Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

શ્રી પંચનાથ હોસ્પિટલમાં લોકડાઉન બાદ રાહત દરે થતા આંખના મોતિયાના ઓપરેશનની સંખ્યામાં વધારો

પરિવારજનોની પુણ્યતિથિ, જન્મદિન અથવા તો લગ્નતિથિ નિમિતે અનુદાન થકી જરૂરતમંદોને આંખના મોતિયાના ઓપરેશન કરાવી આપીને પુણ્યનું ભાથું બાંધવાનો પવિત્ર અવસર બનાવો : ડી.એચ.કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ- સાહિત્યકાર સ્વ.ઉપેન્દ્રભાઈ પંડયાના પુત્ર સ્વ.સુહાસ પંડયાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે પંડયા પરિવાર દ્વારા નિઃશુલ્ક આંખના ઓપરેશનો કરાવાયા

રાજકોટઃ શહેરના મધ્યમાં આવેલ અતિ પ્રાચીન શ્રી પંચનાથ મહાદેવ મંદિરની પવિત્ર ભૂમિ પર તા.૦૨/૦૩/૨૦૦૩ એટલે કે છેલ્લા ૧૭ વર્ષથી શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા રાહત દરે નિદાન કેન્દ્ર ચાલી રહેલ હોવાનું જણાવાયું છે.

હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા અત્યંત નજીવા દરે નિષ્ણાંત ડોકટર્સ દ્વારા થતા આંખના મોતિયાના ઓપરેશનમાં પ્રખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીના ફોલ્ડેબલ લેન્સ બેસાડી આપવામાં આવે છે.

આ આંખના ઓપરેશન થિયેટરને સંપૂર્ણ વાતાનુકુલિતની સાથે બેકટેરિયા રહિત બનાવવામાં આવેલ છે અને તેની તમામ જરૂરી મશીનરી જાણીતા દાતા શ્રી મનુભાઈ ધાંધા પરિવાર (રાજકોટ) તરફથી અનુદાનમાં આપવામાં આવેલ છે. જયારે ફ્રેકો મશીન હંમેશા સેવાના કાર્યને વરેલા રોટરી કલબ ઓફ રાજકોટના નામાંકિત આગેવાનો દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.

 હોસ્પિટલ દ્વારા ચાલતા આંખના ઓ.પી.ડી. વિભાગમાં થતા પરીક્ષણો જેવાકે   આંખના નંબર, પ્રેશર, પડદા, જામર તેમજ વેલની તપાસ માત્ર રૂ/- ૫૦માં કરી આપવામાં આવે છે. છેલ્લા ૧ વર્ષમાં ૫૨૧૯ દર્દીઓને સચોટ રીતે તપાસીને સંતોષકારક નિદાન કરવામાં આવેલ છે.

આંખના મોતિયાના ઓપરેશન ડો. સુકેતુ ભપલ દ્વારા કરવામાં આવે છે કે જેઓ એમ.એસ. ઓપ્થેલની ડિગ્રી ૨૦૧૧માં એમ એન્ડ જે વેસ્ટર્ન રીજીયોનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થલ્મોલોજી (અમદાવાદ) ખાતેથી મેળવેલ છે. સાથો સાથ તેમને દક્ષિણ ભારત સ્થિત તામિલનાડુમાં ચેન્નાઇ ખાતે આવેલ જગતવિખ્યાત નેત્ર મંદિરમાં અભ્યાસ કરીને ફેંકો ફેલોશીપની ઉપાધિ મેળવિાની સાથે ૯ વર્ષનો અનુભવ ધરાવતા હોવાથી નિષ્ણાંત આંખના સર્જન તરીકે નામના પ્રાપ્ત કરેલ છે. તેમજ તેમની કારકિર્દી દરમ્યાન કુલ ૭૨૨૩ અને પંચનાથ હોસ્પિટલમાં ૨૭ મોતિયાના ઓપરેશન કરવામાં સફળ રહ્યા છે.

આવી સેવાકીય પ્રવૃતિને વેગ આપવા માટે રાજકોટ શહેરની પ્રાચીન ધર્મેન્દ્રસિંહજી કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને સાહિત્યકાર સ્વર્ગસ્થ શ્રી ઉપેન્દ્રભાઈ પંડયાના સુપુત્ર સ્વર્ગસ્થ શ્રી સુહાસભાઈ પંડયાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે પંડયા પરિવાર દ્વારા ૯ વ્યકિતઓની આંખની રોશની ઓછી થઈ ગયેલ અથવા તો ધીમે ધીમે ઓછી થઈ રહી હતી તેવા કપરા સંજોગોમાં આવી વ્યકિતઓના તારણહાર બનીને જે નિઃશુલ્ક આંખના મોતિયાના ઓપરેશન આપતાની સાથે તેઓના શેષ જીવનમાં ઓજસ પાથરીને સ્વર્ગસ્થશ્રી ઉપેન્દ્રભાઈ પંડયાનો પરિવાર દેવાધિદેવ મહાદેવના આર્શીવાદ મેળવવામાં સફળ રહયો છે.

પરિવારજનોની પુણ્યતિથિ,જન્મદિન અથવા લગ્ન તિથી નિમિતે શ્રી પંચનાથ હોસ્પિટલમાં જે દાતા દ્વારા રૂપિયા ૧૧૦૦૦માં ૨, ૨૫૦૦૦ માં ૪ અથવા તો ૫૧૦૦૦ નું અનુદાન આપવામાં આવે તો ૯ જરૂરિયાત વ્યકિતઓના ઓપરેશન કરાવી આપવામાં આવશે. તેવું હોસ્પિટલના યુવા પ્રમુખશ્રી દેવાંગ માંકડ દ્વારા અખબારી યાદીમાં જણાવે છે.

આવા ભગીરથ તબીબી ક્ષેત્રના સેવાકીય યજ્ઞમાં સાચા અર્થમાં સાથ, સમય અને સમર્પણની આહુતિ આપનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી શ્રી તનસુખભાઈ ઓઝા, કોષાધ્યક્ષશ્રી ડી. વી. મહેતા,  ટ્રસ્ટીશ્રીઓ મયુરભાઈ શાહ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ પાઠક, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઇ લાલકિયા, ડો.લલિતભાઈ ત્રિવેદી, મનુભાઈ પટેલ જેવા નામાંકિત આગેવાનો રંગીલા રાજકોટની પ્રજાને જેમ બને તેમ ઝડપથી અદ્યતન મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ અર્પણ કરવા માટે સતત કાર્યરત છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી પંકજભાઈ ચગ (૯૮૭૯૫ ૭૦૮૭૮), શ્રીમતી ધૃતિબેન ધડૂકનો (હોસ્પિટલ પર) અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઈન નંબર ૦૨૮૧-૨૨૩૧૨૧૫ / ૦૨૮૧-૨૨૨૩૨૪૯ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

(2:56 pm IST)