Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કોરોના વોરિયર માતા-પિતાની દિકરી મૈત્રીએ ધો. ૧૦માં મેળવ્યા ૯૧ ટકા

ગણિતમાં મેળવ્યા ૧૦૦માંથી ૧૦૦

રાજકોટ ,તા. ૧પ :  ધોરણ-૧૦ના આજે જાહેર થયેલા પરિણામમાં રાજકોટની કેન્દ્રીય વિઘાલયમાં અભ્યાસ કરતી કોરોના વોરિયર માતા-પિતાની દિકરીએ ૯૧ટકા મેળવ્યા છે. એટલું જ નહીં મેથ્સમાં તો તેણીએ એકપણ માકર્સ ગુમાવ્યાં વિના પુરા ૧૦૦ માકર્સ મેળવી પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

મૈત્રી પરીખે પોતાની આ સિદ્ઘિનો શ્રેય શાળાના શિક્ષકો અને માતા-પિતાને આપતા જણાવ્યું હતું કે, અમારા શિક્ષકો દ્વારા નાનામાં નાની બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવતું હતું. સાથે જ કોઈપણ કવેરીનાં ઉકેલ માટે શિક્ષકો દ્વારા ફોન પર પણ જરૂરી માહિતી મળી રહેતી હતી. અને હું પણ દરરોજના ૮ કલાકથી વધુ વાંચન કરતી હતી. જેમાં મારા માતા-પિતાનો પણ પૂરતો સહયોગ મળ્યો હતો. જેને પગલે આ સફળતા મળી છે. આવનારા સમયમાં તેણીએ આઇએએસ બનવાની ઈચ્છા પણ વ્યકત કરી છે.

મૈત્રીનાં પિતા પત્રકાર છે. જયારે માતા ભાવિતાબેન સરકારી હોસ્પિટલનાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવે છે. તેમણે કહ્યું કે, મૈત્રીને નાનપણથી જ ભણવાનો ખૂબ શોખ છે. અને પોતાના અભ્યાસને લઈને તે પહેલેથી જ સજાગ છે. ૧૦મું ધોરણ શરૂ થતાની સાથે જ તેણે સવારે ૪ વાગ્યે ઉઠીને વાંચવાનું શરૂ કર્યું હતું. અને આ ક્રમ તેણે છેલ્લે સુધી જાળવી રાખ્યો હતો. જેમાં તેના શિક્ષકોના જરૂરી સહયોગથી સફળતાનું આ શિખર સર કરવામાં તેને મોટી મદદ મળી છે.

(4:16 pm IST)