Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જી.એસ.ટી.ની રકમ ભરવાને બદલે અંગત ખાતામાં જમા કરાવતા સી.એ. સામે ફરિયાદ

રાજકોટ, તા. ૧પ : રાજકોટના સી.એ. ભાર્ગવ ઉપેન્દ્રભાઇ ભટ્ટ સામે ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૧૭, ૪૧૮, ૪ર૦ મુજબની ફરીયાદ કરેલ છે.

અત્રે વાંકાનેરની કોર્ટમાં ફરીયાદી ચેતનભાઇ ધીરજલાલ જાની વાંકાનેરમાં કલર ટેક કોર્પોરેશનના નામેથી સીરામીક કેમીકલ બનાવવાનો વેપાર ધંધો કરે છે અને તેમના ધંધામાં વેટ અને હાલ જી.એસ.ટી. રિટર્ન નિયમિત ફાઇલ કરવાનું હોવાથી તેઓએ આરોપી ભાર્ગવ ઉપેન્દ્રભાઇ ભટ્ટ કે જેઓ સી.એ. તરીકે રાજકોટ મુકામે 'ભટ્ટ ભાર્ગવ એન્ડ એસોસીએટ' ચલાવતા હોવાથીતેઓને ફરીયાદીએ પોતાનું વેટ અને જી.એસ.ટી.નું કામ ઘણા સમયથી સોંપે હોય. આરોપીએ ફરીયાદીને જણાવેલ કે તમો જી.એસ.ટી.ના રૂપિયા અમારા ખાતામાં જમા કરાવજો તે રૂપિયા અમો ઓનલાઇન જી.એસ.ટી. વિભાગમાં તમારા ખાતામાં જમા કરાવી આપીશું તેવું પાકુ વચન, વિશ્વાસ અને ખાતરી આપેલી. જેથી ફરીયાદીએ આરોપીના કહેવા મુજબ તેમના ખાતામાં જી.એસ.ટી.ની રકમ રૂ.૬,૧પ,૦ર૩/- જુદી જુદી તારીખે ચેકથી આરોપીના ખાતામાં જમા કરાવેલ.

ત્યારબાદ ફરીયાદીને જી.એસ.ટી. વિભાગ તરફથી રૂ. ૪,૩ર,૬૯૬ પુરા ભરવાની બાકી નીકળતા હોવાની નોટીસ આવતા આ બાબતની જાણ ફરીયાદીએ આરોપીને કરતા આરોપી ગલ્લ-તલ્લા કરવા લાગેલા ત્યારબાદ ફરીયાદીએ તાત્કાલીક ઉછીપાછીના રૂપિયા ભેગા કરી રૂ. ૩,૬૯,૬૯૬ જી.એસ.ટી. વિભાગમાં જમા કરાવેલ. આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી જી.એસ.ટી.માં જમા કરાવવાના નામે રૂ. ૬,૧પ,૦ર૩- પુરા પોતાના ખાતામાં જમા કરાવડાવી ફરીયાદીના ખાતે જી.એસ.ટી.માં ભરપાઇ કરી નહીં અને ફરીયાદીને જી.એસ.ટી.માં રકમ ભરાઇ ગયેલ હોવાની ખોટી માહીતી આપી. નાણા પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી ફરીયાદી સાથે ગુનાહીત વિશ્વાસઘાત કરી છેતરપીડી કરેલ હોવાનું જણાય આવતા આ બાબતે ફરીયાદીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં તા. રર-૮-૧૮ના રોજ ફરીયાદ કરવા અરજી આપવા છતા પોલીસે કોઇ કાર્યવાહી કરેલ ન હોય આરોપી વિરૂદ્ધ ફરીયાદીએ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ અને ફરીયાદીના વકીલશ્રીની તમામ દલીલો માન્ય રાખી વાંકાનેરના જયુડી. મેજી. એમ.સી. પટેલે આ કામના આરોપી સામે ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૧૭, ૪૧૮, ૪ર૦ મુજબના ગુન્હા સબબ કાર્યવાહી કરવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી ચેતનભાઇ ધીરજલાલ જાની તરફે રાજકોટના ધારાશાસ્ત્રી રીતેષ એસ. કોટેચા રોકાયેલ છે.

(4:08 pm IST)