Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

પત્નિ અને પુત્રી સાથે લાપતા થયેલા વિજયભાઇ પટેલનો કોઇ પત્તો નથીઃ પરિવાર આકુળ વ્યાકુળ

વ્યાજખોરી નહિ પણ ભાગીદારીમાં મનદુઃખઃ ગૂમ થનારને શોધવા ત્રણ ટીમોની દોડધામ : વિજયભાઇના ભાઇ કિરણભાઇ પટેલે કહ્યું-વ્યાજખોરીનો નહિ, ભાગીદારીનો ડખ્ખોઃ જે. પી. જાડેજાએ અમારા હક્કના પૈસા આપવાની ના કહી દેતાં વિજયભાઇ ખુબ ચિંતામાં આવી ગયા હતાં: પિતાની હાલત બગડતાં દાખલ કરવા પડે તેવી હાલત

રાજકોટ તા. ૧૫: શહેરના કાલાવડ રોડ પ્રદ્યુમન ગ્રીનસીટી સી-૧૨૦૪માં રહેતાં ટ્યુશન કલાસીસના સંચાલક મુળ ઉપલેટા પંથકના પટેલ વિજયભાઇ ગોરધનભાઇ મકવાણા (ઉ.વ.૪૦) તેમના પત્નિ કાજલભાઇ (ઉ.વ.૩૬) અને પુત્રી નિયતી (ઉ.વ.૧૧) સાથે તા. ૧૧/૬ના રોજ બપોરે ઘરેથી મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળી ગયા બાદ લાપતા થતાં અને આજે પાંચમા દિવસે પણ કોઇનો પત્તો ન મળતાં પરિવારજનો આકુળવ્યાકુળ થઇ ગયા છે. વિજયભાઇએ ગૂમ થયા પહેલા બે ચિઠ્ઠી લખી હતી. જેમાં એક પોલીસ કમિશનરને ઉદ્દેશીને લખાયેલી હતી અને એક ચિઠ્ઠી બિલ્ડર જે. પી. જાડેજાને ઉદ્દેશીને લખાયેલી હતી. તેમજ એક ચિઠ્ઠી જે. પી.ના ઘરે પણ મોકલાવાઇ હતી. જેમાં કેકેવી ચોકમાં વિજયભાઇએ બનાવેલા બિલ્ડીંગની ભાગીદારીમાં છેતરપીંડી થયા સહિતની બાબતોનો ઉલ્લેખ છે.

દરમિયાન આ મામલે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ગઇકાલે વિગતો આપતાં જણાવ્યું હતું કે બિલ્ડર જે. પી. જાડેજા પાસેથી ૩ ટકા વ્યાજે પૈસા લીધા હોવાની વાત ચિઠ્ઠીમાં લખી હોઇ તે અંગે તપાસ કરતાં એવું બહાર આવ્યું છે કે આ મામલો વ્યાજખોરીનો નહિ પણ ભાગીદારીમાં થયેલી માથાકુટનો લાગે છે. જે. પી. જાડેજાની પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કે વિજયભાઇએ જે બિલ્ડીંગ બનાવયું હતું તેમાં પહેલા બાલાભાઇએ કરોડોનું રોકાણ કર્યુ હતું. પરંતુ બાદમાં તેણે ભાગીદારી છુટી કરી હતી. એ પછી જે. પી. જાડેજાનો પુત્ર વિજયભાઇને ત્યાં ટ્યુશનમાં જતો હોવાથી તેમણે જે.પી. જાડેજાને ભાગીદારીની વાત કરતાં તેમણે ૩૦ ટકા ભાગીદારી રાખી હતી. જેમાં તેમના કુટુંબના ઉષાબા પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાયત્રીબા જયરાજસિંહ જાડેજા અને પ્રિતીબા જ્યોતિરાજસિંહ જાડેજા  ૧૦-૧૦ ટકાના ભાગીદાર બનાવ્યા હતાં. જ્યારે ૭૦ ટકામાં વિજયભાઇ ભાગીદાર હતાં. તેમણે સાત કરોડની લોન લીધી હતી. જે ભરપાઇ ન કરી શકતાં જે. પી.એ સાત કરોડની લોન ચુકતે કરી હતી. એ પછી દસ્તાવેજ એમની પેઢી પી. એન. એસોસિએટના નામે થયો હતો.

ત્યારબાદ ૧૮ માર્ચ ૨૦૧૯ના રોજ સુધારા દસ્તાવેજ થયો હતો. જેમાં ઉષાબાના નામે ૩૩.૩૩ ટકા, ગાયત્રીબાના નામે ૩૩.૩૩ ટકા, પ્રિતીબાના નામે ૩૩.૩૪ ટકા ભાગીદારી રજીસ્ટર કરાવી તમામ રૂપિયા ચુકવી દીધા હતાં. એ પછી પેઢીનું નામ પી. પ્લસ રખાયું હતું. ભાગીદારીમાં મનદુઃખ હોવાનું હાલ સ્પષ્ટ થયું છે.

વિજયભાઇના ભાઇ કિરણભાઇ મકવાણાએ કહ્યું હતું કે-જે. પી. જાડેજાએ પોતે જ બિલ્ડીંગની કિમત ૧૪થી ૧૫ કરોડ ગણી હતી. ભાગીદારી મુજબ આ બિલ્ડીંગ વેંચાય તો જે. પી. તેમના ૯.૩૦ કરોડ બાદ કરી લે તો પણ અમારા કાયદેસરના હક્કના ચાર કરોડથી વધુ રૂપિયા નીકળે છે. હવે જે. પી. બિલ્ડીંગ વેંચવા પણ નથી દેતાં અને પોતે પણ નથી વેંચતાં. આ કારણે અમારા પૈસા ફસાયા છે. વિજયભાઇને પોતાની સાથે ભાગીદારીમાં છેતરપીંડી થયાનું લાગતાં તેઓ ખુબ ચિંતામાં મુકાઇ ગયા હતાં અને એ કારણે પત્નિ, પુત્રી સાથે ગાયબ થઇ ગયા છે. તેમનો આજે પાંચમા દિવસે પણ પત્તો ન હોઇ હવે પિતાજીની તબિયત પણ ખુબ બગડી ગઇ છે અને તેમને દાખલ કરવા પડે તેવી હાલત છે. 

વિજયભાઇને શોધવા માટે તાલુકા પોલીસ, ક્રામઇ બ્રાંચ અને માલવીયાનગર પોલીસની ટીમો કામે લાગી છે. પરંતુ તેમનો કોઇ પત્તો નથી. તસ્વીરમાં દેખાતાં ત્રણેય લોકો કોઇને જોવા મળે તો રાજકોટ પોલીસને જાણ કરવા જણાવાયું છે.

(1:05 pm IST)