Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મેઇન્ટેનન્સના પૈસા નહિ દે તો ટાંટીયા ભાંગીને હાથમાં આપી દઇશઃ સુથાર વૃધ્ધને મળી ધમકી

ગીતાનગરમાં રહેતાં અરવિંદભાઇ સુથારને મનહરપ્લોટમાં રહેતાં અશોક સિંધવે દૂકાને જઇ ધમકી દીધાની ભકિતનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૫: ગીતાનગરમાં રહેતાં સુથાર વૃધ્ધે મનહરપ્લોટમાં વેંચી દીધેલા ફલેટના મેઇન્ટેનન્સના પૈસા માંગી વૃધ્ધની અટીકામાં આવેલી દૂકાને જઇ એક શખ્સે ટાંટીયા ભાંગીને હાથમાં આપી દેવાની ધમકી આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ બનાવમાં ભકિતનગર પોલીસે ઢેબર રોડ ગુરૂકુળ સામે ગીતાનગર-૪ શ્રીજી હાઇટ્સ ફલેટ નં. ૧૦૨માં રહેતાં અને અટીકા રોડ પર ધર્મેશ વૂડ નામે લાકડા છોલવાની દૂકાનમાં બેસી ગુજરાન ચલાવતાં અરવિંદભાઇ જમનાદાસ પંચાસરા (ઉ.૬૫) નામના સુથાર વૃધ્ધની ફરિયાદ પરથી મનહર પ્લોટ-૦૭ શ્રી હરિ એપાર્ટમેન્ટમાં રહેતાં અશોક ડાયાભાઇ સિંધવ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

અરવિંદભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે મનહરપ્લોટ-૦૭માં શ્રી હરિ એપાર્ટમેન્ટમાં ફલેટ હતો. આ એપાર્ટમેન્ટમાં રહેતાં અશોકભાઇ સિંધવને મેં આ ફલેટ વેંચાણથી આપી દીધો છે અને અમારે હિસાબ પણ પુરો થઇ ગયો છે. ગઇ છઠ્ઠી તારીખે સાંજે હું મારી દૂકાને હતો ત્યારે અશોક સિંધ આવેલ અને કહેલું કે તમારે તમાર ફલેટના મેઇન્ટેનન્સના રૂપિયા આપવાના બાકી છે. આથી મેં તેને કહેલ કે ફલેટ્સ બધા તમારી માલિકીના છે. તમે મારા ફલેટમાં ઘણા સમયથી રહ્યા છો, તેનો વપરાશ પણ કર્યો છે. મેં તેના ભાડા પેટે પૈસા લીધા નથી. એટલે હવે મારે મેઇન્ટેનન્સ આપવાનું રહેતું નથી. તેમ કહેતાં તે ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો દઇ પૈસા તો તારે આપવા જ પડશે, નહિ આપ તો તારા ટાંટીયા ભાંગીને હાથમાં આપી દઇશ...તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી અને ભાગી ગયો હતો.

જે તે વખતે મારે ફરિયાદ કરવી નહોતી. પણ હવે લેખિતમાં ફરિયાદ કરી છે. તેમ વધુમાં વૃધ્ધે જણાવતાં એએસઆઇ સુભાષભાઇ વી. ડાંગરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:15 pm IST)