Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

શુધ્ધ મીઠાઇ-ફરસાણ વેંચજો, નહી તો આરોગ્ય વિભાગ ત્રાટકશેઃ તાકિદ

દશેરાના તહેવારમાં ફુડ વિભાગની ટીમ દ્વારા સઘન ચેકીંગ ઝૂંબેશઃ નિયમનું પાલન ન કરનાર ધંધાર્થીઓ પર કાયદેસરની કાર્યવાહી કરાશેઃ વેપારીઓએ મીઠાઇ, ફરસાણ કયાં તેલ તથા ઘી માંથી બનાવેલ છે તેનુ બોર્ડ ફરજીયાત લગાવવુ જરૂરીઃ માર્ગદર્શિકા જાહેર કરતા મ્યુનિ. કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડ

રાજકોટ, તા. ૧પ : મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આગામી દશેરાના તહેવારને અનુભવીને જાહેર જન આરોગ્યનાં હિતાર્થે મીઠાઇ તથા ફરસાણના ઉત્પાદનકર્તા તથા વેચાણકર્તાઓને લોકોને આરોગ્યપ્રદ તથા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ ના નિયમો મુજબની ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે માર્ગદર્શિક જાહેર કરવામાં આવી છે. મ્યુનિ. કોપોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડને જણાવ્યુ હતું.

મીઠાઇના ઉત્પાદન, સ્ટોરેજ તથા વેચાણના સ્થળે સ્વચ્છતાના ધોરણોનું ચુસ્તપણે પાલન કરવું. આ માટેના જરૂરી વાણસો તથા સાધન સામગ્રી, સ્વચ્છ, કાટ રહિત  તથા આરોગ્યપ્રદ રહે તેની તકેદારી રાખવી. દરેક ફરસાણના વેપારીઓએ ફરસાણ કયા તેલમાંથી બનનાવેલછે. તે દર્શાવતું એક બાય દોઢનું સ્પષ્ટ જોઇ શકાય તેવી જગ્યાએ બોર્ડ મારવુ.

જલેબી શુધ્ધ ઘી કે ડાલડા ઘી મા બનાવેલ છે. તે દર્શાવતુ બોર્ડ ફરજીયાત દર્શાવવું.

મીઠાઇ શુધ્ધ ઘી / વનસ્પતિ ઘી / તેલમાંથી બનાવેલ છે. તેવું બોર્ડ સ્પષ્ટ દર્શાવવું.

ઉત્પાદન તથા વેંચાણ સ્થળે સ્વચ્છતાનાં ધોરણે જાળવવા અને ફલાય પ્રૂફ જાળીનો અથવા તો યોગ્ય રીતે ઢાંકવાની વ્યવસ્થા ગોઠવવી.

ખાદ્ય સામગ્રીનાં ઉત્પાદન તથા સંગ્રહ માટેના તમામ વાંસણો તથા સાધન સામગ્રી સ્વચ્છ તથા આરોગ્યપ્રદ રાખવા.

મીઠાઇના ઉત્પાદકોએ જયાં જરૂર જણાય ત્યાં આઇ.એસ.આઇ. માર્કવાળા ફૂડ કલરનો ૧૦ પીપીએમ માત્રામાં જ ઉપયોગ કરવો.

મીઠાઇનાં ઉત્પાદકોએ જયાં જરૂર જણાય ત્યાં માન્યતા પ્રાપ્ત ચાંદીના જ વરખનો જ ઉપયોગ કરવો. હલ્કી ગુણવતા વાળા વરખનો ઉપયોગ કરવો નહીં.

ફરસાણનાં ઉત્પાદકોએ સીન્થેટીક કલરનો તેમજ મેટાનીલ ચલો કલર (ગાય છાપ) નો ઉપયોગ કોઇપણ ફરસાણમાં કરવો નહીં. મીઠાઇમાં માવાનો ઉપયોગ થતો હોય તો ફૂગ વળેલ અથવા વાસ મારતા હોય, તો તેની ઉપયોગી કરવો નહીં.

પેરીશેબલ મીઠાઇ (ઝડપથી બગડી જાય તેવી) મીઠાઇની યોગ્ય તાપમાને ફ્રીઝમાં સંગ્રહ કરવો. બાસુંદી, રસમાધુરી જેવી પ્રવાહી દૂધથી બનેલી મીઠાઇઓનો કલાઇ કરેલ અથવા સ્ટીલનાં વાસણોમાં જ સંગ્રહ કરવો. અને તે જ દિવસે તેનો ઉપયોગ કરવો.

જરૂરીયાત મુજબની મીઠાઇનું ઉત્પાદન કરવું. પડતર તથા વાસી મીઠાઇનું વેંચાણ કરવું નહીં.

માન્ય એશન્સનો જ ઉપયોગ કરવો.

સેકેરીન જેવા આર્ટીફીસીયલ સ્વીટનરનો મીઠાઇમાં ઉપયોગ કરવો નહિં.

આ સુચનાઓ અંગેની સઘન ચકાસણી રાજકોટ મહાનગરપાલિકાનાં ફુડ વિભાગ દ્વારા કરવામાં આવશે અને જરૂર જણાયે સીલ કરવા અંગેની કામગીરી તથા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ માટે ફુડ વિભાગની ૦પ ટીમ દ્વારા સઘન ચકાસણી કરવામાં આવશે. તેમ ડો. પી.પી. રાઠોડે જણાવ્યું હતું.

મીઠાણ-ફરસાણ ખરીદીમાં સાવચેતી રાખોઃ તંત્રની અપીલ

- ઉઘાડા, વાસી કે વાસ મારતી  મીઠાઇ કે ફરસાણની ખરીદી કરવી નહીં.

- વધુ પડતા ઘાટા કલર વાળી મીઠાઇ તથા ફરસાણમાં અખાદ્ય કલર હોવાની શકયતા હોય તેવી ખરીદી કરવી નહીં.

- બાસુંદી, રસમાધુરી, જેવી દૂધની બનાવેલ પ્રવાહી મીઠાઇનો કલાઇ વાળા વાસણ અથવા સ્ટીલનાં વાસણમાં જ સંગ્રહ કરી ફ્રીઝમાં રાખવી અને તેનો ઉપયોગ તે જ દિવસે કરી નાખવો.

(4:45 pm IST)