Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

લતે લતે હુસેની મહેફિલો : તાજીયા નિર્માણ પૂરજોશમાં

બુધવારથી શરૂ થયેલા મોહર્રમ માસ નિમિતે કરબલાના શહીદોની સ્મૃતિ જીવંત : શુક્રવારે આશૂરાહ

રાજકોટ : મહોરમ માસની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે શહેરના અનેકવિધ વિસ્તારોમાં તાજીયા બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. જે ઉકત તસ્વીરમાં રૈયા રોડ હનુમાન મઢી, નુરાની પરા સહિતના વિસ્તારોમાં તાજીયા બનાવતા કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૫)

રાજકોટ, તા. ૧૫ : ગત મંગળવાર સાંજે ચંદ્રદર્શન બાદ બુધવારથી ઈસ્લામી નૂતન વર્ષ હિજરી ૧૪૪૦નો પ્રારંભ થવાની સાથે સાથે મહોર્રમ માસની પણ શરૂઆત થઈ ચૂકી છે. જેમા ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં દરરોજ રાત્રીના 'હુસેની મહેફિલો' ગયા મંગળવારથી જ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ મહોર્રમ માસમાં બનાવવામા આવતા 'તાજીયા'ની કામગીરી વેગવાન બની છે.

આ વખતે ખૂબી એ છે કે, મહોર્રમ માસ ઈસ્લામી વર્ષનો પ્રથમ મહિનો છે અને મુસ્લિમ સમાજમાં બેવડી આધ્યાત્મિક ખુશી અનુભવાઈ છે. કારણ કે, આ વખતે ૧૦મી મુહર્રમ કે જે ને 'આશૂરાહ' કહેવામાં આવે છે તે આગામી શુક્રવારે મનાવવામાં આવશે.

મહોર્રમ માસનો પ્રારંભ થતા મુસ્લિમ સમાજમાં શોકમય માહોલ છવાઈ જવા પામ્યો છે. 'તાજીયા' કામગીરી છેલ્લા એક માસથી ચાલી રહી છે. તેમા પણ હવે મહોર્રમ માસ શરૂ થતા તાજીયા બનાવવાની કામગીરી પૂરજોશ ચાલી રહી છે.

ઈસ્લામ ધર્મના મહાન સ્થાપક અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દોહિત્ર હઝરત ઈમામ હુસેનએ સત્યતાની કાજે ઈરાકના રેતાળ પ્રદેશ 'કરબલા'ના તપતા મેદાનમાં યુધ્ધ ખેલી પોતાના ૭૨ પરિવારજનો અને સાથીદારો સાથે ભવ્ય શહીદી પામી ઈતિહાસના પાને અમર થઈ જતા આ ભવ્ય બલિદાન ગાથાની સ્મૃતિમાં દર વર્ષે મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે.

આ તાજીયામાં અનેક પ્રકારની કલાત્મકતા દર્શાવવામાં આવે છે અને તેમા વિવિધ સજાવટો કરવામાં આવે છે. જો કે મહોર્રમ માસની ૧૦મી તારીખે આ તાજીયા દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવે છે.

જેમા પણ કેટલાક સ્થળે દર વર્ષે સંપૂર્ણ નવા તાજીયા બનાવવામાં આવે છે અને કેટલાક સ્થળે જૂના તાજીયા જે ઈમામખાનામાં રાખવામાં આવે છે. તેને નવો ઓપ - નવી સજાવટ આપવામાં આવે છે. આમ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગામેગામ તાજીયા બનાવવાની કામગીરી વધી જવા પામી છે.

કરબલા ખાતે બનેલી આ કરૂણગાથાના માનમાં દરરોજ રાતે લતે લતે ખાસ કરીને હુસેની મહેફીલો થઈ છે અને શહિદોની સ્મૃતિમાં ઠેર ઠેર જાહેર સબિલો રચવામાં આવે છે અને તેના દ્વારા વિના ભેદભાવે નાસ્તો, નિયાઝ, સરબત, પાણી, ચા વગેરે વિતરણ કરવામાં આવે છે. જ્યારે દરરોજ જાહેર નિયાઝના કાર્યક્રમો પણ વિના ભેદભાવ યોજાય રહ્યા છે.આ માટે લતે લતે વિવિધ કમીટીઓ કાર્યરત થઈ છે અને રોશની પણ ગોઠવાઈ છે.આ ઉપરાંત જ્યાં જ્યાં હુસેની મહેફિલો શરૂ થઈ છે ત્યાં રાત્રીના વાઅઝ પૂર્ણ થતા ૧૨ વાગ્યા પછી નિયાઝનું પણ ભરપેટ-વિતરણ થઈ રહ્યુ છે.(૩૭.૧૫)

(3:48 pm IST)