Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કાગદડી આશ્રમના મહંતના મોતના બનાવમાં પાંચ આરોપીઓને શોધવા ચાર ટીમોની દોડધામ

રાજકોટ તા. ૧૫: મોરબી રોડ પર આવેલા કાગદડીના શ્રીખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુને મરી જવા મજબૂર કરવાના ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓના નામ જોગ ગુનો દાખલ થયો હતો. પોલીસ તપાસ આગળ વધતાં આશ્રમના ટ્રસ્ટી એવા એક વકિલ અને એક ડોકટરના નામો પણ સામે આવતાં હવે પાંચ આરોપીઓને શોધવા માટે ચાર ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.

મહંતના ભત્રીજા કોડીનારના પેઢાવાડાના અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી અને તેના બનેવી વેરાવળના પ્રશ્નાવાડાના હિતેષ લક્ષમણભાઇ જાદવ તથાસેવક ગાંધીગ્રામના વિક્રમ દેવજીભાઇ સોહલા વિરૂધ્ધ અગાઉ આશ્રમના ટ્રસ્ટી રામજીભાઇ જેશાભાઇ લીંબાસીયાની ફરિયાદ પરથી મહંતને બે યુવતિ સાથેની છ વિડીયો કલીપને આધારે હેરાન પરેશાન કરવામાં આવતાં હોઇ તેઓ આપઘાત કરવા માટે મજબૂર થયાનો ગુનો નોંધ્યો હતો. તપાસ આગળ વધતાં આ બનાવમાં ડોકટર અને ટ્રસ્ટી વકિલની સંડોવણી પણ સામે આવતાં વધારાની કલમોનો ઉમેરો કરાયો છે.

પોલીસે આરોપીઓ અલ્પેશ અને હિતેષના વાહનો, હિટાચી પણ કબ્જે કર્યા છે. કોણે કેવો ભાગ ભજવ્યો તેનો ખુલાસો ગઇકાલે ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણાએ કર્યો હતો. હવે પોલીસની ચાર ટીમો પાંચ આરોપીઓને શોધવા દોડધામ કરી રહી છે.

(3:27 pm IST)