Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ઉઝબેકિસ્તાનનું મ્યુઝિક ગ્રુપ 'હાવાસ ગુરૂહી' કાલે રાજકોટમાં

ભારતીય સંસ્કૃતિ અને ગાંધીજીના સિદ્ધાંતોથી પ્રભાવિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત : ગાંધી મ્યુઝિયમની મુલાકાતે : રાત્રે ગીત-સંગીતનો લાઇવ કાર્યક્રમ : બિનાબેન આચાર્ય તથા બંછાનિધિ પાનીનું માર્ગદર્શન

રાજકોટ, તા. ૧પ : ભારતીય સંસ્કૃતિ અને ગાંધીજીના સિદ્ધાંતોથી અત્યંત પ્રભાવિત થયેલા તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબજ લોકપ્રિય બનેલા ઉઝબેકિસ્તાનના મ્યુઝિક ગ્રુપ 'હાવાસ ગુરૂહી' (આરઝુઓનો સમૂહ) દ્વારા આવતીકાલે ૧૬મીએ રવિવારે રાજકોટ 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'ની મુલાકાત અને ત્યારબાદ રાત્રે ૮:૧૦ કલાકે ગીત-સંગીતનું લાઇવ પરફોર્મન્સ આપવામાં આવનાર છે. 'હાવાસ ગુરૂહી' ગ્રુપની વિશેષતા એ છે કે તેમાં સામેલ સાત સભ્યો એક જ પરિવારના છે. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે વધુને વધુ ગાઢ સબંધ બંધાય તે માટે સક્રિય રહેલા આ કલાકારોને હિન્દી અને ગુજરાતી ભાષાના એકેય શબ્દની જાણકારી નહિ હોવા છતાં તેઓ ખૂબજ સારી રીતે હિન્દી-ગુજરાતી ગીતો લલકારી શકે છે તેમ મેયર બીનાબેન આચાર્યઅને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

આ અંગે મેયરશ્રી અને મ્યુનિ. કમિશનશ્રીએ જણાવ્યું હતું કે, 'યુટયુબ' ઉઅર પણ જેના લાખો-કરોડો ચાહકો છે તેવા 'હાવાસ ગુરૂહી' ગ્રુપ કમ ફેમીલીમાં માતા-પિતા, ૪ સંતાનો અને એક પુત્રવધુ સામેલ છે. તેઓ ભારતીય સંસ્કૃતિના અનન્ય ચાહક છે. ગાંધીજીના સિદ્ધાંતોને તેઓ અનુસરે પણ છે . આ ગ્રુપને અસંખ્ય નેશનલ-ઇન્ટરનેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થઇ ચૂકયા છે.

'હાવાસ ગુરૂહી' ગ્રુપના ગ્લોબલ રાઇટસ ધરાવતા ભારતીય રીપ્રેઝન્ટેટીવ એવા રાજકોટના જીગ્નેશભાઇ મહેતાના જણાવ્યા અનુસાર 'હાવાસ ગુરૂહી' ગ્રુપ-પરિવારને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ દેશના પ્રથમ નંબરના ફેમીલી તરીકે ખિતાબ આપેલો છે.

રવિવારે સાંજે ૪:૩૦ વાગ્યે હાવાસ ગુરૂહી ગ્રુપ રાજકોટ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે ૭:૪૦ કલાકથી લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળશે અને પછી રાત્રે ૮:૧૦ કલાકથી મ્યુઝિયમના કોર્ટયાર્ડ ખાતે ગીત-સંગીતનો લાઇવ કાર્યક્રમ પ્રસ્તુત કરશે તેમ મ્યુ. કોર્પોરેશની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

