Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

વાવડી-મવડીમાં ૩૩૦૦ ફલેટની પી.એમ. આવાસ યોજના

કાલે સ્ટેન્ડીંગ કમીટીઃ ૩ર દરખાસ્તોનો થશે નિર્ણય : ૧,૧ાા બીએચકે એમ બે કેટેગરીમાં ૩ થી પ.પ૦ લાખના ફલેટ અપાશેઃ ૩૦ થી ૪૦ ચો.મી.નો કારપેટઃ ર૮૭ કરોડનાં પ્રોજેકટના કોન્ટ્રાકટ મંજુરી માટે સ્ટેન્ડીંગમાં દરખાસ્તઃ સાંઢીયા પુલનું સ્ટ્રકચર ઓડીટ, અર્બન ફોરેસ્ટમાં પાણીના ટાંકા, વિજય પ્લોટમાં આરોગ્ય કેન્દ્રનું નવુ બિલ્ડીંગ, ઇન્દીરા સર્કલે મોર્ડન ટોઇલેટ સહીતની દરખાસ્તો

રાજકોટ તા. ૧પ :.. શહેરમાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરનાં વાવડી અને મવડી વિસ્તારોમાં ૩૩ર૪  જેટલા ફલેટની ટાઉનશીપ બનાવવાની કુલ ર૮૭ કરોડની યોજનાના કોન્ટ્રાકટ મંજૂર કરવા આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત છે.

આ દરખાસ્ત મુજબ ૩૦ થી ૬૦ ચો. મી.નો કારપેટ ધરાવતા ૧, ૧ાા, ર અને ૩ બીએચકે એમ ચાર કેટેગરીનાં ફલેટની ટાઉનશીપ બનાવાશે.

જેમાં મવડીમાં  ફ્રેન્ડસ હાઇટ સામે કણકોટ રોડ ખાતે ૧ બીએચકેના ૧૮૦, તેમજ રર૦ ફલેટ બનાવશે. જયારે મવડી મુકિતધામ સામે ૮૦ ફુટ રોડ ઉપર ૧ાા બીએચકેનાં ર૦૦ અને ૪ર૦ એ મુજબ કુલ ૧૦ર૦ ફલેટ બનાવાશે. આ યોજનાનો કોન્ટ્રાકટ મુળ ૯૮ કરોડનાં એસ્ટીમેન્ટનાં ૯.૧૦ ટકા ઓછા ભાવે વિનય ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી. રાજકોટને ૮૯ કરોડમાં આપવા દરખાસ્ત છે.

જયારે વાવડીમાં તપન હાઇટસ રોડ ઉપર ૧ બીએચકેના ૧ર૪૮ અને ૧ાા બીએચકેના ૬ર૪ અને પાળ રોડ પર ૧ાા બીએચકેના ૪૩ર એમ આ તમામ મળી ર૩૦૪ ફલેટની ટાઉનશીપ બનશે. જેનો કોન્ટ્રાકટ ૧૯૪ કરોડનાં એસ્ટીમેન્ટથી ર.પ૦ ટકા ઓછા ભાવે ૧૮૯ કરોડમાં શાંતિ કન્સ્ટ્રકશન   કાું. જામનગરને  આપવા દરખાસ્ત છે.

આ  ઉપરાંત આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં ર૮.૮૯ર કરોડની સ્વર્ણીમ ગ્રાન્ટની વિગતોને બહાલી અપાશે.

તેમજ ઇન્દીરા  સર્કલ બ્રીજ નીચે ૧૮.૭પ લાખનાં ખર્ચે મોર્ડન ટોઇલેટ બનાવવા, વિજયપ્લોટ શેરી નં. ૧ર માં આરોગ્ય કેન્દ્રનું  જુનુ બિલ્ડીંગ તોડી પાડી ૧.૬ કરોડનાં ખર્ચે નવુ બિલ્ડીંગ બનાવવા તેમજ આજી ડેમ અર્બન ફોરેસ્ટમાં ર લાખ લીટરનો પાણીનો ટાંકો બનાવવા, અને જામનગર હાઇવે પર વોંકળાવાળા પુલનુ સ્ટ્રકચર ઓડીટ કરાવવા સહિત ૩ર દરખાસ્તોને ચેરમેન ઉદય કાનગડનાં અધ્યક્ષ સ્થાને મળનારી સ્ટેન્ડીંગ કમીટીમાં લીલી ઝંડી અપાશે.

લોકડાઉન ઇફેકટઃ કોર્પોરેશનનાં કામોના નીચા ભાવ આવવા લાગ્યા

રાજકોટઃ સામાન્ય રીતે મ્યુ. કોર્પોરેશનનાં કોન્ટ્રાકટરે ઉંચા ભાવે જ મંજુર થતા હોય છે. પરંતુ આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં ર૦૦ થી ૩૦૦ કરોડના કામોના કોન્ટ્રાકટમાં નીચા ભાવો આવતા નવો અપવાદ સર્જાયો છે. આવાસ યોજનાનાં કોન્ટ્રાકટમાં ર થી ૯ ટકા નીચા ભાવો આવ્યા છે. આ ઉપરાંત અન્ય બાંધકામ કોન્ટ્રાકટોમાં પણ નીચા ભાવો આવ્યા છે. આમ લોકડાઉનની મંદીને કારણે કોન્ટ્રાકટરો નીચા ભાવે પણ કામ રાખવા તૈયાર થઇ જતા હોવાનો ટ્રેન્ડ જોવા મળી રહયો છે.

(3:13 pm IST)