Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ઓબીસી સમાજને લઘુઉદ્યોગો માટે ૧૦ લાખ સુધીની લોન મળશે

વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ૧૫ લાખ સુધી, પેસેન્જર અને માલવાહક નાના વાહનો માટે પાંચ લાખ સુધીની લોન : ૨૦૩.૭૨ લાખની રીકવરી, ધંધા - રોજગાર માટે રૂ.૮૩ લાખ ૮૮ હજાર મંજૂર કરાવતા નરેન્દ્રભાઈ સોલંકી

રાજકોટ, તા. ૧૪ : બક્ષીપંચ સમાજને ઓબીસી નિગમ દ્વારા વધુમાં વધુ લાભ મળે તેવા નિર્ણયો અંતર્ગત ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની એક બેઠક ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં તેમજ સામાજીક અને ન્યાય વિભાગના અધિકારી સોલંકી, પછાત વર્ગ વિકાસ નિગમના એમ.ડી.અલ્ગોતર, સમાજ કલ્યાણ અધિકારી પટેલ, હિસાબી અધિકારી અમિતા ડગરા, પી.એસ. નિલેશ ચૌહાણની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં માર્ગદર્શન આપતા ચેરમેન નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે જન સંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં છેવાડાના માનવીને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ મળે અને છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે ત્યારે આજના સમયમાં પણ પછાત વર્ગના સર્વાંગી વિકાસ માટે વિવિધ લક્ષી યોજનાઓ થકી ઉત્કર્ષ કરવાની દિશામાં સરકાર અને તેના વિવિધ વિભાગો દ્વારા સંવેદના અને શીઘ્ર નિર્ણાયકતાથી પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓનો લાભ લઈ જીવનમાં પ્રગતિ સાથે એ જરૂરી છે.

તેઓએ વધુમાં જણાવેલ કે ઓબીસી નિગમ દ્વારા ચાલુ વર્ષે ૨૭૧ દિકરા - દિકરીઓને રૂ.૩૯૯.૫૦ લાખ મંજૂર કરેલા ચૂકવવામાં આવ્યા હતા તેમજ લઘુ ઉદ્યોગ માટેના સીધા ધિરાણની લોનના રૂ.૮૩,૮૮,૦૦૦ પણ મંજૂર કરવામાં આવેલ. જેના લાભાર્થીઓ દ્વારા ડોકયુમેન્ટરો પૂરા કરવાથી તુરંત જ આરટીજીએસ દ્વારા તેમના ખાતામાં ચૂકવણું કરવામાં આવશે. તેમજ ઓબીસી સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના પગ પર ઉભા રહેવા માટે નાની - નાની અનેક પ્રકારની લોન આપવામાં આવે છે. જેનો વધારે ને વધારે વ્યાપ થાય અને પુરતા પ્રમાણમાં આ યોજનાનો લોકો લાભ લઈ શકે તે માટેનો ઓબીસી નિગમના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા બહોળા પ્રમાણમાં પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો જે જેઓ પોતે ડ્રાઈવીંગની નોકરીઓ કરી પોતાનું તેમજ કુટુંબનું ભરણપોષણ કરતા હોય છે તેવા લોકોને આવકમાં વધારો થાય અને પોતાની માલિકીની પેસેન્જર વાહન, પોતાની માલિકીની ગાડી ખરીદવા માટે ખૂબ જ ઓછા વ્યાજદરની લોન મળી રહે.

ઈકો ગાડી જે હાલમાં પેસેન્જર ગાડી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તેવી કોઈપણ ગાડીની ખરીદી કરવા માટે ૯૦% સુધીની લોન અથવા તો રૂ.૫,૦૦,૦૦૦ સુધીની લોન બે માંથી જે ઓલી હોય તે ખૂબ જ ઓછા વ્યાજના દરથી નિગમ દ્વારા આપવામાં આવે છે. તેમજ નાના પ્રકારના વાહનો એટલે કે રીક્ષા, અન્ય ફોર વ્હીલર નાના માલ વાહકોની પણ ૯૦% સુધીની અથવા રૂ.૫,૦૦,૦૦૦ સુધીની લોન બેમાંથી જે ઓછુ હોય તેની લોન આપવામાં આવશે.

