Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

એમબીબીએસમાં એડમિશનના નામે ત્રણ વર્ષ પહેલા ૨૮ લાખની ઠગાઇ કરનાર બે શખ્સને ક્રાઇમ બ્રાંચે પકડ્યા

વડોદરા જેલમાંથી મુળ યુ.પી.ના વિકાસ ઉર્ફ દિલીપસિંહ દિક્ષીત અને હરિયાણાના જીતેન્દ્રસિંહનો કબ્જો મેળવાયોઃ અગાઉ ત્રણ પકાડાયા હતાં

રાજકોટ તા. ૧૫: ત્રણ વર્ષ પહેલા રાજકોટના યુવાન ઉજ્જવલ મનસુખભાઇ મારૂ સહિતની સાથે એમબીબીએસમાં એડમિશન અપાવી દેવાના નામે રૂ. ૨૮ લાખની ઠગાઇ થઇ હતી. જે તે વખતે એટલે તા. ૨૯/૫/૧૫ના રોજ આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પોલીસે ત્રણ એમ.પી.ના શખ્સોને પકડ્યા હતાં. બીજા ચારના નામ ખુલ્યા હતાં. તે પૈકી યુ.પી.ના બે શખ્સોને વડોદરા પોલીસે પકડતાં અને ત્યાંથી જેલહવાલે થતાં બંનેનો રાજકોટ ક્રાઇમ બ્રાંચે વડોદરા જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરવી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પોલીસે વિકાસ ઉર્ફ દિલીપસિંહ હરિઓમ દિક્ષીત (ઉ.૩૦-રહે. માકરાવ જી. હમીરપુરા યુ.પી.) તથા જીતેન્દ્રસિંગ ઉર્ફ અજય રાકેશકુમાર શર્મા (ઉ.૩૫-રહે. કાલુપુર જી . સોનીપત-હરિયાણા)નો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી ધરપકડ કરી છે. આ બંનેને વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ત્યાં નોંધાયેલા રાજકોટ જેવા જ એક ગુનામાં પકડવામાં આવ્યા હતાં. ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ બી. ટી. ગોહિલ અને ટીમે ટ્રાન્સફર વોરન્ટથી બંનેનો કબ્જો મેળવી ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

અગાઉ પકડાયેલા આરોપીઓના કહેવા મુજબ તેઓ છાત્રોના વાલીઓ પાસેથી પૈસા લઇ દિલીપસિંહને આપતા હતાં. દિલીપસિંહે જ અગાઉ પકડાયેલા રજનીશ ઉર્ફ નિતીન અને હાલ પકડયોલા જીતેન્દ્ર ઉર્ફ અજયના નામે ખોટા ઓળખકાર્ડ બનાવી વડોદરા ખાતે સ્વામિનારાયણ એજ્યુકેશન ગાઇડ લાઇન નામથી એમબીબીએસમાં એડમિશન અપાવી દેવાની ઓફિસ ખોલી લાખોની ઠગાઇ કરી હતી. (૧૪.૧૨)

 

(3:32 pm IST)