Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

કોરોનાના દર્દીને સ્વસ્થ કરવા અસરકારક સાબિત થતી પ્લાઝમા થેરાપી

“કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે રંગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે” : ગૌરવીબેન ધૃવ, ડીનશ્રી, મેડીકલ કોલેજ, રાજકોટ

રાજકોટ,તા.૧૪ ઓગસ્ટ - આપણા વેદ-શાસ્ત્રોમાં કહેવાયું છે કે, પ્રકૃતિ જ તારણહાર અને સંહારક છે. જ્યારે જ્યારે પ્રકૃતિએ સંહારક સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે બીજી તરફ તેણે તેના સૌમ્ય સ્વરૂપ વડે ઘણું સર્જન પણ કર્યું છે. સમગ્ર વિશ્વ હાલમાં જ્યારે કોરોના વાયરસની મહામારીનો ભોગ બની રહ્યું છે ત્યારે, વિશ્વગુરૂ ભારત સહિત અનેક દેશો કોરોના વાયરસનો એન્ટીડોટ(પ્રતિરોધક રસી) શોધી રહ્યા છે. કોઈપણ વાયરસના સ્વરૂપને એન્ટી જન (સંક્રમિત) કહેવામાં આવે છે જ્યારે તેના સંહારકને એન્ટીબોડી(રોગ પ્રતિકાર શક્તિ) કહેવામાં આવે છે. એન્ટી બોડીએ માનવ કે પ્રાણીઓના શરીરની કુદરતે બનાવેલી એક એવી ડિફેન્સ સિસ્ટમ (રક્ષણાત્મક સંરચના) છે જે આપોઆપ જ અપડેટ થતી રહે છે.

રોગ પ્રતિકાર શક્તિનું એક સ્વરૂપ પ્લાઝમા થેરાપી પણ છે. પ્લાઝમા એટલે શું ?  પ્લાઝમા આપણા લોહીનો જ એક ઘટક છે. લોહીમાં શ્વેત રક્તકણ, લાલ રક્તકણ ઉપરાંત ક્રિસ્ટલ ક્લીયર આછા પીળા કલરનું એક પ્રવાહી હોય છે. શરીરમાં કોરોનાના જે વાયરસ દાખલ થાય છે તેને એન્ટીજન (રોગજનક શક્તિ) કહેવામાં આવે છે. માનવ શરીરની રચના જ એવી છે કે તેની વિરૂધ્ધ એન્ટીબોડી (રોગ પ્રતિરોધક) પેદા થાય છે, આ શરીરનું નેચરલ ડીફેન્સ મિકેનિઝમ છે. આ એન્ટીબોડી પ્લાઝમાની અંદર રહેલા છે. એટલા માટે થઈને કોરોના પોઝીટીવ પેશન્ટ જેને કોરોનાનું ઈન્ફેક્શન થઈ ગયું છે તેના શરીરમાં એન્ટીબોડીઝ (રોગ પ્રતિરોધક) પેદા થાય છે. એકવાર કોરોના સંક્રમિત થયેલા દર્દીના પ્લાઝમા લઈને અન્ય પેશન્ટને આપવામાં આવતું હોય છે. જે દર્દીને પ્લાઝમાં આપવામાં આવે છે તેના શરીરમાં વાયરસના સંક્રમણને ઘટાડીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ પ્રકારે રોગ પ્રતીકારક શક્તિમાં વધારો થતા દર્દીની તબિયતમાં ઝડપથી સુધારો થાય છે.

થોડા સમય પહેલા શરૂ થયેલી પ્લાઝમા લેબોરેટરીનું સંપૂર્ણ સંચાલન મેડીકલ કોલેજના ડિન શ્રી ગૌરવીબેન ધૃવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. પ્લાઝમાં ડોનેશન અંગે ડો. ધૃવે જણાવ્યું હતું કે, ઓટોમેટિક એફેરેસિસ મશીનની મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓના શરીરમાંથી એક વારમાં ૫૦૦ મિલી પ્લાઝમા લેવામાં આવે છે. પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમની ઉમર ૧૮ થી ૬૦ વર્ષની વચ્ચે હોય, જેમનું વજન ૫૫ કિલો કે તેથી વધારે હોય તેમજ જેણે થોડા સમય પહેલા જ કોવીડ-૧૯ની સંક્રમિત થયા બાદ સારવાર લઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થયાના ૨૮-૩૦ દિવસ પછી ડોનેટ કરી શકે છે. જે રીતે લોહીના વિવિધ ગૃપ હોય છે અને તેને મેચિંગ થાય તેવુ જ લોહી ચડાવવામાં આવે છે તેમજ પ્લાઝમામાં પણ ચોક્કસ બ્લડગૃપ અનુસાર જ પ્લાઝમાં આપવામાં આવે છે. તેમને કોઈ લાંબા ગાળાની ગંભીર બીમારીઓ જેવીક બ્લડપ્રેસર, હાઈપર ટેન્શન જેવા રોગો ન હોવા જોઈએ. લોહી ચડાવતા પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવે છે તેટલા જ ટેસ્ટ પ્લાઝમા ચડાવતા પહેલા કરવામાં આવે છે. જેમકે એચ.આઈ.વી(HIV), એચ.બી.એસ.એ.જી (Hepatitis B Surface AntiGen), મલેરીયા, સી.બી.સી(complete blood count –CBC), એન્ટીબોડી – કોવિડ -૧૯ ટેસ્ટ, (VDRL ટેસ્ટ - Venereal disease research laboratory test) પ્રાણીજન્ય રોગનું પણ પરીક્ષણ કરવામાં આવે છે. જેથી જાણી શકાય કે ડોનરના શરીરમાં કોરોનાનું એન્ટીબોડી છે કે કેમ ? જેમને ડાયાબિટીસ, હદયરોગ કે અન્ય ગંભીર બીમારી ન હોય તેવા વ્યકિતઓ પ્લાઝમા ડોનેટ કરી શકે છે.          સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે. કોરોનાના દર્દીને પ્લાઝમા આપવાથી કોરોના સંક્રમિત દર્દીની સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને Gujarat State  Aids Control Society  ની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે.

