Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ટ્રાન્સપોર્ટરને ફેસબૂક ફ્રેન્ડ બનાવવા સગીરાએ કહ્યું-તમે પરણેલા હોય તો શું થયું, મિત્રતા તો થઇ શકે ને?

સાબુવાળા, બે રિક્ષાવાળા અને છૂટક કામ કરનારા શખ્સોની ટોળકીએ 'માલામાલ' થવા 'મુરગો' શોધ્યો પણ મેળ ન પડ્યો : સિંધી યુવાને હા કહેતાં જ બે દિ' વાતો કરી પછી રેસકોર્ષમાં મળવા બોલાવી સાગ્રીતો સાથે મળી અપહરણ કર્યુ અને ૧૨ લાખની ખંડણી માંગીઃ ફરિયાદીના લૂંટેલા મોબાઇલમાંથી જ પૈસા માંગ્યાઃ એ વખતે જ પ્ર.નગર પોલીસ પણ હાજર હોઇ 'ઝાળ' બીછાવી પાંચને પકડી લીધા : અલગ-અલગ રહેતાં માતા-પિતાને છોડી જુદી રહેતી સગીરા નાણાવટી ચોકમાં પડ્યા પાથર્યા રહેતાં શખ્સો સાથે સંપર્કમાં આવી અને 'ગુનેગાર'નું લેબલ લાગી ગયું

રાજકોટ તા. ૧૫: સોશિયલ મિડીયાનો સારો ઉપયોગ થાય છે એ રીતે તેનો દૂરૂપયોગ પણ મોટા પ્રમાણમાં થાય છે.  જંકશન પ્લોટ ગાયકવાડી-૯માં રહેતાં અને કેસરી પુલના છેડે રાજકોટ ગોડાઉન નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં સૂરજ (સુરેશ) પ્રકાશભાઇ છાબરીયા (ઉ.૩૦) નામના સિંધી યુવાનને નિતુ રાવલ નામ ધારણ કરી એક યુવતિએ ચાર દિવસ પહેલા ફેસબૂક ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી રેસકોર્ષ લવગાર્ડનમાં મળવા બોલાવ્યા બાદ આ યુવતિના મળતીયા ચાર શખ્સોએ આવી જઇ 'તું અમારી બહેન સાથે કેમ વાત કરે છે?' કહી માર મારી રિક્ષામાં અપહરણ કરી મોબાઇલ ફોન લૂંટી લઇ રૂ. ૧૨ લાખની ખંડણી માંગી હતી. પૈસાની વ્યવસ્થા કરવાનું કહી જવા દીધો હતો. ગભરાયેલો ટ્રાન્સપોર્ટર યુવાન તેના પિતા-કાકાને લઇ પોલીસ મથકે પહોંચ્યા બાદ તેના જ લૂંટેલા મોબાઇલમાંથી અપહરણકારોએ ખંડણી માટે ફોન કરતાં પોલીસે છટકુ ગોઠવી ટોળકીને ઝડપી લીધી હતી. પ્ર.નગર પોલીસ આ બારામાં  આઇપીસી ૩૯૫, ૩૮૬, ૩૬૫, ૩૪ મુજબ ગુનો નોંધી   શાહનવાઝ ઉર્ફ શાનુ અહેમદભાઇ આમદાણી (ઉ.૨૩-રહે. નહેરૂનગર-૧, રૈયા રોડ), અફઝલ ઉર્ફ અબો સાજીદભાઇ નાગાણી (ઉ.૨૦-રહે. 'ગુલશન', છોટુનગર-૨નો ખુણો), આશીફ અશરફભાઇ કડવર (ઉ.૨૫-રહે. લક્ષ્મીછાંયા સોસાયટી ૨૫ વારીયા-૨, નાણાવટી ચોક), હરકિશનસિંહ નવલસિંહ ગોહિલ (ઉ.૨૦-રહે. નાણાવટી ચોક પાસે પરફેકટવાળી શેરી) તથા નિતુ નામ ધારણ કરનાર ૧૭ વર્ષ અને ૭ માસની વય ધરાવતી સગીરાને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સગીરાના માતા-પિતા અલગ-અલગ રહે છે. પોતે પણ બે માસથી મા-બાપથી અલગ ભગવતીપરામાં રહે છે. તે અગાઉ ફાયનાન્સની ઓફિસમાં નોકરી કરતી હતી. કેટલાક સમયથી નાણાવટી ચોકમાં બેસવા જતી હોઇ ત્યાં જ પડ્યા પાથર્યા રહેતાં રિક્ષાચાલક અફઝલ ઉર્ફ અબો,  આશીફ તથા શાહનવાઝ ઉર્ફ શાનુ અને હરકિશનસિંહ સાથે ઓળખાણ થઇ હતી. શાહનવાઝ સાબુ વેંચે છે, અફઝલ અને આશીફ રિક્ષા હંકારે છે અને હરકિશનસિંહ કલેકશનનું કામ કરે છે. આ બધાએ પોતાની કડકી દૂર કરવા ટૂંકો રસ્તો અપનાવવા પ્લાન ઘડ્યો હતો. જેમાં અફઝલે સગીરાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ હતું.

