Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

વિજ ચોરીના કેસમાં આરોપીને એક લાખનો દંડ ફટકારી કોર્ટ ઉઠતા સુધીની સજાનો હુકમ

રાજકોટ તા. ૧પઃ અત્રે રામપાર્ક સોસાયટી આર.ટી.ઓ. પાછળ રહેતા આરોપી ભીમાભાઇ પાંચાભાઇએ પી.જી.વી.સી.એલ.ની લાઇનમાંથી બીનઅધિકૃત રીતે વીજ પાવર લઇ પોતાની ડેરીમાં કોર્મશીયલ વપરાશ કરેલ હતો જેના અનુસંધાને પી.જી.વી.સી.એલ.ના અધિકાર શ્રી ગોપાલભાઇ હીરજીભાઇ પટેલ વિગેરેએ આરોપીને ચેકીંગ કરી અને વીજચોરી પકડી પાડેલ હતી ટુંકાગાળામાં ત્થા એક જ વર્ષમાં આરોપીએ વારંવાર વીજચોરી કરેલ હતી. જેથી પી.જી.વી.સી.એલ.ના અધિકારીની ફરીયાદના આધારે આરોપી વિરૂધ્ધ ગુન્હો બનતો હોય પોલીસે ધરપકડ કરેલ હતી તેના આધારે આરોપીનો કેસ ચાલવા ઉપર આવેલ હતો. જ ે કેસમાં કોર્ટે આરોપીને ૧ લાખનો દંડ ફટકારેલ છે.

સદરહું ફરીયાદના અનુસંધાને પોલીસે ધરપકડ કરી કોર્ટમાં ચાર્જસીટ રજુ કરેલ હતું. સદરહું કેસ ચાલવા ઉપર આવતા સદરહું કેસના અનુસંધાને ન્યાયમુર્તીશ્રી એમ. એમ. બાબી એ કેસના સંજોગો તથા આરોપીએ ટુંકાગાળામાં એક કરતા વધુ વખત વીજચોરી કરેલ હોય અને બીજી વખતની ત્થા ત્રીજી વખતની વીજચોરી હોય ઇન્ડીયન ઇલે. એકટની ર૦૦૩ ની કલમ-૧૩પ ની જોગવાઇઓ જોતાં રૂ. ૧,૦૦,૦૦૦/- કરતા વધુ રકમનો દંડ ત્થા ટી. આર. સી.ની સજા ફટકારવાનો હુકમ ફરમાવેલ છે.

આ પ્રકારના ગુન્હાઓ વધવાની શકતા પણ નકારી શકાય તેમ નથી તેમજ આવા ગુન્હામાં માત્ર એક વખત પેનલ્ટી કરવામાં અથવા ગુન્હાને હળવાશથી લેવામાં આવે તો નીયમીત રીતે વીજબીલ ભરનાર વ્યકિતને સીધી અસર થાય છે. જેથી રહેમ દ્રષ્ટિ રાખી ઓછો દંડ કરવાના કોઇજ સંજોગો નથી પરંતુ ઉંમરને જોઇ સજા માત્ર ટી.આર.સી.ની કરવામાં આવે છે. આરોપીને કરેલ દંડમાંથી ૭પ% રકમ પી.જી.વી.સી.એલ.ને ચુકવવાનો આદેશ કરેલ છે. આરોપી જો દંડની રકમ ન ભરે તો છ માસની સજાનો પણ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામમાં મુળ ફરિયાદીની પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જીતેન્દ્ર એમ. મગદાણી રોકાયેલા તેમજ સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ શ્રી એસ. કે. વોરા રોકાયેલા હતા.

(3:16 pm IST)