Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

મુખ્યમંત્રીને પોકાર...

વેપારીઓને વ્યવસાય વેરામાં વ્યાજ માફી આપો

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડની વિજય રૂપાણીને રજૂઆત :કોર્પોરેશન દ્વારા એકી સાથે ૧૫ - ૧૫ વર્ષના વ્યવસાય વેરા ઉપર બમણુ વ્યાજ ચડાવી વેપારીઓને નોટીસ ફટકારતા દેકારોઃ ૪૦ હજાર જેટલા વ્યવસાયિકો પૈકી મોટા ભાગના વ્યવસાયિકો વ્યાજના ડુંગરમાં દબાયા છે

રાજકોટ, તા. ૧૫ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર વતી વેપારીઓ અને વિવિધ વ્યવસાયિકો પાસેથી વ્યવસાય વેરો વસુલવામાં આવે છે. જે અંતર્ગત કોર્પોરેશનના વ્યવસાય વેરા વિભાગ દ્વારા હજારો વ્યવસાયિકોને એકી સાથે ૧૫ - ૧૫ વર્ષનો વ્યવસાય વેરો બમણા વ્યાજ સાથે ભરવાની નોટીસો ફટકારાતા આ બાબતે વેપારીઓમાં જબરો દેકારો બોલી ગયો છે અને આ બાબતે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ સુધી રજૂઆત થતા તેઓએ આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરતા મુખ્યમંત્રી શ્રીએ વ્યવસાય વેરામાં વ્યાજ માફી અંગે હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપી હતી.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે 'શહેરના ડોકટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વિમા એજન્ટ વગેરે જેવા નાના મોટા હજારો વ્યવસાયિકો ઉપરાંત વેપારીઓ સહિત કુલ ૪૦ હજાર જેટલો રજીસ્ટર્ડ થયેલા રજીસ્ટર્ડ થયેલા વેપારીઓ-વ્યવસાયિકો પાસેથી વ્યવસાય વેરો વસુલવાની જવાબદારી મ્યુ. કોર્પોરેશન પાસે છે. આથી મ્યુ. કોર્પોરેશન દ્વારા વેપારીઓ તથા વ્યાવસાયિકોને નિયમ મુજબ જયારથી રજીસ્ટ્રેશન થયું હોય ત્યારથી વ્યવસાય વેરો વ્યાજ સહિત ભરવા નોટીસો આપવામાં આવે છે.  પરંતુ મોટાભાગના નાના-વ્યવસાયિકો વ્યવસાય વેરા બાબતે અજાણ હોવાથી ૧પ-૧પ વર્ષ સુધીનો વ્યવસાયવેરો બમણા વ્યાજ સાથે ચડત થઇ ગયો છે આથી હજારો વેપારીઓને એકીસાથે ૧પ-૧પ વર્ષના વ્યવસાય વેરાના પ૦ થી ૭પ હજાર સુધી ભરવાનીનોટીસો આપવામાં આવી છે. જેમાં મૂળ વ્યવસાયવેરાથી વ્યાજની રકમ વધુ હોઇ વેપારીઓ વ્યાજના ડુંગરમાં દબાઇ ગયા છે અને વ્યવસાયવેરામાં વ્યાજ માફીની માંગણી કરી રહ્યા છે.

પરંતુ મ્યુ. કોર્પોરેશન પાસે વ્યાજ માફીની સતા નહીં હોવાથી આ બાબતે રાજયના મુખ્યમંત્રીને રૂબરૂ મૌખિક રજૂઆત કરી અને વ્યવસાય વેરામાં વ્યાજમાફી આપવા માંગ કરાઇ છે.

આ રજૂઆતના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મકતા દાખવી યોગ્ય કરવા ખાત્રી આપ્યાનું અને ટૂંક સમયમાં જ વેપારીઓને વ્યવસાય વેરામાં વ્યાજમાફીની યોજના જાહેર થાય તેવી શકયતા હોવાનો નિર્દેશ આ તકે ઉદયભાઇ કાનગડે આપ્યો છે.

નોંધનીય છે કે અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા રૂ. ૧૧.૮૦ કરોડનો વ્યવસાય વેરો વસુલ્યો છે. જો વ્યાજમાફી જાહેર થાય તો આ આવક બમણી થઇ જાય તેવી આશા તંત્રવાહકોને છે.

(4:49 pm IST)