Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રેસકોર્ષ ગાર્ડનના કામમાં ૨.૮૬ લાખનું કૌભાંડ ઝડપી લેતા મનીષ રાડિયા

બગીચાના પગદંડીમાં જુના ધોલપુરી પથ્થરો ધાબડી દેવાયાનું સ્ટેન્ડીંગ કમિટિ સભ્ય મનીષભાઇના ધ્યાને આવતા સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલને સાથે રાખી કામના સ્થળે ઓચિંતો દરોડો પાડયો : રંગેહાથ કૌભાંડ ઝડપી લેવાતા હવે કોન્ટ્રાકટર આર.કે. કન્સ્ટ્રકશનના બીલ અટકાવી તેના ખર્ચે નવા પથ્થરો નાખવા સુચના

રેસકોર્ષ બગીચામાં છત્રપતિ શિવાજીની પ્રતિમાવાળા ભાગમાં ચાલવા માટેની પગદંડીમાં જુના ધોલપુરી પથ્થરો કોન્ટ્રાકટરે ધાબડી દીધાનું ૨.૮૬ લાખના કૌભાંડ અંગે સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય મનીષ રાડિયા તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે સ્થળ પર ચેકીંગ કરી અને રંગેહાથ આ કારસ્તાન ઝડપી લીધું હતું તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૧૫ : શહેરના રેસકોર્ષ બગીચામાં પગદંડી બનાવવા માટે ધોલપુરી પથ્થર નાખવાના કામમાં ૨.૮૬ લાખની ગોલમાલ વોર્ડ નં. ૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય મનીષ રાડિયાએ રંગેહાથ ઝડપી લેતા મ.ન.પા. તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ રેસકોર્સ ગાર્ડન વોક વે (પગદંડી)માં આવશ્યકતા મુજબના રીપેરીંગનું કુલ રૂ.૧૬.૪૫ લાખનું કામ આ અગાઉ સ્ટે.ક.ઠ.નં.૩૫૭ તા. ૯ ડિસેમ્બર ૨૦૨૦ અન્વયે કોન્ટ્રાકટર એજન્સી આર.કે. કન્સ્ટ્રકશનને સુપ્રત કરવામાં આવેલ. આ કામમાં ધોલપૂરી સ્ટોન રીફીટીંગ કામ ઉપરાંત ચેઈનલીંક ફેન્સીંગ, ફરકડી વિગેરે રિપેરિંગ કામ તથા કલર કામનો સમાવેશ થતો હતો. જે અન્વયે આ ગાર્ડનમાં વોક વે પરના જરૂરિયાત મુજબના નવા ધોલપૂરી સ્ટોન નાખવાના હતા. જો કે, કોન્ટ્રાકટર દ્વારા આશરે રૂપિયા પોણા ત્રણ લાખથી વધુની કિંમતના જુના ધોલપૂરી સ્ટોન પાથરી દીધા હોવાનું વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ રાડીયાના ધ્યાનમાં આવતા, તેમણે તુરંત જ સ્ટેન્ડિંગ કમિટી ચેરેમેન પુષ્કરભાઇ પટેલના ધ્યાને મૂકી ચકાસણી કરતા, આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેના પગલે ચેરમેને કોન્ટ્રાકટર સામે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ રાડીયાએ આ અંગે એમ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોમાં કોન્ટ્રાકટર એજન્સી દ્વારા કયાય પણ નબળી કામગીરી ન થાય તે ખુબ જ જરૂરી છે. નબળું કામ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહિ આવે.

આ અંગે વિસ્તૃત વિગતો આપતા મનીષભાઈ રાડિયા જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકાના રેસકોર્સ સંકુલમાં આવેલ રેસકોર્સ ગાર્ડનના જે અન્વયે આ ગાર્ડનમાં વોક વે પરના જરૂરિયાત મુજબના નવા ધોલપૂરી સ્ટોન નાખવાના હતા જેને બદલે આ કોન્ટ્રાકટર એજન્સીએ રૂ.૨.૮૬ લાખની કિમતના જુના ધોલપૂરી સ્ટોન ફીટ કરી દીધેલ હોવાનું વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ રાડિયાના ધ્યાને આવતા સૌપ્રથમ તેમણે વોર્ડ નં.૦૨ના બાંધકામ શાખાના ડે.એકઝી. એન્જીનીયર પાસેથી જરૂરી વિગતો મેળવી, આ સ્થળ મુલાકાત લઇ, જાત ખરાઈ કરેલ હતી અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલને આ બાબતે જાણ કરેલ. જેના અનુસંધાને આજ તા.૧૫ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ રાડિયાએ બાંધકામ શાખાના એડી.સીટી. એન્જીનીયર એમ.આર. કામલીયા, ડે.એકઝી. એન્જીનીયર મહેશ જોષી સહિતના સ્ટાફને તથા કોન્ટ્રાકટર એજન્સી આર.કે. કન્સ્ટ્રકશનને રેસકોર્સ ગાર્ડન ખાતે રૂબરૂ બોલાવેલ. જયાં કોન્ટ્રાકટર એજન્સી દ્વારા પોતે આ કામે નવા ધોલપૂરી સ્ટોનને બદલે જુના ધોલપૂરી સ્ટોન ફીટ કરી દીધેલ હોવાની કબુલાત કરી હતી. જેના અનુસંધાને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ સંબંધિત કોન્ટ્રાકટર એજન્સી સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. ઉપરોકત વિગતે, વોર્ડ નં.૦૨ના જાગૃત કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષભાઈ રાડીયાની સતર્કતાથી રેસકોર્સ ગાર્ડનમાં રૂ.૨.૮૬ લાખના ખર્ચે જુના ધોલપૂરી સ્ટોન ધાબડી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

નોંધનિય છે કે આ કૌભાંડ અંગે કોન્ટ્રાકટર આર.કે. કન્સ્ટ્રકશનના બિલો અટકાવી દેવાયા છે અને કોન્ટ્રાકટરને તેના ખર્ચે ફરીથી બગીચાની પગદંડીમાં નવા ધોલપુરી પથ્થરો ફીટ કરી આપવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયાનું સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું.

(3:11 pm IST)