Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મોહનભાઈ અને ચેતન રામાણી બાખડયા

ભુપેન્દ્રભાઈ પટેલના સ્વાગત સમયે ભાજપના બે આગેવાનો વચ્ચે તણખા ઝર્યા : રામાણીએ સાંસદને કાર્યાલય ખોલવા બાબતે ટોણો માર્યો તો મોહનભાઈએ કહ્યું તમારે જેમ ફાવે તેમ બોલવાનું: મિરાણી, ડવ અને રામભાઈએ મામલો થાળે પાડયો

રાજકોટ,તા.૧૫: રાજયના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સ્વાગત સમયે રાજકોટના બે ભાજપના આગેવાનો વચ્ચે જામી પડી હતી. ચેતન રામાણીએ મોહનભાઈને કાર્યાલય ન ખોલવા બાબતે ટોણો મારતા મામલો વધુ ગરમાયો હતો.

ભાજપ અગ્રણી ચેતન રામાણી વચ્ચે આંતરિક બોલાચાલી થઇ હતી. ચેતન રામાણીએ મોહનભાઈ કુંડારીયાને ૭ વર્ષથી કાર્યાલય ન ખોલવા મામલે ટોણો માર્યો હતો. તેમજ કુંડારીયાને ખરી ખોટી સંભળાવી હતી. આથી મોહનભાઈ કુંડારિયા રોષે ભરાયા હતા અને તમારે જે કરવું તે કરવાનું. ત્યારે ચેતન રામાણીએ કહ્યું કે, તમે કહ્યું કે આઘા કરો. બાદમાં કુંડારીયાએ કહ્યું કે, તમારે જેમ ફાવે તેમ બોલવાનું.

બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ રહી હતી. ત્યારે રાજકોટ શહેર ભાજપ -મુખ કમલેશ મિરાણી, મેયર ડો.પ્રદીપ ડવ અને રાજ્યસભાના સાંસદ બંને વચ્ચે પડી બંનેને શાંત કર્યા હતા. જોકે આ તમાશો વીડિયોમાં કેદ થતા ભાજપના નેતાઓને નીચા જોવા જેવું થયું હતું. બંને વચ્ચે શાબ્દિક યુદ્ધને ઉપસ્થિત લોકો પણ જોતા રહ્યા હતા. જોકે, બોલાચાલી મુદ્દે મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, હું કોઈને ફરિયાદ નહીં કરું, મારો સ્વભાવ નથી. લાઈનમાં ઉભા રહેવાને લઈ ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીના સ્વાગત માટે રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરા, કલેકટર અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, એસપી બલરામ મીણા, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના અધિકારીઓ હાજર હતા ત્યારે જ બંને નેતા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ પણ હાજર હતા. છતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

ઉપરોકત તસ્વીરોમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ચેતન રામાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. સાંસદ રામભાઈ મોકરીયા, કમલેશ મીરાણી, મેયર પ્રદીપ ડવ, મનોજ રાઠોડ સહિતના આગેવાનો મામલો થાળે પાડી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

  • ચેતન રમાણીએ કલેકટરને કહ્યું સાહેબ અહિં વચ્ચે તો આવોમાં... બાદ ડખ્ખો વકર્યો

રાજકોટઃ ગઈકાલે મુખ્યમંત્રીના સ્વાગત દરમિયાન એરપોર્ટ પર ચેતન રામાણી અને સાંસદ મોહનભાઈ કુંડારીયા વચ્ચે ઝઘડો થયો તે પહેલા ચેતન રામાણીએ રાજકોટ જીલ્લા કલેકટર સાથે ડખ્ખો કર્યો હતો. ચેતન રામાણીએ સાહેબ અહિં તો વચ્ચે આવો માં... એમ કહેતા કલેકટર સમસમી ઉઠયા હતા અને પાછળ સાઈડમાં ચાલ્યા ગયેલ, પરંતુ આ સમયે ત્યાં હાજર સીટી પ્રાંત- ૨ સી સિધ્ધાર્થ ગઢવીથી કલેકટરનું આવુ અપમાન સહન ન થયું અને તેમણે ચેતન રામાણીને ટકોર કરી હતી કે ''ચેતનભાઈ શાંતિ રાખો એ કલેકટર સાહેબ છે, આમ ન બોલાય... ધીરજથી વાત કરો અને સીટી પ્રાંત-૨ની  આ ટકોરમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાએ સૂર પૂરાવી ચેતન રામાણીને કહેલ કે ચેતન સાચી વાત છે?... આવી રીતે ન બોલાય અને બાદમાં ચેતન રામાણી- મોહનભાઈ વચ્ચે જાહેરમાં ડખ્ખો જામી ગયો હતો.'' 

(4:01 pm IST)