Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

BSNLના ઓરીજનલની જગ્યાએ બીજુ સીમકાર્ડ કઢાવવાનો ચાર્જ ૫૦ને બદલે ૭૦ રૂ. વસુલાતા પ્રચંડ રોષ

રાજકોટમાં રાષ્ટ્રીયશાળા પાસે - જ્યુબેલી - રૈયા રોડ ટેલીફોન એક્ષચેન્જ ખાતે ગ્રાહકોને ભારે કડવા અનુભવ : જબરૂ કૌભાંડ હોવાના આક્ષેપો : પહોંચ પણ આપતા નથી : ફરિયાદો કરી તો ઉપર જાણ કરવાનું કહ્યું : ઉચ્ચ અધિકારીઓનું ભેદી મૌન

આ બંને સ્થળે ધર્મેશભાઇ શીંગાળાને ડુપ્લીકેટ સીમકાર્ડના રૂ. ૭૦ અને તેની પહોંચ નહિ આપવાનો ભારે કડવો અનુભવ થયો હતો

રાજકોટ તા. ૧૫ : રાજકોટમાં BSNLએ સીમકાર્ડ સહિતની કામગીરી અંગે પ્રાયવેટાઇઝેશન કરી નાંખ્યું છે, ઠેકઠેકાણે ફ્રેન્ચાઇઝીઓ આપી દિધી છે, પરંતુ આ ફ્રેન્ચાઇઝી લેનારા લોકો ઓરીજનલની જગ્યાએ બીજુ (ડુપ્લીકેટ) સીમકાર્ડ કાઢવવામાં BSNLના ગ્રાહકો પાસેથી ૨૦ રૂ. વધુ પડાવતા હોવાની ફરીયાદો બહાર આવતા અને આ જબરૂ મોટું કૌભાંડ હોવાના આક્ષેપો ખુદ સીમકાર્ડ લેવા જનાર ગ્રાહકોએ કરતા ખળભળાટ મચી ગયો છે.

વિગતો મુજબ ઓરીજનલની જગ્યાએ બીજુ (ડુપ્લીકેટ) સીમકાર્ડનો BSNLની વેબસાઇટ ઉપર ભાવ રૂ. ૫૦ લખ્યો છે, પરંતુ ગ્રાહકો પાસેથી રૂ. ૭૦ પડાવાય છે અને ગ્રાહકોને ખુલ્લેઆમ આ ફ્રેન્ચાઇઝીવાળા કહે છે, તમારે જ્યાં ફરીયાદ કરવી હોય ત્યાં કરો, અમે ૭૦ રૂપિયા જ લઇએ છીએ.

એટલું જ નહી આ ફ્રેન્ચાઇઝીવાળા પાછા ૭૦ રૂ.ની પહોંચ પણ આપતા નથી, આશ્ચર્ય એ છે કે ગ્રાહકો પહોંચનુ પૂછે તો આ ઓરીજનલની જગ્યાએ બીજુ (ડુપ્લીકેટ) સીમકાર્ડની કામગીરી ઓનલાઇન છે, આમાં પહોંચ ન હોય, તમારે બે કલાકમાં સીમકાર્ડ ઓનલાઇન આપોઆપ એકટીવેટ થઇ જશે.

આ બાબતે BSNL કસ્ટમર કેરમાં ગ્રાહકોએ ફરિયાદ કરી તો એવો જવાબ અપાયો કે ઓરીજનલની જગ્યાએ બીજુ   સીમકાર્ડના ૫૦ રૂપિયા જ છે, પહોંચ પણ આપવી જોઇએ હવે તમે ઉપર મેઇલ કરી ફરીયાદ કરો... આ સીમકાર્ડ દીઠ ૨૦ રૂ. વધુ પડાવવા અંગે રાજકોટ BSNLના કોઇ ઉચ્ચ અધિકારીઓ જવાબ દેવા તૈયાર નથી, લોહાનગર એક્ષચેન્જ ખાતે કોઇ ફોન ઉપાડતુ નથી... લોકો ખુલ્લેઆમ લૂંટાઇ રહ્યા છે.

દરમિયાન આ બાબતનો ભોગ બનનારા અને વર્ષોથી BSNLના ગ્રાહક છે એવા રાજકોટના શ્રી ધર્મેશભાઇ શીંગાળાએ આજે સવારે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મને રાષ્ટ્રીયશાળા - જયુબેલી અને રૈયા રોડ ત્રણેય સ્થળે કડવા અનુભવ થયા છે, ફ્રેન્ચાઇઝી ધરાવતા લોકો ડુપ્લીકેટ સીમકાર્ડના ૫૦ને બદલે રૂ. ૭૦ લ્યે છે, મારી પાસેથી ઉપરોકત ત્રણેય સ્થળેથી ૭૦ લેવાયા પરંતુ હજુ સુધી પહોંચ આપી નથી અને જે તે સમયે પણ પહોંચ આપી નહોતી. આ બાબત ના વિડીયો પુરાવા પણ હોવાનું તેમણે જણાવ્યું હતું

ધર્મેશભાઇએ જણાવેલ કે, રોજના આવા ૧૦૦ જેટલા ઓરીજનલની જગ્યાએ બીજુ સીમકાર્ડ ગ્રાહકો લેવા જાય છે... વધુ હશે પરંતુ રાજકોટ ટેલીકોમના કોઇ ઉચ્ચ અધિકારી કશું કરતા નથી.

તેમણે જણાવેલ કે, BSNLના અમુક સારા-સારા નંબર તો બ્લેકમાં વેચાઇ જાય છે, અમુક લોકો કાળાબજાર કરે છે તેવી ભારે ચર્ચા છે. અધિકારીઓએ આ લોકોને પકડવા જરૂરી છે, દરમિયાન BSNLના એક ઉચ્ચ અધિકારીએ ડુપ્લીકેટ સીમકાર્ડના રૂ. ૭૦ અંગે કહ્યું કે, પહેલા ફ્રી હતું, પછી રૂ. ૧૦૦ થયા, બાદમાં ૮૦ અને બાદમાં ૫૦નો સરકયુલર આવ્યો... આ ૭૦નો સરકયુલર હજુ આવ્યો નથી, તેમજ એની પહોંચ આપવી ફરજીયાત છે. આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ.

(3:07 pm IST)