હાવાસ ગુરૂહી (આરઝુઓનો સમૂહ) પરિવારને જાણો

રાજકોટઃ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ શહેરમાં વસતાં, હિન્દુસ્તાનની સંસ્કૃતિ તેમજ સંગીતને દિલોજાનથી ચાહતાં અને હિન્દુસ્તાની ગીતોને બખૂબી રીતે અદ્દભૂત શૈલીથી સ્ટેજ પરથી રજૂ કરતાં વર્લ્ડ ફેમસ સેલિબ્રિટી સિંગર હાવાસ ગુરૂહી પરિવારમાં કુલ ૭ સભ્યો છે. રૂસ્તમ સમગ્ર ટીમના ડાયરેકટર તેમજ પરિવારની મુખ્ય વ્યકિત તેઓ શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર અને એડીટર હોવા ઉપરાંત કેનવાસ પેન્ઇટીંગમં પણ બેનમૂન કૌશલ્ય ધરાવે છે. કાખ્રમોન, અંતરમનને ઝંકૃત કરી દે, તેવી ગાવાની અદ્દભૂત છટા ધરાવતા ગ્રુપના મુખ્ય સીંગર, તેઓ શ્રેષ્ઠ કી બોર્ડ પ્લેયર તેમજ મ્યુઝિક કંપોઝ પણ છે. ઝઉબોકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ ગણાતો તેમજ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થતો 'નિહોલ' એવોર્ડ તેમના નામે છ.ે શાહનોઝા, કાખ્રમોનના બહેન, અદ્દભૂત ગાયિકા, કી બોર્ડ પ્લેયર તેમજ પેઇન્ટર ઇશ્વરે તેમની ત્રણ વર્ષિય અત્યંત ચુલબુલી પુત્રી ગુલરાઇખોનને તેની પ્રત્યેક અદામાં મનમોહક બાળસહજ અભિવ્યકિત બક્ષેલી છે. દોસ્તોનબેક, પરિવારમાં સૌથી વધુ શાંત તેમજ શરમાળ વ્યકિતત્વ ધરાવતો આ સીંગર તેમજ વાયોલીનીસ્ટ પુત્ર ન્યુ જનરેશનનો હીરો છે. સ્ટેજ પર તેનું વ્યકિતત્વ સોળે કલાએ ખીલી ઉઠે છે વાયોલિનીસ્ટ તરીકે તેણે અનેક ઇન્ટરનેશનલ એવોર્ડસ મેળવેલા છે.

રોબિયા, માત્ર ૧૧ વર્ષની ઉંમર ધરાવતી પરિવારની આ સૌથી નાની પુત્રીને ઇશ્વરે અત્યંત નિર્દોષતા સાથેનું જે અલૌકિક વ્યકિતત્વ તેમજ સૌંદર્ય બક્ષ્યું છે, તે બેમિસાલ છે. તેણી પણ સ્ટેજ પર વાયોલિનીસ્ટ તેમજ સીંગર, બંનેનો રોલ, બખૂબી નિભાવે છ.ે તેણીએ માત્ર છ વર્ષની નાની ઉંમરે શ્રેષ્ઠ વાયોલિનીસ્ટ તરીકે ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવેલો છે...!

તાશ્કંદ શહેર ઉપરાંત સમગ્ર ઉઝબેકિસ્તાન દેશના સર્વશ્રેષ્ઠ પરિવાર તરીકે આ પરિવારને નવાજવામાં આવેલો છે.

સ્ટાર પ્લસ ટી.વી.ચેનલના સુપ્રસિદ્ધ શો 'દિલ હૈ હિન્દુસ્તાની'માં લાજવાબ પર્ફોમન્સ દ્વારા ગોલ્ડ ડિસ્ક જીત., વિશ્વભરના ડ્રોઇંગરૂમમાં પહોંચીને તેઓએ કરોડો લોકોને પોતાના આજીવન ચાહક બનાવ્યા છે સુપ્રસિદ્ધ એકટર રિશી કપુરના હૃદયના તાર ઝણઝણાવનાર તેમજ સુષ્મા સ્વરાજ (ભારતના મિનીસ્ટર ઓફ એકસટર્નલ અફેર્સ) ના હસ્તે સન્માન પત્ર મેળવનાર આ સેલિબ્રિટી સીંગર્સને પ્રાઇમ મિનીસ્ટર નરેન્દ્રભાઇ મોદીએ પણ જાહેરમાં બિરદાવ્યા છે.

(4:02 pm IST)