Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

આજીડેમ ચોકડીના પુલ પર 'હિટ એન્ડ રન': વોકીંગમાં નીકળેલા સતર વર્ષના રઘુનું મોત

અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ શિવધારા સોસાયટીના રબારી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૫: આજીડેમ ચોકડીના પુલ પર રાત્રે 'હિટ એન્ડ રન'નો બનાવ બનતાં ખોખડદળ પુલ પાસે શિવધારા સોસાયટી-૨માં રહેતાં રબારી પરિવારના રઘુ કાનાભાઇ કરમટા (ઉ.વ.૧૭)નું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ શિવધારા-૨માં રહેતો રઘુ કરમટા રાતે સાડા દસેક વાગ્યે ઘરેથી વોકીંગ કરવા નીકળ્યો હતો. તે દરરોજ રાતે જમ્યા બાદ આ રીતે આંટો મારવા જતો હતો. ગત રાતે આજીડેમ ચોકડીના પુલ પર પહોંચ્યો ત્યારે અજાણયા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

અકસ્માતને પગલે એકઠા થયેલા લોકોમાંથી કોઇએ રઘુના જ ફોનમાંથી તેના સગાને ફોન જોડી બનાવની જાણ કરતાં રઘુને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર રઘુ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. દસમુ ધોરણ ભણ્યા બાદ હાલ કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા કાનાભાઇ મેરાભાઇ કરમટા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. આશાસ્પદ દિકરાના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. 

(3:28 pm IST)