Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

દિવ્યાંગો અને વડીલો રાસે રમ્યાઃ અનોખી ઉજવણી

રાજકોટઃ શહેરના દિવ્યાંગો અને વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે ગઈકાલનો દિવસ નવરાત્રીની ઉજવણીનો દિવસ બની રહ્યો હતો. આજકાલ દ્વારા દર વર્ષે સામાજિક સેવાના ભાગરૂપે દિવ્યાંગ લોકો માટે ગરબીનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં દિવ્યાંગો નવરાત્રી ઉજવે છે. ઈશ્વરે જેમને કઈંક ને કઈંક ખોટ આપી છે તેવા લોકોને પણ નવરાત્રીની ઉજવણી કરવાનો અધિકાર છે તેવું સ્પષ્ટ માનતા આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણીએ આ ઉજવણી શરૂ કરાવી હતી અને આ પરંપરા આજે પણ ચાલુ જ છે. રાજકોટની ૨૫ જેટલી જુદી જુદી સંસ્થાના ૧૧૧૧ જેટલા દિવ્યાંગ ખેલૈયાઓ વિરાણી હાઈસ્કૂલમાં ગરબા રમ્યા હતા અને ઈનામો પ્રાપ્ત કર્યા હતા.

દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા  અને શ્રીમતી મીણા, એડિશનલ કલેકટર શ્રી પરિમલ ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજગુરૂ, ઉદ્યોગપતિ અને કલબ યુવીના સંચાલન મહેન્દ્રભાઈ ફળદુ, સરગમ કલબના સંચાલક ગુણવંતભાઈ ડેલાવાળા, પૂર્વ સંસદસભ્યો રામજીભાઈ માવાણી અને રમાબેન માવાણી, પરિન ફર્નિચરના ઉમેશભાઈ નંદાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી રમાબેન માવાણી ઉપરાંત આજકાલના ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણી અને મેનેજીંગ એડિટર અનિલ જેઠાણી દિવ્યાંગો સાથે ગરબા રમ્યા હતા.

આ રાસોત્સવમાં સ્પેશ્યલ હોમ ફોર બોયઝ, કૌશિકા ધામ, હરિનગરી, રમણિક કુંવરબા, હિના ફાઉન્ડેશન, અંધ મહિલા વિકાસ ગૃહ, બેગર્સ હોમ એન્ડ સ્ટેટ હોમ, ડિફ એન્ડ ડમ્બ સ્કૂલ, દીકરાનું ઘર સહિતની ૨૫ જેટલી સંસ્થાના સભ્યો જોડાયા હતા. સંસ્થાને એકત્ર કરવાનું કાર્ય તક્ષ મિશ્રાએ કર્યું હતું. આ વખતે અંધ બહેનો પણ હોંશે હોંશે ગરબે રમી હતી.

(3:38 pm IST)