Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ભગવદ્દ ગીતા થકી બાળકોમાં સંસ્કાર સિંચનનો નોખો ચીલો ચાતરનાર શ્રી મનહરલાલજી મહારાજની કાલે પૂણ્યતીથી

રાજકોટ તા. ૧૫ : ગીતા વિદ્યાલયોના અધિષ્ઠાતા બ્રહ્મલીન ભાગવતાચાર્ય પૂ. શ્રી મનહરલાલજી મહારાજની કાલે તા. ૧૬ ના ૧૮ મી પૂણ્યતીથી છે. આજથી ૬૯ વર્ષ પૂર્વે છોટા કાશી જામનગરમાં ગીતા વિદ્યાલયની સ્થાપના કરી નાના બાળકોને સંસ્કુૃત શ્લોકોની અંતાક્ષરી રમતા કર્યા. બાળકો દ્વારા ગીતા જયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો. તેમજ હજારો બાળકોને ભગવદ્દગીતા, રામાયણ, સંસ્કૃત સ્તોત્રોનુ અધ્યયન કરાવીને સંસ્કાર સિંચન કર્યુ. આ રીતે જામનગરથી ગુંજતો થયેલો ભગવદ્દગીતાનો નાદ આજે ગુજરાતભરમાં ગીતા વિદ્યાલય સ્વરૂપે ગુંજી રહ્યો છે. તેમણે જામનગરમાં એક જ માસમાં એકજ શહેરમાં બે અષ્ટોતરશત સતત (૧૦૮) શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો વિક્રમજનક ઇતિહાસ સર્જયો. તેમની પ્રેરણાથી રાજકોટની ભાગોળે રતનપર ખાતે રામચરિત માનસ મંદિરનું નિર્માણ થયુ. નર્મદાકાંઠે નારેશ્વરમાં દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીના હસ્તે શ્રેષ્ઠ ભાગવતાચાર્ય તરીકે શ્રી મનહરલાલજી મહારાજનું બહુમાન થઇ ચુકયુ છે. ૧૦૦૦ ઉપરાંત ભાગવત સપ્તાહ દ્વારા અનેક સ્થળોએ સ્કુલ, દવાખાના, ગૌશાળા, મંદિર નિર્માણમાં સહયોગ આપ્યો. તેમણે પ્રગટાવેલ સેવાનો દિપ આજે પણ સૌરાષ્ટ્રભરમાં ગીતા વિદ્યાલય સ્વરૂપે દીપી રહ્યો છે.

જંકશન પ્લોટ ગીતા વિદ્યાલય ખાતે કાલે નિદાન કેમ્પ અને ભજન સંધ્યા

રાજકોટ : પૂ. મનહરલાલજી મહારાજની પૂણ્તીથી નિમિતે રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે ગીતા વિદ્યાલયમાં કાલે તા. ૧૬ ના રવિવારે સવારે ૯.૩૦ થી ૧૨ નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પ અને સાંજે ૬ થી ૭.૩૦ જીતુભાઇ અંતાણીના કંઠે ભકિતસંગીત ભજન સંધ્યાનું આયોજન કરાયુ છે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

(4:04 pm IST)