી લદાયેલો મીની ટ્રક પોલીસને 'રૂટીન ચેકીંગ'માં મળી આવ્યો હતો. પોલીસ માટે આમ તો આ ઘટના 'વાહ-વાહ' મેળવવા જેવી કહેવાય, પરંતુ ઝડપાયેલા ટ્રકનું પાયલોટીંગ કરી રહેલા શખ્સે સ્થળ પર રહેલી પોલીસને જે ઓફર કર્યાનું કહેવાય છે તે અત્યંત આંચકારૂપ ગણી શકાય.

ચર્ચાતી વિગત મુજબ ૩૦૦૦થી વધુ બોટલ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી હેડ કોન્સ., કોન્સ્ટેબલ કક્ષાના પોલીસમેને ઝડપી લીધી હતી. ટ્રક ડ્રાઈવર અને કલીનરને ટ્રકમાં શું ભર્યુ છે ? તે અંગે પૂછપરછ ચાલતી હતી. આ બન્ને ગલ્લાતલ્લા કરી રહ્યા હતા. તેવામાં જ થોડે આગળ ચાલી રહેલા એક હોન્ડા સ્વારે પોતાનું બાઈક પાછું વાળી એન્ટ્રી કરી હતી. આ શખ્સે શું છે ? શું નહિં ? જેવી ઔપચારીક વાતો કરી 'સાહેબ' જે હોય તે જવા દો, કયો તો ૫ લાખની વ્યવસ્થા કરાવું ! આ વાત સાંભળતા જ પોલીસમેન ચોંકી ગયા હતા અને વધુ ગંભીર મામલો હોવાનું સમજી ટ્રકનું બોડી ચેક કરતા ગેરકાયદે દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈ ફરીથી બાઈક પર આવેલા શખ્સે જે કહો તે, પુરૂ કરો, નહિ તો કયો તે અધિકારી (....પીઆઈ, પીએસઆઈ કક્ષાના એક બે નામ ઉચ્ચારી) સાથે વાત કરાવી દઉ તેવી ખુલ્લેઆમ બડાશ હાંકી હતી. જો કે સ્થળ પર રહેલા પોલીસ સ્ટાફે ટસના મસ થયા વગર કુવાડવા રોડ પોલીસના ઈન્ચાર્જને જાણ કરી ત્રણેયની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરી હતી. ઉપરોકત ચર્ચા શહેર પોલીસ બેડામાં ચોરેને ચૌટે થઈ રહી છે.

એક ચર્ચા મુજબ દારૂ-જુગારના ગેરકાયદે ધંધાઓને પોષવા વર્ષોથી ચોક્કસ પોલીસ સિન્ડીકેટ કામ કરતી જ હોય છે અને કરતી રહેશે પરંતુ પોલીસનું મોરલ ડાઉન થાય તે હદે ગુનેગારો ખુલ્લેઆમ પોલીસ સ્ટાફ સામે જ બડાશો હાંકે ત્યારે એટલો પ્રશ્ન ચોક્કસ થાય કે લાંચીયાવૃતિ  અને અસામાજિક તત્વોની સાંઠગાંઠ કેટલી ઉંડી હશે ? અગાઉના વર્ષોમાં ટૂંકા પગારમાં પુરૂ ન થતુ હોવાથી ગુનેગારોના નેટવર્કને ઝડપી લેવા બાતમીદારોનું સમાંતર નેટવર્ક ઉભુ કરવા અનુભવી અધિકારીઓ નાના-મોટા ધંધાર્થીઓને પોષતા હતા અને આવા ધંધાર્થીઓના ખભ્ભે બંદુકો રાખી મોટા મગરમચ્છોને ઝડપતા હતા. પરંતુ હવે આ યુગ બાતમીદારોના નેટવર્કને પોષવાનો કમ અને પોતાના ખિસ્સા ભરવાનો ચાલી રહ્યાનું ચર્ચાય રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઝડપાયેલા દારૂના જથ્થા સાથે રાજસ્થાની ડ્રાઈવર-કલીનર અને દૂધની ડેરી પાસે રહેતા દિપક મકવાણા (કોળી)ને ટ્રકનું પાઈલોટીંગ કરતો ઝડપી લેવાયો હતો. આ શખ્સની પૂછપરછમાં જંગલેશ્વરના રફીક ઉર્ફે ભાણાએ આ દારૂ મંગાવ્યાનંુ અને ગોવાના રમેશ નામના સપ્લાયરે દારૂ મોકલ્યાનું 'ઓન પેપર' બહાર આવ્યુ છે.

(4:54 pm IST)