Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

રાજકોટમાં ગુજરાતની સૌપ્રથમ સ્કીન બેંક સ્થપાશે

રોટરી ગ્રેટર રાજકોટનો નવો સેવા પ્રકલ્પ * નહી નફો - નહીં નુકશાનીના ધોરણે 'સ્કીન' દાઝેલા દર્દીઓને અપાશે * ટૂંક સમયમાં સવાણી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનની સવલત ઉભી કરાશે

''રોટરી ગ્રેટર રાજકોટ''ના  કલબ પ્રેસીડન્ટ યશ રાઠોડ, નેવીલભાઇ વૈષ્ણવ, પ્રોજેકટ ચેરમેન ડો. સંજીવ નંદાણી, અમીતભાઇ રાજા, પરેશભાઇ કાલાવડીયા, નીલેશભાઇ ભોજાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

  રાજકોટઃ તા.૧૫, સેવા શબ્દને સાર્થક કરનાર રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા આરોગ્ય ક્ષેત્રે દર્દીઓની સેવામાં વધારો કરવાનું બહુ આયામી પ્રકલ્પને આખરી ઓપ આપી રહયા છે. રાજકોટને આંગણે ગુજરાતની સૌપ્રથમ અને દેશમાં જુજ સ્થળે કાર્યરત રહેલી સ્કીન બેંકની સ્થાપના કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.

''રોટરી ગ્રેટર રાજકોટ''ના  કલબ પ્રેસીડન્ટ યશ રાઠોડ, નેવીલભાઇ વૈષ્ણવ પ્રોજેકટ ચેરમેન, ડો. સંજીવ નંદાણી, અમીતભાઇ રાજા, પરેશભાઇ કાલાવડીયા, નીલેશભાઇ ભોજાણી સહિતના અકિલા કાર્યાલય ખાતે સ્કીન બેંકની બહુ આયામી યોજનાની માહિતી આપતા જણાવેલ કે સ્કીન બેંક રાષ્ટ્રીય શાળા ખાતે આવેલ કોઠારી ડાયગ્નોસીશ દ્વારા બાજુમાં રોટરી  ભવન ખાતે સ્કીન બેંકની સ્થાપના કરવામાં આવશે. દર્દીઓ માટે નહિ નુકશાન નહિ નફાના ધોરણે સ્કીન આપી દાઝી ગયેલા દર્દીઓને બચાવવા માટે આપવામાં આવશે.

''રોટરી ગ્રેટર રાજકોટ''ના પ્રમુખ યશભાઇ રાઠોડ,અમિતભાઇ રાજા, ડો. સંજીવ નંદાણીએ જણાવેલ કે ''રોટરી ગ્રેટર રાજકોટ'' દ્વારા ગુજરાતની સૌપ્રથમ સ્કીન બેંકની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં રાજકોટ ખાતે સૌપ્રથમ સ્કીન બેંકની સુવિધા પ્રાપ્ત થશે. ભારતમાં દર વર્ષે દાઝી જવાના કારણે લગભગ ૭૦ લાખ લોકોને સારવાર લેવાની ફરજ પડે છે અને દાઝી જવાના કારણે માણસનું મૃત્યુ નથી થતું પરંતુ દાઝી જવાના કારણે ચામડી બળી જતાં ઈફેકશન થાય છે પરંતુ દાઝી ગયેલા ભાગ પર તાત્કાલીક સ્કીન કવર કરી આપવામાં આવે તો ૮૦ ટકા લોકોની જીંદગી બચાવી શકાય છે. માણસ મૃત્યુ પછી જેમ આંખ, કીડની, લીવર વગેરે અંગોનું ડોનેશન કરે છે, એ જ રીતે મૃત્યુ પછી સ્કીન ડોનેશન કરે અને તે સ્કીનને સ્કીન બેંકમાં યોગ્ય રીતે સાચવી રાખવામાં આવે તો ઘણા બધા લોકો માટે જીવનદાન રૂપ સાબીત થાય. આ બાબતની ગંભીરતા અને જરૂરીયાતને ધ્યાને લઈ ''રોટરી ગ્રેટર રાજકોટ'' સ્કીન બેંકની સ્થાપના રાજકોટ ખાતે કરવાનું સાહસ કર્યું છે.

 ''રોટરી ગ્રેટર રાજકોટ''આરોગ્ય ક્ષેત્રે રાજકોટમાં ખૂબ જ સક્રિયપણે કાર્ય કરી રહી છે. થોડા સમય પહેલા રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે  રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે બ્રેકીથેરાપી મશીનની સુવિધા ઉભી કરી આપી છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે એચ.આઈ.વી. પોઝીટીવ દર્દીઓ માટે ડાયાલીસીસ મશીનની સુવિધા ઉભી કરી આપી જે સૌરાષ્ટ્રમાં પ્રથમ અને એક માત્ર એચ.આઈ.વી. પોઝીટીવ દર્દીઓ માટે ડાયાલીસીસ સુવિધા છે.

 બી.ટી. સવાણી હોસ્પિટલ ખાતે  ડાયાલીસીસ મશીન ગરીબ તથા જરૂરતમંદ  દર્દીઓના હિતાર્થે મુકાવી આપ્યા છે. સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પનું એકઠું થયેલ  બ્લડ સિવિલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ માટે  ત્યાંની બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં બી.ટી. સવાણી.હોસ્પિટલ ખાતે આશરે રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે સીટી સ્કેન મશીન મુકવામાં આવશે.

''રોટરી ગ્રેટર રાજકોટ'' ની આરોગ્યલક્ષી સેવાઓમાં સ્કીન બેંક યશકલગીરૂપ પ્રોજેકટ રહેશે અને બહુ ટૂંકા સમયગાળામાં રાજકોટ ખાતે આ સુવિધા શરૂ કરી આપવા માટે''રોટરી ગ્રેટર રાજકોટ'' નાં પ્રસેસીડન્ટ શ્રી યશ રાઠોડ, સેક્રેટરી શ્રી રવિ ચોટાઈ, રોટેરીયન ડો. સંજીવ નંદાણી, ડો. કેતન બાવીસી અને અમિત રાજા સહિત કલબનાં સભ્યો જહેમત ઉઠાવી રહયા છે.

(4:47 pm IST)