Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

પહેલા પાણી આપો પછી વેરા બીલ આપોઃ

વોર્ડ નં.૧૮ના રહેવાસીઓની રજૂઆત ત્રણ-ત્રણ વર્ષનાં વેરો અને તેના ઉપર વ્યાજ પણ ખોટી રીતે લગાડાયાની રજુઆતઃ કોંગી કોર્પોરેટર નિર્મળ મારૂ, ધર્મીષ્ઠાબા જાડેજાની આગેવાનીમાં ડે. કમિશ્નરને રજુઆત

વોર્ડ નં. ૧૮માં અસહ્ય પાણી વેરો અને ગંદા પાણી સહીતની સમસ્યાઓ અંગે કોંગી કોર્પોરેટરો દ્વારા રજુઆત કરાઇ તે વખતની તસ્વીરમાં શહેર પ્રમુખ મહેશ રાજપૂત, કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજા, મયુરસિંહ જાડેજા, જેન્તીભાઇ બુટાણી વગેરે ડે. કમિશ્નર ચેતન નંદાણીને આવેદન પાઠવી રહેલા દર્શાય છે. નીચેની તસ્વીરમાં રજુઆતમાં જોડાયેલા લતાવાસી ભાઇ-બહેનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૭.૪૦)

રાજકોટ તા. ૧પઃ શહેરનાં વોર્ડ નં. ૧૮માં પાણીનાં ધાંધીયા કાયમી રહે છે. તેનો ઉકેલ લાવવાને બદલે મ્યુ. કોર્પોરેશનનાં તંત્ર ધારકોએ આ વિસ્તારમાં વ્યાજ સહીતનાં અસહ્ય વેરા બીલ ફટકાર્યાનાં આક્ષેપ સાથે વોર્ડ નં. ૧૮માં કોંગ્રેસનાં કોર્પોરેટર નિર્મળભાઇ મારૂ, ધર્મીષ્ઠાબા જાડેજા અને જેન્તીભાઇ બુટાણીએ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ વિસ્તારનાં સૌ પ્રથમ રસ્તા, ગટર, લાઇટ, પાણીનાં પેન્ડીંગ વિકાસ કામો પૂર્ણ કરાવી પછીજ વેરો વસુલવા માંગ ઉઠાવી હતી.

કોંગી કોર્પોરેટરોને કમિશ્નરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે, વોર્ડ નં. ૧૮માં નવા ભળેલા કોઠારીયા વિસ્તારમાં પાણી વેરો ખોટી રીતે આપવામાં આવેલ છે જે વિસ્તારમાં એક કાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. આ પાણી એટલું ગંદુ આવે છે કે તે પાણી પીવા લાયક નથી તેમજ આ પાણીના લીધે આ વિસ્તારમાં ખુબજ રોગચાળો ફાટી નિકળેલ હોય તેમજ રા. મ્યુ. કો. દ્વારા જ પાણી વેરા બીલ ૩ વર્ષનું એકી સાથે આપવામાં આવેલ હોય છતાં આ વેરા બિલમાં વ્યાજ પણ ખોટી રીતે લગાડવામાં આવેલ છે. તેમજ આ વેરા બિલનું નિરાકરણ આવે ત્યાં સુધી વ્યાજ ન લગાડવા આપને વિનંતી છે.

આ ઉપરાંત આવેદનપત્રમાં સદભાવનાં સોસાયટી, ગુલાબનગર, સ્વામી સોસાયટી, સીતારામ સોસાયટી, વેલનાથ પાર્ક, સાંઇબાબા સર્કલ, વગેરે વિસ્તારોમાં મેટલીંગ રોડ, ડી.પી. રોડ, બેઠો પુલ, બનાવવા મેઇન રોડ બનાવવા સહીતનાં વિકાસ કામો જે વર્ષોથી પેન્ડીંગ છે તેના ફાઇલ નંબર સહીતની વિગતો આપી આ વિકાસ કામો પૂર્ણ કરાવવા માંગ ઉઠાવાઇ હતી.

આ રજુઆતમાં વોર્ડ નં.૧૮ના કોર્પોરેટરો (૧) ધર્મિષ્ઠાબા એમ. જાડેજા, જયંતિભાઇ જી. બુટાણી, નિર્મળભાઇ આર. મારૂ, મેનાબેન વી. જાદવ, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઇ રાજપુત વગેરે જોડાયા હતાં. (૭.૪૦)

(3:36 pm IST)