Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગોકુલનગરમાં ૧૫૬ બોટલ દારૂ સાથે રિક્ષા પકડાઇઃ સત્તાર, ગોટીયો, સલીમની ધરપકડ

ચુનારાવાડની કુંદન કોળી ૪૪ બોટલ સાથે પકડાઇ

રાજકોટ તા.૧૫: પચ્ચાસ ફુટ રોડ પર ગોકુલનગરમાં ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રીક્ષામાંથી દારૂની ૧૫૬ બોટલ સાથે ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવી તથા ડી સ્ટાફના હેડ કોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ, સુર્યકાંતભાઇ, દિવ્યરાજસિંહ, વિક્રમભાઇ, દેવાભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ, રાણાભાઇ તથા રાજેશભાઇ ગઢવી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દિવ્યરાજસિંહ દેવાભાઇ તથા વિક્રમભાઇ ગમારાને મળેલી બાતમીના આધારે ૫૦ ફુટ રોડ પાસે ગોકુલનગર શેરી નં.૨/૮ કોર્નર પાસેથી જી.જે. ૩ એ એકસ ૮૯૧૮ નંબરની રીક્ષામાંથી રૂ. ૬૨૪૦૦ની કિંમતની દારૂની ૧૫૬ બોટલ સાથે સતાર ઉર્ફે મેંગણી સીદીકભાઇ દોઢીયા (ઉ.વ.૩૮) (રહે. ગ્રીનપાર્ક શેરીનં.૧ હુશેનશા પીરની દરગાહ પાસે), શારજહા ઉર્ફે ગોટીયો સુલેમાનભાઇ વીસર (ઉ.વ.૨૭) (રહે. જંગલેશ્વર શેરીનં.૧૧) તથા સલીમ ઉર્ફે સલીયો હુશેનભાઇ પીપરવાડીયા (ઉ.વ.૨૮) (રહે. ગ્રીન પાર્ક મેઇન રોડ) ને પકડી લઇ રૂ. ૧,૧૯,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શારજહા ઉર્ફે ગોટીયો અગાઉ લૂંટ, મારામારીમાં પકડાયો હતો. તે પાસામાં પણ જઇ ચુકયો છે અને સતાર ઉર્ફે મેંગણી મારામારી તથા દારૂના ગુનામાં પણ પકડાઇ ચુકયો છે.

ચુનારાવાડની કુંદન કોળી ૪૪ બોટલ સાથે પકડાઇ

ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી તથા હેડ કોન્સ નિલેષભાઇ ડામોર, નિશાંતભાઇ પરમાર અને મહેશભાઇ મંઢ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ચુનારાવાડ શેરીનં. ૨માં રહેતી કુંદન લીલાભાઇ કોળીના મકાનમાં દરોડો પાડી દારૂની ૪૪ બોટલ સાથે  કોળી મહિલાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:54 pm IST)