Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ધોળકીયા સ્કૂલના ૨ બાળ વૈજ્ઞાનિકો સાઉથ કોરિયામાં ભારતનો ધ્વજ લહેરાવશે

દર્શી પનારા દ્વારા સરગવાની શીંગમાંથી કેન્સરની દવાનું સંશોધનઃ યામ સ્ટાર્ચમાંથી બાયોડી ગ્રેડેબલ પ્લાસ્ટીકનું આર્ય કરગથરા દ્વારા સંશોધન

ધોળકીયા સ્કૂલ્સ ખાતે બાળ વૈજ્ઞાનિકોનો સન્માન સમારંભ ડો. બીનાબેન આચાર્ય, લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન ડો. ભાયાણી, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, જીતુભાઇ ધોળકીયા સહિત વાલીઓની હાજરીમાં યોજાયો હતો.:'અકિલા' કાર્યાલયે ધોળકીયા સ્કૂલ્સના ટ્રસ્ટી જીતુભાઈ ધોળકીયા, શિક્ષક યોગેશભાઈ રંગપરીયા, બાળ વૈજ્ઞાનિકો દર્શી પનારા, આર્ય કરગથરા  ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૫: રાજકોટની ધોળકીયા સ્કુલ્સના ૨ બાળ વૈજ્ઞાનિકો સાઉથ કોરિયામાં ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવશે. ૨૦૧૮માં ધોળકીયા સ્કુલ્સ દ્વારા ૧૮ બાળ વૈજ્ઞાનિકોની ભેટ આપવામાં આવી છે તેમ ''અકિલા''' કાર્યાલયે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને વિગતો આપતા ધોળકીયા સ્કુલ્સના ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયાએ જણાવ્યુ હતું.

જીતુભાઇ ધોળકીયાએ વધુમાં જણાવ્યુ કે દેશને ૧૦૦ બાળવૈજ્ઞાનિકોની ભેટ આપવાના સ્વપ્નાઓ સાથે શાળા સ્થાપનાના પહેલા દિવસથી જ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે વિશેષ રૂચિ કેળવી તેનામાં સંશોધનનું બી રોપી-સીચી-પોષણ આપી ધોળકિયા સ્કૂલ પોતાના મિશન તરફ અવિરતપણે આગળ વધી રહી છે.

ધોળકિયા શાળાની પરંપરા મુજબ આ બાળવૈજ્ઞાનિકોને શુભેચ્છા આપવા માટે સમગ્ર શાળા પરિવાર તેમજ છેલ્લા દસ વર્ષમાં વિશ્વ વિજેતા બની ચૂકેલા શાળાના ૧૮ બાળવૈજ્ઞાનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આ ૧૮ જેટલા આંતરરાષ્ટ્રીય વિજેતા બાળવૈજ્ઞાનિકોને સન્માનવામાં આવ્યા હતા. જેમાં પૂજા ધોળકિયા અને રિધ્ધિ દાસાણી (૨૦૦૮), વૈષ્ણવ હેતલ (૨૦૦૯,૨૦૧૦,૨૦૧૧), આયુષ પનારા (૨૦૧૩,૨૦૧૪), કૈરવી રાછડિયા અને માનસી દલસાણીયા (૨૦૧૪), કિંજલ સરડવા અને જાનવી કાનાણી (૨૦૧૫), યેશા મશરૂ અને મોહા ધોળકિયા (૨૦૧૫), દોશી નુપુર, વાઘાણી પ્રકૃતિ, નિકીતા રાઠોડ અને યશ્વી રામાણી (૨૦૧૬), જનક પીપળીયા અને જેનીલ છત્રાળા (૨૦૧૭) અને ચાલુ વર્ષે (૨૦૧૮)માં એકસાથે ત્રણ અલગ-અલગ આંતતરાષ્ટ્રીય વિજ્ઞાનમેળામાં ચાર-ચાર પ્રોજેકટ રજુ કરી શુભ ધોળિકયા, અકબરી પ્રિન્સ, દર્શી પનારા અને આર્ય કરગથરાએ વિશ્વકક્ષાએ ધોળકીયા સ્કૂલનો ડંકો વગાડયો છે. આમ અમેરિકાખંડ-યુરોપ ખંડ-આફ્રિકા ખંડ અને એશિયા ખંડમાં વિવિધ વિજ્ઞાનના સંશોધન પ્રોજેકટો દ્વારા વિશ્વમાં ભારતની-ગુજરાતની-રાજકોટની ધોળકિયા સ્કૂલના યુવા સંશોધકોએ ગૌરવંતુ સ્થાન મેળવ્યું છે.