પૈસાની જરૂરિયાત ધરાવતી સગીરાએ પણ પ્લાનમાં સામેલ થવા હા ભણી હતી. તેણે પ્લાન મુજબ ખોટા નામે ફેસબૂક આઇડી ઉભી કરી હતી અને જુદા-જુદા માલદાર લોકો વિશે સર્ચ કર્યુ હતું. જે પૈકી સુરેશ (સુરજ) સિંધી પૈસાદાર હોવાની પ્રાથમિક વિગતો મેળવ્યા બાદ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ટ્રાન્સ્પોર્ટર સુરેશ સિંધીએ પોતે પરિણીત હોવાની સ્પષ્ટતા પહેલા જ કરી દીધી હતી. આમ છતાં આ સગીરાએ 'પરણેલા હોવ તો શું થયું, ફ્રેન્ડશીપ તો રાખી શકાય ને?' તેમ કહી ઝાળ બીછાવી હતી અને બે દિવસ વાતો કર્યા બાદ 'હનીટ્રેપ' ગોઠવી રેસકોર્ષ મળવા બોલાવી પ્લાન પાર પાડ્યો હતો. પરંતુ પ્ર.નગર પોલીસે આ ટોળકીની ઇચ્છા પુરી થાય એ પહેલા જ દબોચી લીધા હતાં. સાંજે બધાને કોર્ટહવાલે કરવામાં આવશે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ભરત રાઠોડની રાહબરી તથા સુચના મુજબ પી.આઇ. બી.એમ. કાતરીયાના માર્ગદર્શનમાં પીએસઆઇ બી. જી. ડાંગર, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, જયદિપભાઇ ધોળકીયા, જયેન્દ્રસિંહ પરમાર, હેમેન્દ્રભાઇ વાધીયા, મનજીભાઇ ડાંગર, કોૈશલેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમે દેવશીભાઇ, અરવિંદભાઇ, જયદિપભાઇ અને મહેશભાઇની બાતમી પરથી આ કામગીરી કરી હતી. આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(3:23 pm IST)
  • વિસાવદર પંથકમાં ૩ વર્ષના સિંહનું શંકાસ્પદ સ્થિતિમાં મોત : વિસાવદરના કાલાવડની સીમમાંથી સિંહનો મૃતદેહ મળ્યોઃ ૩ વર્ષના સિંહના મૃતદેહને શંકાસ્પદ હાલતમાં અગ્નિદાહ અપાયોઃ દુર્ગધ આવતા વાડી માલીકે વનતંત્ર વિભાગને કરી જાણઃ સિંહનુ કુદરતી મોત થવાનુ વન વિભાગનું અનુમાન access_time 3:09 pm IST

  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • અમદાવાદના એલિસબ્રિજમાં ફાયનાન્સ કંપનીમાં લાખોની ચોરી કરી તસ્કરો ફરાર:રૂ 2.50 લાખની રોકડ અને વિદેશી ચલણી નોટોની ચોરી:અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા સહિત 12 દેશોના વિદેશી ચલણી નોટોની ચોરી:ફરિયાદી ફોરેન કરન્સી એક્સચેન્જનો ધધો કરે છે.:ઓફિસ ના ડ્રોઅરમાં મુકેલી ચલણી નોટોની ચોરી થતા નોંધાઈ ફરિયાદ:પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી access_time 1:06 am IST