Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

આ તે શૌચાલય કે માદક દ્રવ્ય વિતરણ કેન્દ્ર?: એસઓજીએ ગાંજા સાથે બે શખ્સને દબોચ્યાઃ પગેરૂ જંગલેશ્વર તરફ?

રામનાથપરાનો મોહસીન ઉર્ફ જાડો અગાઉ વાહન ચોરીમાં પકડાયો'તોઃ હવે ગાંજો વેંચવા માંડ્યોઃ તે પડીકીઓ લાવી શૌચાલય સંભાળતા સાતુદડના બિપીન કોળીને આપતોઃ બિપીનને રોજનું ૩૦૦ મહેનતાણું મળતું : પીઆઇ આર. વાય. રાવલની પાક્કી બાતમી પરથી કાર્યવાહી : 'પીપી' અને 'છી' કરવા આવતાં પરપ્રાંતિય મજૂરો જ મોટા ભાગના ગ્રાહકોઃ અમુક તો માત્ર પડીકી લેવા જ આવતાં

રાજકોટ તા. ૧૫: શહેરમાં દારૂના દૂષણ પછી માદક દ્રવ્યોનું દૂષણ પણ ફુલીફાલી રહ્યું હોઇ એસઓજીની ટીમ સતત આ દૂષણને ડામવા પ્રયત્નો કરતી રહે છે અને સમયાંતરે ગાંજા, બ્રાઉન સ્યુગર સહિતના માદક પદાર્થો સાથે શખ્સોને પકડતી રહે છે. છેલ્લે ગાંધીગ્રામના વણિક વૃધ્ધ અને ત્રણ કોલેજીયન છાત્રોને ગાંજા સાથે પકડી લઇ છાત્રોને ગાંજાના રવાડે ચડાવવાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ત્યાં હવે રામનાથપરા ગરૂડ ગરબી ચોક પાસે આવેલા જાહેર શૌચાલયમાં દરોડો પાડી શૌચાલય સંભાળતા મુળ જામકંડોરણાના સાતુદડ વાવડીના બિપીન કાકુભાઇ ચંદવાણીયા (કોળી) (ઉ.૫૨) તથા રામનાથપરા ગરૂડ ગરબી ચોક શેરી નં. ૨માં રહેતાં મોહસીન ઉર્ફ જાડો સુલેમાનભાઇ બુધીયા (ઉ.૩૪)ને ગાંજાની પડીકીઓ સાથે પકડી લીધા છે. ત્રણેક મહિનાથી આ બંને શૌચાલયમાંથી જ પડીકીઓનું વેંચાણ કરતાં હતાં. આ બંને પાસેથી પકડાયેલા ગાંજાનું પગેરૂ જંગલેશ્વર તરફ નીકળવાની શકયતા જણાઇ રહી છે.

એસઓજી પીઆઇ આર. વાય. રાવલને પાક્કી બાતમી મળી હતી કે ગરૂડ ગરબી ચોકના જાહેર શૌચાલયમાં માદક દ્રવ્યનું વેંચાણ થાય છે. આ માહિતીને આધારે તેમણે સ્ટાફના હેડકોન્સ. મોહિતસિંહ બનુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કોન્સ. ગિરીરાજસિંહ નિર્મળસિંહ ઝાલા, કોન્સ. ગિરીરાજસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખી રામનાથપરા સ્મશાનથી પાંજરાપોળ તરફ આવતાં પુલની સામેની સાઇડમાં આવેલા જાહેર શૌચાલયમાં પહોંચી તપાસ કરતાં બાતમી મુજબનો જાડો શખ્સ કબુતરી પેન્ટ અને પાંદડા ડિઝાઇનનો શર્ટ પહેરેલો મળી આવ્યો હતો. બીજો શખ્સ કાળુ ટ્રેક પેન્ટ અને કાબરચીતરો આખી બાંહનો શર્ટ પહેરેલો મળ્યો હતો.

પુછતાછમાં કબુતરી પેન્ટવાળાએ પોતાનું નામ મોહસીન ઉર્ફ જાડો અને બીજાએ બિપીન કોળી કહ્યું હતું. બિપીન શૌચાયલમાં જ રહી નોકરી કરતો હોવાનું અને મોહસીને પોતે નજીકમાં ગરૂડ ગરબી ચોકમાં રહી રિક્ષા ફેરવતો હોવાનું કહ્યું હતું. પોલીસે પંચોની હાજરીમાં તપાસ શરૂ કરી હતી. જેમાં બિપીન કોળીની અંગજડતી કરતાં તેણે પહેરેલા ટ્રેક પેન્ટના જમણા ખિસ્સામાંથી રોકડ મળી હતી તેમજ તેના જમણા હાથમાં રહેલા પ્લાસ્ટીકના ઝબલામાંથી નાની નાની ૨૦ પડીકીઓ મળી આવી હતી. જેમાં અંદર અર્ધા સુકાયેલા પાંદડા, ડાળખાનો ભાગ હતો. એ પછી મોહસીન ઉર્ફ જાડાની અંગજડતી કરતાં તેણે પહેરેલા પેન્ટના પાછળના ખિસ્સામાંથી રોકડ તથા તેના જમણા હાથમાં રહેલા પ્લાસ્ટીકના અપારદર્શન ઝબલામાંથી નાની-નાની ગાંજાની પડકીઓ મળી હતી. જે ગણી જોતાં ૭૫ થઇ હતી. પડીકીમાંથી મળેલો પદાર્થ ગાંજો હોવાનું ફોરેન્સિક અધિકારીએ સ્પષ્ટ કર્યા બાદ કુલ રૂ. ૧૫૮૧.૬નો ૨૬૩.૬ ગ્રામ ગાંજો કબ્જે કરી એનડીપીએસ એકટ હેઠળ બંને સામે એ-ડિવીઝનમાં ગુનો નોંધાવી ત્યાં સોંપી દેવાયા હતાં.

પ્રાથમિક પુછતાછમાં મોહસીને રટણ કર્યુ હતું કે પોતાની માને ગંભીર બિમારી હોઇ દવાનો ખર્ચ કાઢવા પોતે આ રવાડે ચડ્યો હતો. શૌચાલયમાં સોની બજારના મજૂરો આવતાં હોઇ અને એમાંના ઘણાખરા ગાંજાની ફૂંક મારતાં હોઇ આવા મજૂરોને શૌચાલયમાંથી જ પડીકીઓ વેંચી શકાય અને બેઠી આવક થઇ જાય તેવી વાત તેણે શૌચાલય સંભાળતા બિપીનને જણાવી હતી અને રોજના રૂ. ૩૦૦ પોતે ચુકવશે તેવી ખાત્રી મોહસીને આપતાં બિપીન પડીકીઓ વેંચવા તૈયાર થઇ ગયો હતો. ત્રણેક મહિનાથી બંને આ રીતે પડીકીઓ વેંચતા હોવાનું રટણ કર્યુ હતું. પડીકીઓ જંગલેશ્વર તરફથી મોહસીન લાવે છે કે બીજા કોઇ પાસેથી? તે અંગે તપાસ થઇ રહી છે.

આગળની તપાસ પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા સહિતનો સ્ટાફ કરી રહ્યો છે.

(1:17 pm IST)