ભારતના મહાનવૈજ્ઞાનિક ડો.કલામ સાહેબના જન્મદિને વિજ્ઞાનપ્રવૃતિઓને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા માટે શાળાના યુવા સંશોધકોને સન્માનિત કરવા ધોળકિયા શાળા ખાતે 'બાળ વૈજ્ઞાનિક સન્માન અને શુભેચ્છા સમારંભ' યોજાયો હતો. આ સમારંભમાં રાજકોટના પ્રથમ નાગરિક મેયર બીનાબહેન આચાર્ય અને વિજ્ઞાનના ઋષિ પુરૂષ લોકવિજ્ઞાન કેન્દ્રના ચેરમેન ડો. ભાયાણી ખાસ ઉપસ્થિતિ રહી રાજકોટ શહેર અને વિજ્ઞાનજગત વતી શુભકામનાઓ પાઠવી આર્શીવાદ આપ્યા હતા સાથે રાજકોટ શહેરને સંશોધન ક્ષેત્રે વિશ્વના નકશા પર ઝળકાવવા બદલ ધોળકિયા સ્કૂલના સંચાલકો-શિક્ષકો-વિદ્યાર્થીઓ-વાલીઓને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળા પરિવારના ટ્રસ્ટીશ્રી કૃષ્ણકાંતભાઇ અને જીતુભાઇ ધોળકિયાએ સમગ્ર બાળ વૈજ્ઞાનિકોને સન્માનતા સમાજને ઉપયોગી એવા સંશોધનો કરવા માટે અપીલ કરી હતી.

શ્રી જી. કે. ધોળકિયા શાળામાં ધો. ૧૦ (અંગ્રેજી માધ્યમ) માં અભ્યાસ કરતા પ્રિતીબેન અને મિલનભાઇ પનારાના પુત્રી કુ. દર્શી પનારાએ જીવલેણ અને ઘાતક એવા કેન્સર રોગના સરળતમ ઇલાજ માટેનું સંશોધન તૈયાર કર્યું છે. આ પ્રોજેકટમાં તેમણે શાકભાજીમાં વપરાતી સરગવાની શીંગનો ઉપયોગ કર્યો છે. આ સરગવાની શીંગને ડ્રાઇંગ અને કુલિંગ કરી કેન્સર સામે રક્ષણ આપતી દવા તૈયાર કરી છે. છેલ્લા એક વર્ષથી સમગ્ર ગુજરાતની વિવિધ સંશોધન સંસ્થાઓ જેવી કે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આત્મીય યુનિવર્સિટીના બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટ તેમજ અમદાવાદની વિવિધ પ્રયોગશાળાઓ તેમજ રાજકોટની એનવિટ્રો લેબોરેટરી વગેરેમાં અનેક ટેસ્ટ કર્યા બાદ આ દવા તૈયાર બની છે. જે હવે કોરીયામાં યોજાયેલ વિજ્ઞાન મેળો MILSET Expo Sciences Asia-2018 માં વિશ્વ સમક્ષ રજુ કરવામાં આવશે. નાનકડી એવી ૧પ વર્ષની આ દિકરી દર્શિનું આ સંશોધન ભવિષ્યમાં કેન્સરના ઉપચારમાં અકસીર ઇલાજ બની સમગ્ર માનવજાત માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આમ, એશિયા ખંડના સાઉથ કોરિયા દેશના ડાઇઝોન શહેરમાં તા. ૧૮ થી ર૩ ઓકટોબર સુધી યોજાનાર આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળામાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી પ્રદૂષણના રાક્ષસ એવા 'પ્લાસ્ટિક'ના વિકલ્પરૂપે તૈયાર કરેલ 'બાયો પ્લાસ્ટિક' તેમજ મનુષ્યમાં રાક્ષસ સ્વરૂપ રોગ એવા કેન્સર સામે અકસીર ઇલાજ તરીકે બનાવેલી દવાના પ્રોજેકટ રજૂ કરી ધોળકિયા સ્કૂલના બે બાળ વૈજ્ઞાનિકો આંતરાષ્ટ્રીય કક્ષાએ ભારતને ગૌરવ અપાવવા માટે થનગની રહ્યા છે. આ બંને પ્રોજેકટ પર્યાવરણ તથા માનવ જીવન માટે ખૂબજ ઉપયોગી અને આશીર્વાદ સમા બની રહેશે. આ બંને વિદ્યાર્થીઓ સાથે શાળા પરિવારમાંથી તેમના ગાઇડ અને કેર ટેકર તરીકે શ્રી વિરલભાઇ ધોળકિયા અને બહેન ડો. પૂજાબેન ધોળકિયા પણ સાઉથ કોરિયા જઇ રહ્યા છે.