એન્ટી બોડી ટેસ્ટ કરવામાં ખાસ તકેદારી રાખવી પડતી હોય છે. કોરોનામાંથી પ્લાઝમાની મદદ થકી સાજા થવાના અંગે ઘણા રિસર્ચ ચાલી રહ્યા છે. પ્લાઝમાં મેળવનાર અમુક દર્દીઓના શરીરમાં ખુબ જ ઝડપથી સકારાત્મક અસર બતાવે છે જ્યારે અમુક દર્દીના શરીરમાં લાંબા સમયે અસર બતાવે છે.

પ્લાઝમા ડોનેટ કરવાની પધ્ધતિ અંગે વાત કરતા ડો. ગૌરવીબેન ધૃવે અપીલ કરતા ક્હયુ કે,પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયા રક્તદાન જેવી જ હોય છે, બીલકુલ દર્દ રહિત અને એકદમ સરળ. પ્લાઝમા ડોનેશન માટે અંદાજીત ૧ થી ૧.૩૦ કલાકનો સમય જોઈએ છે, જે સંપૂર્ણ સુરક્ષિત છે, આ પ્રક્રિયા માટે સાધનોની સિંગલ યુઝ જંતુ’ કીટનો ઉપયોગ થાય છે. પ્લાઝમાં ડોનેટ કરવાના કારણે કોઈપણ જાતની શારિરીક નબળાઈ કે કમજોરી આવતી નથી. હાલના સમયમાં કોઈપણ દર્દીની સારવાર માટે ડોક્ટર બનવુ જરૂરી નથી,પ્લાઝમા ડોનેટ કરીને કોઈને પણ સાજા થવામાં મદદરૂપ કરી શકાય છે. માટે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે રંગીલા રાજકોટવાસીઓ પ્લાઝમા દાન કરવા આગળ આવે.

રાજકોટની સિવીલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા થેરાપીની સારવાર લેનાર ૭૦ વર્ષીય હંસાબહેનના ભત્રીજા કશ્યપભાઈ કોટક જણાવે છે કે, મારા ફઈબાએ તાજેતરમાં જ સિવીલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા થેરાપીની સારવાર લીધી છે. આ સારવાર બાદ તેમની તબિયતમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. આ સારવાર તેમના માટે ખુબ જ ઉપયોગી સારવાર થઈ છે. સિવીલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે તેમની ખુબ જ કાળજી લીધી છે. પ્લાઝમા ડોનેટ કરવામાં કે તેની થેરાપી થી કે પ્લાઝમા લેવાથી ડરવાની જરૂર નથી, જ્યાં સુધી કોરોનાની વેક્સિન ના મળે ત્યાં સુધી આ શ્રેષ્ઠ પધ્ધતી છે.

રાજકોટના હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં ૫૬ દિવસ સુધી ખડેપગે કાર્યરત જસદણ તાલુકાના વડોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આંબરડી સબ સેન્ટરમાં ફરજ બજવતાં જાવેદભાઈ પઠાણે હાલમાંજ પ્લાઝમાં ડોનેટ કર્યું છે. તેઓ જણાવે છે કે, કરોના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ પ્લાઝમા ડોનેટ કરવાથી ગભરાવાની જરૂર નથી. પ્લાઝમા ડોનેશનના કારણે શરીરમાં કોઈપણ જાતની શારિરીક નબળાઈ કે કમજોરી આવતી નથી. આપણે આસાનીથી આપણી રોજીંદી જીંદગીમાં કાર્ય કરી શકીએ છીએ. હાલના સમયમાં આપણે આગળ આવીએ દેશ અને સમાજને સુરક્ષીત બનાવવા પુરતા પ્રમાણમાં પ્લાઝમા ડોનેશન કરીએ.

આમ, સમાજને સુરક્ષિત કરવા પ્લાઝમા ડોનેટ કરી રક્ષક બનતા કોરોનાને હરાવનાર દર્દીઓ ખરા અર્થમાં કોરોના વોરીયર્સ બની રહ્યા છે.

(11:15 am IST)