Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રાજકોટની શાળા આચાર્યએ બોર્ડનું લાખોનું ફુલેકું ફેરવ્યું

બોર્ડની રણછોડ વિદ્યાલયના આચાર્ય સામે ફરિયાદ : બોર્ડે પેપર ચકાસણી સહિતની કામગીરી માટે ૧૭.૫૦ લાખ આપ્યા હતા : આચાર્યએ બોર્ડને રકમ પરત ન કરી

અમદાવાદ,તા.૧૫ : રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું રાજકોટની સ્કૂલના એક આચાર્યએ લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી નાંખતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર છેતરપીંડી અને ઠગાઇ મામલે ગુજરાત રાજય શિક્ષણ બોર્ડે રાજકોટની રણછોડ વિદ્યાલયના આચાર્ય ધવલ લાડાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બોર્ડની ફરિયાદના આધારે પોલીસે પણ આરોપી આચાર્યની શોધખોળ આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ વર્ષે યોજાયેલી બોર્ડ પરીક્ષાની કામગીરી માટે શિક્ષણ બોર્ડે રણછોડ વિદ્યાયલને પેપર ચકાસણી અને મૂલ્યાંકનની કામગીરી સોંપી હતી. જેમાં રણછોડ વિદ્યાલયના આચાર્ય ધવલ લાડાણીને અલગ-અલગ રૂ.૧૭ લાખ ૫૦ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જો કે ધવલ લાડાણી બોર્ડ દ્વારા આપવામાં આવેલા આ રૂપિયા લઈને રફુચક્કર થઇ ગયો હતો. આમ બોર્ડના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સ્કૂલનો આચાર્ય બોર્ડના રૂપિયા ઓળવી ગયો હોવાની ઘટના બની છે. રણછોડ વિદ્યાલયનાં આચાર્ય ધવલ લાડાણીએ રૂ.૪.૩૭ લાખ પરત કર્યા નથી. બોર્ડે પરીક્ષા સંબંધિત પેપર ચકાસણી અને મૂલ્યાંકન માટે આચાર્યને રૂ.૧૭.૫૦ લાખ આપ્યાં હતાં. ત્યારે આચાર્યે રૂ.૧૭.૫૦ લાખમાંથી રૂ.૪.૩૭ લાખ પરત ન કર્યાની હકીકત બોર્ડના ધ્યાન પર આવી હતી. શાળાના આચાર્ય દ્વારા જ આવી ગંભીર પ્રકારની છેતરપીંડી આચરાતાં શિક્ષણ બોર્ડે રણછોડ વિદ્યાલયના આચાર્ય ધવલ લાડાણી વિરૂદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી છે. નોંધનીય છે કે પ્રથમ વાર આવી કોઇ ઘટના બની છે કે જેમાં કોઇ આચાર્ય બોર્ડનાં રૂપિયા લઇને ફરાર થઇ ગયાં છે. આ ફરિયાદને લઇને પોલીસે પણ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે અને કસૂરવાર આચાર્યને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, આ ઘટનાને લઇ રાજયના શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ છે.

(8:15 pm IST)