શ્રી કે.જી. ધોળકિયા શાળામાં ધો. ૧૧ (સાયન્સ-અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા નયનાબેન અને યોગેશભાઈ કરગથરાના પુત્ર આર્ય કરગથરાએ યામ (સ્વીટ પોટેટો)ના સ્ટાર્ચમાંથી બાયો પ્લાસ્ટિક તૈયાર કર્યુ છે. તેમા સાથે ગ્લીસરીન, વિનેગાર, ગમગુવાર અને અન્ય જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરી આ બાયો પ્લાસ્ટિક તૈયાર કર્યુ છે. જે સામાન્ય પ્લાસ્ટિક જેવી જ મજબુતાઈ અને ફલેકસીબિલીટી ધરાવે છે. છેલ્લા દોઢ વર્ષથી વિવિધ પ્રકારના અનેક પ્રયોગોના અંતે તૈયાર થયેલ.

વિજ્ઞાન ક્ષેત્રે શોધ અને સંશોધનમાં અગ્રેસર એવી ગુજરાતની શ્રેષ્ઠ ધોળકિયા સ્કૂલ ફરી એકવાર સાઉથ કોરિયામાં આગામી ૧૮ ઓકટોબરથી યોજાનાર એશિયાનો સૌથી મોટો વિજ્ઞાન મેળો 'મીલસેટ-૨૦૧૮'માં ભારતનો તિરંગો લહેરાવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોળકીયા શાળાના બાળ વૈજ્ઞાનિકોએ નિત-નવા સંશોધનો કરી, શાળા કક્ષાએથી શરૂ કરી ઈન્ટર સ્કૂલ કક્ષા, શહેર કક્ષા, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સર્વશ્રેષ્ઠ દેખાવ કરી વિજ્ઞાનની જ્યોતને જલતી રાખી છે. આ વર્ષે માર્ચ માસમાં આફ્રિકા ખંડના ટયુનિશિયા દેશમાં યોજાયેલ વિજ્ઞાન મેળામાં શાળાના બાળ વૈજ્ઞાનિક અકબરી પ્રિન્સ ભારત દેશવતી ગોલ્ડ મેડલ જીતી ચૂકયા છે સાથે જૂન માસમાં અમેરિકાના ન્યુયોર્ક સ્ટેટમાં બાળ વૈજ્ઞાનિક શુભ ધોળકીયા ભારત દેશ વતી બ્રોન્ઝ મેડલ જીતી ચૂકયા છે અને હવે આવતીકાલે શાળાના બે બાળ વૈજ્ઞાનિકો દર્શી પનારા અને આર્ય કરગથરા એશિયા ખંડના સૌથી મોટા વિજ્ઞાન મેળા 'મીલસેટ-૨૦૧૮'માં ભાગ લેવા માટે સાઉથ કોરિયા જવા રવાના થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ધોળકીયા શાળા પરિવારમાં હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયુ છે તેમજ ચોમેરથી આ બાળ વૈજ્ઞાનિકો ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

(4:37 pm IST)
  • શશી થરૂર ફરી વિવાદ સર્જે છેઃ કોઇપણ સારો હિન્દુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહિ ઇચ્છે access_time 4:23 pm IST

  • હરીયાણામાં બની રહેલ મસ્જીદમાં લશ્કર એ તૈયબા આતંકી સંસ્થાના પૈસાઃ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીનો ધડાકો : ટેરર ફંડીગની તપાસમાં નવા નવા ફણગા ફુટતા જાય છેઃ મસ્જીદના ઇમામ સહિત ૩ની ધરપકડ access_time 3:35 pm IST

  • અમદાવાદના સોલામાં ફાયરિંગની ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ :સામાન્ય તકરારમાં દત્ત બંગ્લોઝ સોસાયટીમાં થયું હતું ફાયરીંગ: સોલા પોલીસે પિતા સહિત બંને પુત્રોની ધરપકડ કરી સોસાયટીમાં ગરબા ચાલતા હતા જેથી ઝડપથી બાઈક નહીં ચલાવવા માટે ઠપકો આપતા મામલો બિચક્યો હતો :દાનારામ નામના શખ્શે ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. access_time 12:42 am IST