આ ઉપરાંત નિગમ દ્વારા ધંધા વ્યવસાયની લોનમાં અનાજ દળવાની ઘંટી, અન્ય નાના ધંધાઓ, આરી ભરત, એમ્બ્રોઈડરી, ઝીંગઝાગ મશીન, ઈલે.આઈટમ રીપેરીંગ શોપ, એર કન્ડીશનર,  કુલર, રેફ્રીજરેટર રીપેરીંગ, ઓટોરીક્ષા પેસેન્જર, ઓટો રીપેરીંગ (ટુ-થ્રી વ્હીલર માટે), કોટન સિલ્ક પ્રિન્ટીંગ કામ, ગેસ આર્ક વેલ્ડીંગ, ચાની દુકાન, જનરલ પ્રોવીઝન સ્ટોર, ટ્રાન્સપોર્ટ વ્હીકલ (પેસેન્જર), ડીટીપી યુનિટી, કોમ્પ્યુટર, દરજી કામ, ફર્નીચર સાથે, ઘર વપરાશ વિજળી સાધનોનું વેચાણ, પગરખા વેચાણ, પ્લમ્બર આઈટમ, ફાસ્ટફુડ પાર્લર, બાંધણી ઉદ્યોગ, બેંગલ્સ, લેડીઝ કોસ્મેટીક દુકાન, બેકરી આઈટમ વેચાણ, બેટરી સર્વિસીઝ, બ્યુટી પાર્લર, ભંગારની ખરીદી વેચાણ, મંડપ ડેકોરેશન, મોબાઈલ/ લેપટોપ રીપેરીંગ, રેકઝીન લેધરની આઈટમ વેચાણ, રેડીમેઈડ ગારમેન્ટ શોપ, લુહારી શોપ, લોન્ડ્રી શોપ (શહેરી વિસ્તારા), સાયકલ રીપેરીંગ, સુતરાઉ સિલ્ક વણાટ કામ, સ્પ્રે પેઈન્ટીંગ, હાથ છાપણીકામ, સ્ક્રીન પ્રીન્ટીંગ, હેન્ડીક્રાફટ, હેર કટીંગ સલૂન વગેરે અનેક પ્રકારની લોનો આ નિગમ દ્વારા આપવામાં આવે છે. ઉપરોકત કોઈપણ પ્રકારની યોજનાનો લોનનો લાભ લેવા માટે દરેક જીલ્લાની અંદર સમાજ કલ્યાણ ખાતાની ઓફીસમાંથી ઉપરોકત ધંધાની રોજગારની કોઈપણ પ્રકારની યોજના અથવા તો શિક્ષણ માટેની લોન લેવા માટેના ફોર્મ આપવામાં આવે છે. લોન લેવા ઈચ્છુક વ્યકિત જે તે જિલ્લાની સમાજ કલ્યાણ ખાતાની ઓફીસમાં જઈ ઉપરોકત વિષયનું ફોર્મ લઈ અને ભરી શકે છે. તેમજ જરૂરી ડોકયુમેન્ટ પણ તેમાં જોડવાના રહે છે. ઉપરોકત યોજનાઓ બક્ષીપંચ જાતિઓના લોકો કે જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે અને તેની વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦ની અંદર હોય તેઓને જ આ લોનનો લાભ મળી શકે છે.

ઉપરોકત લોનો ગુજરાત સરકારના ઓબીસી નિગમમાંથી જ મંજૂર કરવામાં આવે છે અને લોન પણ નિગમમાંથી આપવામાં આવે છે. આ ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીએ ઓબીસીના દરેક દિકરા - દિકરીઓ માટેની શિક્ષણની રૂ.૧૫,૦૦,૦૦૦ સુધીની લોન, ઓબીસી સમાજના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે લઘુ ઉદ્યોગો માટે રૂ.૧૦,૦૦,૦૦૦ સુધીની લોન, નિગમની ચાલુ સાલની લાભાર્થીઓને રૂ.૩૯૯.૫૦ લાખનું આરટીજીએસ રૂ.૨૦૩.૭૨ લાખની ચાલુ સાલની વસૂલાત ધંધા - રોજગાર માટે રૂ.૮૩,૮૮,૦૦૦ મંજૂર સહિતની અનેકવિધ ઓબીસી નિગમને લાભકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.(૩૭.૫)

(4:02 pm IST)