Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

૫ જિલ્લામાં રેશનકાર્ડ અને જનસેવા કેન્દ્ર બંધ

કોરોના પૂરઝડપે દોડવા લાગતા મોરબી-જામનગર-સુરેન્દ્રનગર-ભાવનગર-જુનાગઢ સહિત

રાજકોટ તા. ૧૫ : કોરોનાના કેસો રાજકોટ સહિત દરેક જિલ્લામાં બેફામ વધતા જાય છે, લોકોમાં પણ ભય છે, દરેક તંત્ર ચિંતાતુર છે અને દરેક સરકારી કચેરીનો સ્ટાફ પણ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યો છે.

દરમિયાન જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર અને ગઇકાલે મોરબી કલેકટરે મહત્વનું જાહેરનામુ બહાર પાડી પબ્લીક ડીલીંગવાળા અને રોજેરોજ જ્યાં ટોળા થતા હોય એવી બ્રાંચો ૩૧ જુલાઇ સુધી બંધ કરી દેવાનો આદેશ કર્યો છે.

ઉપરોકત મોરબી કલેકટરે ગઇકાલે આદેશો બહાર પાડી ૩૧ જુલાઇ સુધી પૂરવઠાની રાશનકાર્ડ કામગીરી અને જનસેવા કેન્દ્રોમાં આવકના દાખલા - જાતિના દાખલાની કામગીરી ૩૧ જૂલાઇ સુધી બંધ રહેશે એવું જાહેરનામુ બહાર પાડયું છે.

જ્યારે જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર કલેકટરો દ્વારા ૮ દિ' પહેલા જાહેરનામુ બહાર પાડી ૧૨ થી ૧૫ દિવસ ઉપરોકત તમામ કામગીરી બંધ રહેશે તેવા આદેશો કર્યા હતા. દરમિયાન રાજકોટ પુરવઠાની તમામ ઝોનલ કચેરીમાં અને જનસેવા કેન્દ્રોમાં રોજેરોજ થોકબંધ લોકો વિવિધ કામગીરી અર્થે આવતા હોય છે, અને રાજકોટમાં કાળમુખો કોરોના કૂદકે ભૂસકે વધી રહયો હોય તાકિદે આવી કામગીરી બંધ કરવા સ્ટાફની માંગણીઓ ઉઠી છે.

અમુક સ્ટાફે જણાવેલ કે, ડીએસઓ શ્રી પૂજા બાવડા આ બાબતે કલેકટરનું ધ્યાન દોરે અને કલેકટર આ બાબતે તાકિદે નિર્ણય લ્યે તે જરૂરી બની ગયું છે.

દરમિયાન અન્ય એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અન્ય જિલ્લાના કલેકટરો દ્વારા બહાર પડાયેલ જાહેરનામા અંગે વિગતો જોયા બાદ રાજકોટમાં પણ નિર્ણય લેવાશે.

(2:51 pm IST)