Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બિલ્ડર નિલેષ લુણાગરીયાને સંડોવતા ગુનામાં ઉંડી તપાસ થાય તો મોટુ લોન કૌભાંડ ખુલે!

ઠગાઇની ફરિયાદ નોંધાવનાર રૂપેશ મકવાણાની રૂરલ એસપીને રજૂઆત

રાજકોટ તા. ૧૫: શહેરના કેનાલ રોડ પર લલુડી વોંકળી પાસે રહેતાં અને પાપડની ફેરી કરી ગુજરાન ચલાવતાં રૂપેશભાઇ વલ્લભભાઇ મકવાણા નામના આધેડ સાથે બિલ્ડર નિલેષ કાનજીભાઇ લુણાગરીયા અને દલાલીનું કામ કરતાં ઉમેશ વાઘેલાએ ફલેટના સોદામાં ઠગાઇ કરી પઝેશન નહિ સોંપી છેતરપીંડી કર્યાની ફરિયાદ દાખલ થઇ છે. આ બનાવમાં ઉંડી તપાસ થાય તો મોટુ લોન કોૈભાંડ પણ ખુલે તેમ હોવાની શકયતા રૂપેશભાઇ મકવાણાએ દર્શાવી આ અંગે રૂરલ એસપીશ્રીને રજૂઆત કરી છે.

રૂપેશભાઇએ રજૂઆતમાં જણાવ્યું છે     કે અમો અરજદારે મુળ ફરિયાદીએ રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીને લોન કોૈભાંડમાં સામેલ દસ જણા સામે લેખિત ફરિયાદ આપી આ તમામ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮,૪૭૧, ૫૦૪, ૫૦૬ (૨), ૩૪, ૧૨૦ (બી), ૧૧૪ મુજબ ગુનો નોંધવા માંગણી કરી છે. આ ફરિયાદમાં અમે જણાવ્યું છે કે ફાયનાન્સરો અને પૂર્વા ઇન્ફાસ્ટ્રકચરના છ ભાગીદારોએ સાથે મળી ગુનો આચર્યો છે. નિલેષ લુણાગરીયા અને સાથેના શખ્સોએ કોૈભાંડ આચર્યુ હોવા છતાં અગમ્ય કારણોસર સત્ય હકિકતોથી વિપરીત ડોકયુમેન્ટસ તૈયાર કરી ભોગ બનનારાઓની જાણ બહાર લોન ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ મામલે કાર્યદક્ષ પોલીસ અધિકારી ઉંડાણપૂર્વક તપાસ કરે તો એક પછી એક અસંખ્ય લોન કોૈભાંડ ખુલવાની પુરેપુરી શકયતા છે.

રજૂઆતમાં આગળ જણાવાયું છે કે લુણાગરીયા પૈસાપાત્ર અને રાજકિય વગ ધરાવતાં હોઇ દસ જણા વિરૂધ્ધ નામ જોગ લેખિત ફરિયાદ આપી હોવા છતાં રાજકોટ-લોધીકા વચ્ચે ધક્કા ખાયા પછી માત્ર બે શખ્સ સામે જ લોધીકા પોલીસમાં ગુનો દાખલ થયો છે. અમો ફરિયાદી તથા બીજા અનેક લોકો છેતરાયા છે. પોલીસે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ખો આપી છે. આ કારણે ખુબ હેરાન થવું પડ્યું છે. આ મામલે ઉંડી અને ન્યાયી તપાસની અમારી માંગણી છે. તેમ વધુમાં રૂપેશભાઇ મકવાણાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.

(11:47 am IST)